61 - બગાસું / પન્ના નાયક


આ બગાસું
જાણે કે મારું એકમાત્ર સાથી
કોઈ દિવસ એને સાદ કરી બોલાવવું પડે છે ખરું ?
અને આ શહેરમાં
કોઈને પણ બોલાવીએ તોપણ
કોઈ કોઈના અવાજ સાંભળે છે ખરું ?
ને વગર બોલાવે આવે પણ કોણ ?
પણ એને બોલાવવું પડતું નથી.
એ તો આવે છે
બોલાવો કે ન બોલાવો તોપણ
બારીની ધૂળની જેમ.

સવારના પહોરથી
એ જાણે કે
મારા અસ્તિત્વની આસપાસ
જોતરાઈ જાય છે
ઘાનીના બળદની જેમ.
ને પછી તો
ટિકિટની ક્યૂમાં
ટ્રેન બસની મુસાફરીમાં
પૈડાંની સાથે સાથે
એ ઘૂમરાતું હોય છે –
મારું એકમાત્ર સંગાથી.
લંચ અવરમાં
હું કૉફી અને સેન્ડવીચની સાથે હોઉં ત્યારે પણ
એ મને ગમે ત્યાંથી શોધી કાઢે છે.
સાંજને સમયે
થાકેલી પાકેલી ઘેર આવું છું ત્યારે
મારા પલંગ પર
જાણે પોતાનો હકદાવો હોય એમ
આળોટતું હોય છે.

શહેરની નિરાધાર આ વસ્તી વચ્ચે
કોઈ કોઈને સાંભળતું નથી
ત્યારે
બોલાવો કે ન બોલાવો
પણ
મારી જોડે
જાણે કે મારી કોઈ નિકટની વ્યક્તિ હોય એમ
જો કોઈ રહેતું હોય
તો
આ એકમાત્ર બગાસું.

તમે સ્હેજ
તપાસ તો કરી જોજો
તમારી સાથે પણ
તમારા સાથી તરીકે
એના સિવાય કોણ છે ?


0 comments


Leave comment