62 - પહેરી લે ચહેરો / પન્ના નાયક
તારા
ભીતરના ભાવથી
ચહેરાની રેખાઓ
કરચોલાઈ ન જાય
એમ
પહેરી લે ચહેરો
કે
કથકલીના નૃત્યકારની અદાથી
કરી લે કલાત્મક make-up.
ઝાંખા થતા દીવાઓને
રાત્રિની આતશબાજી
ઢબૂરી દે એમ
દરેક ખીલતા જતા ફૂલ સાથે
તાજા થતા જતા તારા જખમોને
ત્વચાની અંદર જ સમાવી દે.
મર્મસ્થળે ઊઠતી વેદનાને
એવા તરંગોમાં વણી લે
કે એમાંથી ઊઠતું ઘેરું સંગીત
જાણે શાંત જલ પર
સરી રહેલી
કોઈ નૌકામાંથી આવતું હોય.
0 comments
Leave comment