72 - ક્રિસેન્થમમ / પન્ના નાયક
ટેબલ પરના
સુંદર ચિત્રકામવાળા
કાચના ફ્લાવરવાઝમાં
કહોવાયેલાં, ડહોળાયેલાં નીરને
પમરાટમાં ફેરવતાં
ખીચોખીચ ગોઠવાયેલાં
તોય મહોરી ઊઠતાં
અઠવાડિયા-જૂનાં
ક્રિસેન્થમમ.
અચાનક
હાથની ઝાપટ વાગી
(એ પણ એક પવનનો જ પ્રકાર !)
ને નાનકડું વિશ્વ તૂટ્યું
પાણી ઢોળાયું
ફૂલો વીખરાયાં
પાંખડીઓ ખરી પડી
જાણે કોઈ બદ્ધતા
ગડથોલિયું ખાઈ
અસ્તવ્યસ્ત થઈ ગઈ.
પાંખડીઓ ખરી પડી
મહેક, ક્ષણ એક થડકો ખાઈ
થંભી ગઈ, હેબતાઈ ગઈ
પણ પુષ્પમાં પાછી ક્યારેય સુવાસ તો પ્રવેશતી જાણી નથી.
0 comments
Leave comment