1.7.1 - જનકનો પ્રશ્ન / સતી લોયણ


જી રે લાખા અષ્ટાવક્રને રાય જનક પાય લાગ્યા જી,
પછી પ્રશ્ન કરવાને ઇચ્છે હાં...
જી રે લાખા ગુરુની આજ્ઞા વિના શિષ્યે બોલાય ના જી,
એનો ધર્મ વિચારી મૌન રહે છે હાં...

જી રે લાખા જનકની ઇચ્છાને જાણી કરીને જી,
અષ્ટાવક્ર ગુરુ ભેદ લહે છે હાં....
જી રે લાખા ગુરુ જનકને એમ કહે છે જી,
તું શું બોલવાને ઇચ્છે છે હાં ?....

જી રે ગુરુ વિના વિષયનો નિષેધ કરો છો આપે જી,
આત્મજ્ઞાનને શું એ નડે છે હાં...?
જી રે ગુરુ ઇન્દ્રિયોનું કામ ઇન્દ્રિયો કરે છે જી,
અને આત્મા અકર્તા ઠરે છે હાં...

જી રે લાખા જનકનો પ્રશ્ન જ્યારે ગુરુએ સાંભળ્યો જી,
ત્યારે ધન્યવાદ તેને દીધો હાં...
જી રે લાખા જનક પ્રત્યે અષ્ટાવક્ર કહે છે જી,
પૂરો જ્ઞાનરસ નથી શું પીધો હાં ?...

જી રે લાખા એમ કહીને તેને નિકટમાં લીધો જી,
પ્રેમદૃષ્ટિએ સંશય દૂર કીધો હાં...
જી રે લાખા જનકના પ્રશ્નનો જે નિર્ણય કરિયો જી,
તે આગળ બતાવું છું તુંને હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
સંશય રહે તે પૂછજે મુને હાં ?....


0 comments


Leave comment