1.7.11 - સમાધિ સુખ / સતી લોયણ


જી રે લાખા વિહંગ મતિ જનકની મટી છે જી,
ત્યારે તુરત કરાવી સમાધિ હાં...
જી રે લાખા જીવન-મુક્ત થયો તે યોગી જી,
ત્યારે સાતમી ભૂમિકા ભાળી હાં...

જી રે લાખા દેહ છતાં વિદેહ થઈ બેઠો જી,
એણે આત્મપદ નિશ્વે કીધું હાં...
જી રે લાખા અષ્ટાવક્રનું અનહદ જ્ઞાન લઈને જી,
જેણે અહંપદ નાખી દીધું હાં...

જી રે લાખા સત-અસતની છાયા વ્યાપે નહિ જી,
એ પદ જનકે ઉર લીધું હાં...
જી રે લાખા યથાર્થ અધિકારી તે શિષ્ય થયો છે જી,
સાધનાનું પરિપક્વપણું કીધું હાં...

જી રે લાખા નિ:સંશય થઈ રાજ્ય કરે છે જી,
જેને નડે નહિ માયા હાં...
જી રે લાખા બ્રહ્મમય જગત જ્યારે જનકને જણાણું જી,
જેની ચૌદ લોકમાં છાયા હાં...

જી રે લાખા ભવાતીત ને ત્રિગુણરહિત છે જી,
જેણે આરૂઢ વૃત્તિ જ્યારે કીધી હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેણે સદ્ગુરુની સમસ્યા લીધી હાં...


0 comments


Leave comment