1.7.8 - માયાનું આવરણ કાપો / સતી લોયણ


જી રે લાખા અષ્ટાવક્રનો બોધ લઈ જનક પાય લાગ્યા જી,
જેણે શંકા દૂર કરી દીધી હાં...
જી રે લાખા વિનયથી રાય ગુરુજી પ્રત્યે બોલ્યા જી,
બીજી શંકા હતી તે કીધી હાં...

જી રે ગુરૂ તમે કહોછો કે જ્ઞાનીનું મન ગળિયું જી,
તો શ્વાસ-ઉચ્છવાસ કેમ ભરે છે હાં ?...
જી રે ગુરુ શ્વાસ-ઉચ્છવાસ સંકલ્પથી ઊપડે છે જી,
મન નથી તો એ કોણ કહે છે હાં ?...

જી રે લાખા અટપટો પ્રશ્ન એવો ગુરુ સાંભળી જી,
દ્વદે સ્નેહ અતિશે આવ્યો હાં...
જી રે લાખા અધિકારીએ જેવા પ્રશ્નો કરવા ઘટે છે જી,
એમ જાણી ગુરુજીને મન ભાવ્યો હાં...

જી રે લાખા અધિક ઉત્તેજન તેણે જનકને આપ્યું જી,
ઉત્તર ભાવ થકી તેણે આપ્યો હાં...
જી રે લાખા જનક એવા અધિકારી વિરલા જગતમાં જી,
જેને અષ્ટાવક્રે બોધ દીધો હાં...

જી રે લાખા માયાનું આવરણ જેણે કાપી નાખ્યું જી,
એ બોધ-અમૃત તમે પીજો હાં...
જી રે લાખા અલૌકિક વાતો મેં કહી છે તમને જી,
અજ્ઞાની આગળ નવ કહેજો હાં...

જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે મનમાં સમજીને રહેજો હાં...


0 comments


Leave comment