1.7.3 - આત્મા એક છે / સતી લોયણ


જી રે લાખા જનકે આત્મા એક જ્યારે જાણ્યો જી,
ત્યારે દેહ છતાં વિદેહ થયો રે હાં...
જી રે લાખા સ્ત્રી-પુરુષનો તને ભેદ ટળ્યો જી,
ત્યારે દિલની દુગ્ધા (દુવિદ્યા) તે વામ્યો હાં...

જી રે લાખા અષ્ટાવક્ર ગુરૂને એણે પ્રશ્ન પૂછ્યો જી,
એનો ભેદ તને હું બતાવું હાં....
જી રે લાખા ગુપ્તમાં ગુપ્ત ઝીણામાં ઝીણો જી,
તારા રુદિયામાં બોધ દૃઢાવું હાં...

જી રે લાખા અષ્ટાવક્રે જ્યારે આત્મા એક કીધો જી,
ત્યારે સંશય જનકે કીધો હાં....
જી રે લાખા વાત હૃદામાં એને નવ બેઠી જી,
તેથી વાત ફરીથી કીધી હાં....

જી રે ગુરુજી તમે કહો છો આત્મા એક છે જી,
તો જ્ઞાન અજ્ઞાન કેમ ધરશે હાં.... ?
જી રે ગુરુજી સ્વર્ગ-નરકમાં તે કેમ પડે જી,
મારો સંશય ક્યારે મટશે હાં... ?

જી રે લાખા જનકનો પ્રશ્ન અષ્ટાવક્રે સાંભળ્યો જી,
‘તું ખરો અધિકારી’ એમ બોલ્યા હાં....
જી રે લાખા જેમ છે તેમ તેનું સમાધાન કીધું જી,
તેના સંશયના પડદા તોડ્યા હાં....

જી રે લાખા જનકની શંકાનું સમાધાન કીધું જી,
તે વાત તને કરી આપું હાં...
જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તારા હૃદયમાં સ્થિર કરી આપું હાં...


0 comments


Leave comment