1.8.4 - જીવ-શિવની ઓળખ / સતી લોયણ


જી રે રાણી જ્યાં લગી જીવની જાત નથી જાણી જી,
ત્યાં લગી અભિમાન ઉરમાં આવે હાં...
જી રે રાણી પૂરા ગુરુ મળ્યા વિના ખબર પડે ના જી,
જનમ-મરણના રોગ જાવે હાં...

જી રે રાણી વિષયના સુખનો થાશે અભાવો જી,
ત્યારે સત્ગુરુ વચનના રંગ લાવે હાં...
જી રે રાણી સત્સંગનું મૂળ પ્રથમ એ સાચું જી,
ગુરુવચને વિશ્વાસ લગાવે હાં...

જી રે રાણી વૃત્તિ ઉરમાં શુદ્ધ નથી કીધી જી,
ત્યાં લગી જીવ-શિવની ખોજ ન થાવે હાં...
જી રે રાણી ઘણાં જન્મનું મનડું ભટકે છે જી,
ખરા સત્સંગ વિના ઘેર ના’વે હાં...

જી રે રાણી ભેદ-ભ્રાંતિ જેના ઉરમાં વસે છે જી,
એને સત્ગુરુ શું સમજાવે હાં ?...
જી રે રાણી જાતિ-ભાતિનો જેને ગર્વ રહ્યો છે જી,
એ ગુરુના ઘરમાં કેમ આવે હાં ?...

જી રે રાણી બંધન-મોક્ષ એવું ગુરુજી બતાવે જી,
ભોગ-ત્યાગ લક્ષણા કરી આપે હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે ભવનું સંકટ કાપે હાં...


0 comments


Leave comment