1.8.8 - કૈવલ્યરસના ભોગી / સતી લોયણ


જી રે રાણી પંચ મહાભૂતમાં પોતે રમે છે જી,
એ કૈવલ્યરસના ભોગી હાં...
જી રે રાણી ચૌદ લોક જેને સ્વપ્નનાં સરીખાં જી,
એ તો વિષયરસના નહીં ભોગી હાં...

જી રે રાણી અવ્યાકૃત માયા-અવિદ્યાથી ન્યારા જી,
જેને તુર્યાતીતમાં લાગી તાળી હાં...
જી રે રાણી અકર્તા આપે પોતે કહાવે જી,
એની ભ્રમણા કાંઈ બધી ભાંગી હાં...

જી રે રાણી સંસાર-વૈભવમાં એ નવ અટકે જી,
એને કહીએ ખરા બ્રહ્મજ્ઞાની હાં...
જી રે રાણી નિર્વાણપદમાં પોતે રમે છે જી,
એ તો અનાદિ પુરુષ પુરાણી હાં...

જી રે રાણી પ્રકૃતિ-પુરુપથી જુદો છે પોતે જી,
જેનું વિષયવાસનાથી ચિત્ત ટળ્યું હાં...
જી રે રાણી ખટ ઊર્મિને જાણીકરીને જી,
જેનું મન પરિબ્રહ્મમાં ગળિયું હાં...

જી રે રાણી સત્, ચિત્, આનંદ - રૂપ અવિનાશી જી,
એ અગમ અકર્તા અભોગી હાં...
જી રે રાણી દ્વૈત પ્રપંચથી પાર છે પોતે જી,
નિરાલંબ નિર્ગુંણ યોગી હાં...

જી રે રાણી એ પદનું સુખ જ્યારે ઓળખાશે જી,
ત્યારે અલૌકિક સુરતા બંધાશે હાં...
શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે જીવબુદ્ધિ સઘળી જાશે હાં...


0 comments


Leave comment