1.8.12 - ઉન્મુનિ દશા / સતી લોયણ


જી રે લોયણ સ્વપ્ન માત્ર હવે સંસાર ભાસે જી,
હવે વૈભવ નજરમાં ના’વે હાં...
જી રે લોયણ રાજના સુખનો હવે સ્વાદ ટળ્યો છે જી,
મને કેવળ બ્રહ્મરસ ભાવે હાં...

જી રે લોયણ એવાં સત્ય વચન રાણીનાં સાંભળિયાં જી,
ત્યારે એને સન્મુખ લીધાં હાં...
જી રે લોયણ હુકમથી જેણે પવન ઉલટાવ્યા છે,
ત્યારે સમાધિ પલકમાં કીધી હાં...

જી રે રાણી પ્રેમ પ્રકાશીને કુંડલી જગાડી જી,
ત્યારે સુરતા શૂન્યમાં શમી હાં...
જી રે રાણી અનભે વસ્તુને યથારથ જાણી જી,
ત્યારે વિષયવાસના વામી હાં...

જી રે રાણી ઇંગલા - પિંગલા - સુખમણા સાધી જી,
તુરીયાતીતમાં લાગી તાળી હાં...
જી રે રાણી પ્રકૃતિ પુરુષથી પાર થઈ સુરતા જી,
તેણે સાતમી ભૂમિકા ભાળી હાં...

જી રે રાણી સમાધિથી ઊતરી પાય લોયણને લાગી જી,
જેણે અખંડ લીલા દેખાડી હાં...
જી રે લોયણ ભવસાગરમાંથી બાંય પકડીને જી,
મારી હરિ સાથે લગની લગાડી હાં...

જી રે લોયણ જે સુખ તમે આગળ કહેતાં જી,
તેમાં જરીયે નથી કાંઈ ખામી હાં...
જી રે લોયણ અખંડ પરમાત્મા મેં શૂન્યમાં ભાળ્યા જી,
એ તો ઘટોઘટ અંતરજામી હાં...

જી રે રાણી ભાળ્યું હોય તો તમે ચૂપ થઈ રહેજો જી,
આઠે પહોર ચિત્ત એમાં દેજો હાં...
જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે કાયમ ઉન્મુનિમાં રહેજો હાં...


0 comments


Leave comment