1.8.2 - સત્ગુરુનો મારગ અગમ છે / સતી લોયણ


જી રે લાખા સત્ગુરુનો મારગ બહુ રે અગમ છે જી,
તેને મહાવૃત્તિવાળા જાણે હાં...
જી રે રાણી મોટી દશામાં જેનાં મન રે મળિયાં જી,
એ તો અનુભવનો રસ માણે હાં...

જી રે રાણી અનભે પદમાં તમે રે’જો સધીરાં જી,
તારું મન સ્થિર થાશે રે હાં...
જી રે રાણી અભ્યાસ આઠે પહોર આદરશો જી,
ત્યારે યોગીની જુક્તિ જડશે હાં...

જી રે રાણી શ્વાસોશ્વાસના જાપ અજંપા જી,
તમે એવી રીતે ભક્તિ સાંધો હાં...
જી રે રાણી આદ્ય ધર્મની ગત જાણીને જી,
એ પદમાં સુરતા બાંધો હાં...

જી રે રાણી ગુરુવચનનો તમે લાભ જ લેજો જી,
એકાંત અલખ આરાધો હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે નિરાશી થઈ પદ સાંધો હાં....


0 comments


Leave comment