1.8.6 - જીવનમુક્ત યોગી / સતી લોયણ


જી રે રાણી મૂળ વાસના જેની બ્રહ્મમાં ભળી હો જી,
એનું નામ જીવનમુક્ત યોગી રે હાં...
જી રે રાણી સંકલ્પ-વિકલ્પ જેના સમાઈ ગયા છે જી,
એ તો પોતે છે બ્રહ્મરસ-ભોગી રે હાં...

જી રે રાણી કેવળ અભ્યાસી પરિપૂર્ણ પોતે જી,
આઠ પહોર સમાધિમાં રહેવે હાં...
જી રે રાણી ચિત્ત-સંવેદન જેનું સમાઈ ગયું છે જી,
એ તો અક્ષરાતીત કહાવે હાં...

જી રે રાણી વાદવિવાદ જેનો મટી રે ગયો છે જી,
એ તો પૂર્ણ બ્રહ્મ છે પોતે હાં...
જી રે રાણી અનહદ ઘરમાં જેની સુરતા રમે છે જી,
એની કળ નવ જડે જાતે હાં...

જી રે રાણી તેત્રીસ કરોડ દેવ જેનાં ચરણમાં લોટે જી,
અષ્ટ સિદ્ધિ છે એની દાસી હાં...
જી રે રાણી ઘરથી અજાણ હતો તે ઘર આવ્યો જી,
ત્યારે ભવનો ફેરો ફાવ્યો હાં...

શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે આપમાં આપ સમાયો રે હાં...


0 comments


Leave comment