1.8.13 - શરણાગતિ / સતી લોયણ


જી રે લોયણ ! તમારા ચરણનો હું દાસ બન્યો છું જી,
મારી અવિદ્યા દૂર કરી છે હાં...
જી રે માતા ! ભ્રમ ને ભેદ મારા સર્વે ગળી ગયા જી,
મને મુક્તિ મધુરી મળી છે હાં...

જી રે માતા ! મારા અપરાધ બધા ક્ષમા કરશો જી,
તમે મારા આત્માનંદની દાતા હાં...
જી રે માતા ! મનના મનોરથ ફળિયા છે મારા જી,
થયાં સુખ અને વળી શાતા હાં...

જી રે માતા ! પ્રાણ અને મન બેને સાધ્યેથી જી,
મને આત્મદર્શન હવે થાયે હાં...
જી રે માતા ! બેમાંથી મનને જિતાવી દીધું છે જી,
પ્રાણ જીતવા પ્રાણાયામ થાયે હાં.....

જી રે માતા ! હાથ મારા મસ્તક પર સ્થાપો જી,
મને પૂરણ કૃતારથ કીધો હાં...
જી રે માતા ! બોધ કરીને ચોરાશીથી તાર્યો જી,
મેં બોધ ચોરાશીથી લીધો હાં...

જી રે માતા ! શું બોલું અને શું આપું તમોને જી,
માયાથી થયો છું અળગો હાં...
જી રે લાખા ! ધન્ય તને ને રાણીને પણ ધન્ય છે જી
તમે આત્મસ્વરૂપને વળગો હાં...

જી રે લાખા ! સમજીને મનમાં ચૂપ થઈ રહેજો જી,
અધૂરાંને કદી નવ કહેજો હાં...
જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આત્માનંદમાં સદાયે રહેજો હાં...


0 comments


Leave comment