1.8.3 - પ્રપંચ મેલી અલખ આરાધો / સતી લોયણ


જી રે રાણી પ્રપંચ મેલી તમે અલખ આરાધો જી,
તમે ભટકેલ મનને વારો હાં...
જી રે રાણી દુગ્ધાના ડાઘ અંતરમાંથી ટાળો જી,
તમે મોહ-મમતાને મારો હાં...

જી રે રાણી ઊંચપણું જ્યારે ના'વે અંતરમાં જી,
ત્યારે અભેદદૃષ્ટિ થાવે હાં...
જી રે રાણી પૂરા મળે ત્યારે પ્રેમ જગાડે જી,
ત્યારે પ્રેમ ભક્તિ ઉપર આવે હાં...

જી રે રાણી તન-મન-ધન સદ્ગુરૂને આપો જી,
ત્યારે અકર્તાને ઘેર આવો હાં...
જી રે રાણી હાણ-લાભ એવું નજરે ન આવે જી,
ત્યારે સુખ સવાયું લાવો હાં...

જી રે રાણી સંકલ્પ એટલી છે આંટી જી,
એનું નામ જીવબુદ્ધિ કહાવે હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો ગુરુ વિના ચોરાશીમાં જાવે હાં....


0 comments


Leave comment