1.8.7 - અવિનાશી પદ / સતી લોયણ


જી રે રાણી સંકલ્પ-વિકલ્પ એનું નામ જગત છે જી,
એ સ્વરૂપને સૃષ્ટિ કહાવે હાં...
જી રે રાણી સૃષ્ટિનું મૂળ કારણ એ છે જી,
એમાં વિરલા લીન ન થાવે હાં...

જી રે રાણી અનંત એવી સૃષ્ટિમાં જીવ લોભાણા જી,
કોઈ વિરલા એમાં ન આવે હાં...
જી રે રાણી સત્યપણું કહેવાનું ન મળે જી,
એનો બોધ અધિકારીને ભાવે હાં...

જી રે રાણી કર્મ અકર્મ એ બે જાણો જી,
એ થકી જ શરીર બંધાયે હાં...
જી રે રાણી બ્રહ્માગિનમાં કર્મને જો બાળે જી ,
તો જન્મમરણ નવ આવે હાં...

જી રે રાણી સાંખ્યમતને કોઈ પૂરા યોગી જાણે જી,
માન મેલીને શીશ નમાવે હાં...
જી રે રાણી ચક્રભેદની ગતિ ત્યારે બતાવે જી,
યથાર્થ જ્ઞાન બતાવે હાં...

જી રે રાણી લક્ષ્યાર્થમાં જેની સુરતા બંધાણી જી,
એ તો પૂરા યોગી કહાવે હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એને અવિનાશી પદ ઉર આવે હાં...


0 comments


Leave comment