1.7.4 - ભટકેલ મનને દૃઢ કરો / સતી લોયણ


જી રે લાખા જનક અષ્ટાવક્રનો સંવાદ જે છે જી,
તે યથારથ તને કહી આપું હાં...
જી રે લાખા ભટકેલ મન છે ઘણા જન્મનું જી,
તેને દૃઢ કરીને હું સ્થાપું હાં...

જી રે જનક વિષયમાં પ્રીતિ વીંધાણી છે જેની જી,
તેને યથારથ જ્ઞાની ન કહીએ હાં...
જી રે જનક આત્મજ્ઞાન જેને પૂરણ થયું છે જી,
તેના વિષયમાં અપેક્ષા ન લહીએ હાં...

જી રે જનક અધ્યાત્મ જ્ઞાનમાં એને બાધ બહુ લાવે જી,
એ વિષયમાં પ્રીતિ જો રાખે હાં...
જી રે જનક આશ્ચર્યવત્ એ વિચારવા જેવું છે જી,
એ કદીય બ્રહ્મરસ ન ચાખે હાં...

જી રે લોયણ પછી જનકે ગુરુને શું શું પૂછ્યું જી,
તે મુને કહી સમજાવો હાં...
જી રે લોયણ તમારા મુખેથી અમૃત હવે છૂટે જી,
તેને વિગતેથી સમજાવો રે હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તને બ્રહ્મપદ નિશ્વે કરાવું હાં...


0 comments


Leave comment