1.8.10 - ખેલો બાવન બા’રા / સતી લોયણ


જી રે રાણી પુત્ર, વિત્ત, લોક માયાની એષણા જી,
એથી નિર્ગુણ રમે છે ન્યારા હાં....
જી રે રાણી અટકળની જેને છૂટી છે આંટી જી,
એ તો ખેલે છે બાવન બા’રા હાં....

જી રે રાણી સાક્ષાત્કારનું થયું ભાન જેને જી,
એ તો દેહદશા ગયા ભૂલી હાં...
જી રે રાણી અખંડ સુખમાં અક્ષય પોતે જી,
જ્યાં મૂળ વાસના ગઈ ડૂબી હાં...

જી રે રાણી જેવું સાધન સાધે છે મોટા જી,
એનાં પ્રપંચ બધાં થયાં ખોટાં હાં....
જી રે રાણી હાણ ને લાભ એ માયાના ઉરમાં જી,
ત્યાં હું ને મારું નહિ જોતાં હાં...

જી રે રાણી ખેલ ખાંડાની ધાર સમજવી જી,
ખેલ લાવે એ તો અનાદિ હાં....
જી રે રાણી વિષયસુખની વ્યાધિ મટી ગઈ જી.
એ તો કેવળસુખના સ્વાદી હાં...

જી રે રાણી યથાર્થ સુખને જાણ્યું છે જેણે જી,
એ તો અલમસ્તાના ફરે છે હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો આઠે પહોર ધ્યાન ધરે છે હાં...


0 comments


Leave comment