1.8.5 - કેવળપદ દૃષ્ટિ / સતી લોયણ


જી રે રાણી શુદ્ધ સ્વરૂપમાં જેનું લક્ષ લાગ્યું જી,
તેને કેવળપદ દૃષ્ટિએ આવે રે હાં...
જી રે રાણી તત્પદ ત્વંપદ મેલી કરીને જી,
એ તો અસિપદમાં સુરતા સમાવે હાં...

જી રે રાણી ધ્યાતા-ધ્યાન-ધ્યેયની ત્રિપુટી જ્યાં ન મળે જી,
તેને અખંડ ધ્યાની કહાવે હાં...
જી રે રાણી જીવ-ઈશ્વરની જે ભ્રાંતિ ભાંગે જી,
તેને લોક-પરલોક નજરે ના'વે રે હાં...

જી રે રાણી અસલ યોગની જેણે જુગતીને જાણી જી,
એને સાક્ષાત્કાર બની આવે રે હાં...
જી રે રાણી પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી વાણી જી,
એ ચારેથી જુદી કહાવે રે હાં...

જી રે રાણી સ્થૂળ, સુક્ષ્મ, કારણ, મહાકારણ સમાવે જી,
એક આત્મા અભેદ નજરે આવે હાં...
જી રે રાણી અખંડ સુખમાં મનમસ્ત ફરે છે જી,
ત્યાં દ્વૈતપણું અંતર નવ આવે રે હાં...

જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો આપમાં આપ સમાવે રે હાં...


0 comments


Leave comment