1.8.11 - ઘટોઘટ આપે રમે / સતી લોયણ


જી રે રાણી ભ્રાંતિમાં થયેલ જગત બધું ભાસે જી,
નહિ તો ઘટોઘટ આપે રમે હાં...
જી રે રાણી માયાના પ્રપંચની ગ્રંથિ નથી છૂટી જી,
ત્યાં લગી દેહને દમે છે હાં...

જી રે રાણી ચેષ્ટાથી પર અચેષ્ટા કહાવે જી,
એ તો નિર્ગુંણ બ્રહ્મ કહાવે હાં...
જી રે રાણી જગત રાત્રી એવી છે ત્યાં તો જી,
એ પદ અનુભવે નજરે ના'વે હાં...

જી રે રાણી જહદ-અજહદ-લક્ષણા ત્યાં ન પહોંચે જી,
કાળ નહિ જ્યાં નહિ કાયા હાં...
જી રે રાણી રાગ-ત્યાગ એવી વસ્તુ જ્યાં ન મળે જી,
નહિ ધૂપ નહિ છાયા હાં...

જી રે રાણી વેદનો નાદ મટ્યો છે જેને જી,
એ તો યોગ અભ્યાસ કહાવે હાં...
જી રે રાણી શમ, દમાદિ પટ સંપત્તિ નહિ જેને જી,
એને અદૃષ્ટિમાં આવે હાં...

જી રે રાણી એવું સુખ હું તમને બતાવું જી,
હવે મેદાનમાં તમે આવો હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ભવનો ફેરો તમે કાપો હાં...


0 comments


Leave comment