1.7.6 - પ્રશ્નનું ફળ / સતી લોયણ


જી રે લાખા જનકનો પ્રશ્ન સુણી અષ્ટાવક્ર કહે છે જી,
તેને એક ચિત્તથી સાંભળજે હાં...
જી રે જનક તારા પ્રશ્નનું સમાધાન કરી આપું જી,
પછી નિવૃત્તિ જ્ઞાનમાં ગાળજે હાં...

જી રે જનક મન અને વૃત્તિ એવું ત્યાં ન સંભવે જી,
માટે તારી શંકા છે ખોટી હાં...
જી રે જનક વિષયવાસનાને પછી કોણ વળગે જી,
જેને દશા આરૂઢ થઈ મોટી હાં...

જી રે જનક વિષયની વાસનામાં વૃત્તિ રે નથી જી,
આત્મજ્ઞાનીએ તો મનને ગાળ્યું હાં...
જી રે જનક સદ્ગુરુની સમસ્યા જેણે પૂરી લીધી જી,
તેણે જગતને બ્રહ્મમય ભાળ્યું હાં...

જી રે જનક પુરુષમાં સ્ત્રી ને સ્ત્રીમાં પુરુષ છે જી,
એવું જ્ઞાન ગુરુ નિશ્વે કરાવે હાં...
જી રે જનક સત્ય-અસત્ય બેઉ કહેવા માત્ર છે જી,
તેને વિષયસુખ ઉરમાં ન આવે હાં....

જી રે લાખા અષ્ટાવક્રે એ સમાધાન કીધું જી,
જનકે ચિત્ત દઈને સાંભળિયું હાં...
જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેના પ્રશ્નનનું ફળ તેને મળિયું હાં....


0 comments


Leave comment