50 - એકરાર / પન્ના નાયક
ભલે રાખ થઈ ગઈ
ધૂપસળી
પણ શ્વાસમાં હજીયે છે એની સુવાસ
શ્વાસે શ્વાસે પામું છું સુગંધ.
શાવરમાંથી બહાર આવેલાં
ભીનાં પગલાંની હારમાળા
મારી દૃષ્ટિની પગદંડી બની ગઈ છે,
પણ હવે એ રસ્તે મારાથી ચલાતું નથી
અમે ઘણો માર્ગ સાથે કાપ્યો છે.
સ્પર્શનો રંગ હોય તો
તે રાતો....
હું તો ત્યારે જ ઘણું લજાઈ ગયેલી –
તેમાં અંબોડાનાં ગુલાબ
અને ચૂમેલા હોઠની સ્પર્ધા મુખરિત થઈ ઊઠી.
મેં વાંચ્યાં તે કાવ્યો ન હતાં
કોઈ કુમારિકાની જાણે એ તો કંકોત્રી
પંક્તિ પંક્તિએ હસ્તમેળાપનો સમય
ને મારો હાથ.... એમ જ ઝલાઈ ગયો.
શયનગૃહની
કોમળ શય્યા પર શ્વેત ચાદર
તાણી તાણીને બિછાવું છું
પણ સળ પડી જ જાય છે, જાણે સળવળ સળવળ
થતી એ ક્ષણની યાદ.
સ્ફૂરણ પામતી કાવ્યની પહેલી પંક્તિ સમું
હવે ગર્ભમાં કંઈક ફરકે છે.
કોઈ મારી પાસેથી ગયું છે – અને કોઈ મારામાં આવી રહ્યું છે.
0 comments
Leave comment