1.7.10 - ઘટમાં આત્માને ભાળ્યો / સતી લોયણ


જી રે લાખા એ ઈતિહાસ મહાપવિત્ર ગણાયે જી,
તે જાણે તેને બ્રહ્મવાદી કહીએ હાં....
જી રે લાખા અધિકારી જાણી હું તમને સંભળાવું જી,
એ ભેદવાદીને નવ દઈએ હાં...

જી રે લાખા જનક ને અષ્ટવક્રના સંવાદમાં જી,
કેવળ બ્રહ્મવિદ્યા જ ભરી છે હાં...
જી રે લાખા ભજનમાં ગુરુ પક્ષે ચિત્ત લગાડ્યું જી,
ત્યારે હૃદયમાં વૃત્તિ જ ઠરી છે હાં....

જી રે લાખા સભર ભર્યો આત્મા એને દેખાણો જી,
ત્યારે અંતરમાં સ્વાદ લાગ્યો હાં...
જી રે લાખા અભ્યાસના બળથી તને તે કહું છું જી,
મેં તો ઘટમાં આત્માને ભાળ્યો હાં...

જી રે લાખા આત્માકારે પછી જગત દરશાણું જી,
ત્યારે બીજું દૃષ્ટે નવ આવે હાં...
જી રે જેનું જેનું ચિંતવન યોગી કરે છે જી,
તે આઠે પહોર મને ભાવે હાં...

જી રે લાખા અધ્યાત્મ અધિભૂત અધિદેવ જે છે જી,
એ ત્રણ કાળમાં મને નવ વ્યાપે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
મારો દૃઢાભ્યાસ સુખ આપે હાં...


0 comments


Leave comment