74 - બે બિલાડીઓ / પન્ના નાયક
મધરાતનો
અંધકાર ચૂસી ચૂસી
પેટ ફૂલાવતી જતી
ભીંત પરની ગરોળીનો શ્વાસોચ્છવાસ
સ્વિચ ઓફ હતી
છતાંય
મળવા દેતો નહોતો મારી આંખને
તેમાં ઉમેરો કરતા –
થોડી થોડી વારે
આવીને ઊડી જતા
રેડિયેટરના પ્રાણ,
બારીના પાતળા પડદાને
ચીરી નાખી
અંદર ધસી આવતી
બહારની ગાડીઓની ચીસ,
બાથરૂમના વોશબેસિનના
ગળતા નળનું
ટપકતું પાણી,
અને
basement માં
જૂના ધાબળા માટે
આથડતી મારી બે બિલાડીઓ –
નજીક આવતા લાગતા
આ અવાજો જોવા
સ્વિચ ઓન કરી
જોયું તો
ગરોળી જીવડું હડપ કરતી’તી
નળનું પાણી હજીય ટપક્યે જતું’તું
રેડિયેટર ક્ષણભર માટે ઝોકું ખાતું’તું
બારીમાં તડ થઈને ચીસ થંભી ગઈ’તી
ને
ખાટલા પાસે
બિલાડીઓ
(જીવનમૃત્યુના)
બે મોટા પ્રશ્નાર્થચિહ્ન જેવી ઊભી’તી.
0 comments
Leave comment