1.7.5 - જનકનો અલૌકિક પ્રશ્ન / સતી લોયણ


જી રે લાખા એક પ્રશ્ન તો એણે એમ કીધો જી,
તે સુણતાં સંશય તારો જાશે હાં...
જી રે લાખા અષ્ટાવક્રનો ઉત્તર જે છે જી,
તે સુણીને જીવ મટી શિવ થાશે હાં...

જી રે લાખા જનક ગુરુ સામે બે હાથને જોડ્યા જી,
ગુરુ સંશય મારો કહું છું હાં...
જી રે ગુરુ આપની આજ્ઞા વિના કેમ કરી બોલું જી ?
તેથી ધારણ મૌન કરું છું હાં....

જી રે જનક ઈચ્છા પ્રમાણે તું પ્રશ્ન પૂછે લે જી,
લાભ થાય તેવું પૂછતાં ન ડરવું હાં....
જી રે જનક રાખે ન ગુપ્ત જે ખરા વિવેકી જી,
તે નક્કી ઉરમાં ધરવું હાં...

જી રે લાખા અષ્ટાવક્ર ગુરુની મરજી પૂરી જાણી જી,
ત્યારે જનકે સંશય રજૂ કીધો હાં...
જી રે લાખા હાણ-લાભનો નથી ધણી પોતે જી,
જેણે ગુરુ-પ્રસન્નતા -રસ પીધો હાં....

જી રે ગુરુ આત્મજ્ઞાનીને જગત બ્રહ્મરૂપ છે જી,
તેને આશ્ચર્યવત્ કેમ કહો છો હાં ?...
જી રે ગુરુ મનવૃત્તિથી પોતે પૂરા પર છે જી,
એને અજ્ઞાની કેમ કહો છો હાં ?...

જી રે લાખા અલૌકિક પ્રશ્ન જ્યારે જનકે પૂછ્યો જી,
ત્યારે ગુરુએ ઉત્તર શો આપેલ હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેના કર્મના પાશલા કાપે હાં...


0 comments


Leave comment