60 - રવિવાર / પન્ના નાયક
રવિવાર
દિવસ આખો ખાલીખમ, ગતિશૂન્ય
એને ભર્યો ભર્યો કરવા
આંગળી થાકી ત્યાં સુધી
ટેલિફોનનાં ડાયલ ફેરવ્યાં
શૂન્યનું ચક્ર
ફરી ફરી ઠેરનું ઠેર
no contacts
સૌ પોતપોતાના સંબંધીને ત્યાં !
ફિલ્મ વિનાની કેમેરાની
જેમ ટેલિવિઝન જોયું
કશું ઝડપાયું નહીં
હું તો હતી અન્યમનસ્ક
એટલે દેખાયું બધું ઊંધુંચત્તું
છેવટે બસો પાનાંના થોકડાનું
વર્તમાનપત્ર હાથમાં લીધું
New York Times
કેટલું લાગ્યું ભારે એની એ ઘટનાઓથી
લથબથ, લોહિયાળ, યુદ્ધમય
અકસ્માતોથી ઘવાયેલું....
હું તો હતી એથી વિશેષ,
એકલી પડી ગઈ
ચારે બાજુ સૂનકાર છવાયો
કંટાળીને ઘર બહાર નીકળીને
જોઉં તો આકાશમાં
નમેલી સાંજ
આડી પડી પડી
તાજાં ઊગ્યાં ઘાસનાં મેદાન સાથે
કરતી’તી કશીક વાત,
તેમનો મુલાયમ
સંવાદ સાંભળવા
રંગ રંગ પતંગિયાનું
એક ગુચ્છ ટોળે વળ્યું’તું
ક્યારે બની ગઈ
હુંય પતંગિયું
મને નહીં ખ્યાલ.....
0 comments
Leave comment