68 - કાચની બારી / પન્ના નાયક


પારદર્શક કાચની
આ બાજુ
કશીક ગુફ્તેગો કરતાં
ફૂલદાનીનાં ફૂલોની
માદક સૌરભે
જાણે કે ખેંચાઈ
બારી પાસે આવ્યું પતંગિયું
કાચ પર ચડ્યું
પડ્યું
પાછું ચડ્યું
પાછું પડ્યું
પ્રાણના વેગે ધસતાં માથું પટકાયું
ઘરીભર થાકથી શાંત
પણ પછી
એ જ યત્ન ફરી ફરી.
તોયે ફૂલોનું અંતર નથી ઘટતું.
જોયા કરું છું હું બારી ખોલ્યા વગર.
વિચારું છું
એ સ્હેજ ઊંચે ચડે તો ?
ઉપરનું વેન્ટિલેશન તો ખુલ્લું જ છે ને....


0 comments


Leave comment