1.8.1 - પૂરવનાં ભાગ્ય હશે તો / સતી લોયણ


જી રે લાખા રાણીઓને મહેલમાં ખબર પડી છે જી,
રાજાને ઉપદેશ લોયણ આપે હાં...
જી રે લાખા એવું જાણીને રાણી ત્યાં આવી જી,
રાજાના મનને સ્થિર કરી સ્થાપે હાં...

જી રે લોયણ રાજનીતિનું કામ કરવાનું રાજાને જી,
એને વૈરાગી કેમ કરી કરશો હાં ?...
જી રે લોયણ રાજ ઉપરથી અબખો કરાવ્યો જી,
એવાં કૂડાં કર્મો કરો છો હાં...

જી રે લોયણ રાજા જો વૈરાગી થઈ જાશે જી,
પછી રાજને માથે શું થાશે હાં ?...
જી રે લોયણ અમારા પ્રાણ છે રાયના આધારે જી,
પછી કેમ કરી દિવસો જાશે હાં ?...

જી રે લોયણ બોધ કરીને અમને સમજાવો જી,
અજ્ઞાન અમારું ગાળો હાં...
જી રે લોયણ ભવસાગરમાંથી ભટકતાં બચાવો જી,
અમારા મનના સંશય ટાળો હાં...

જી રે રાણી ! ધારણા વિના મન ધડે નવ આવે જી,
એ તો ધીરે ધીરે સમજાશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પૂરવનાં ભાગ્ય હશે તો સમજાશે હાં...


0 comments


Leave comment