75 - મૃત્યુને / પન્ના નાયક
મારાથી બનતું મેં બધું કર્યું છતાં તેં દાદ ન આપી
બિલ્લીને લલચાવવાના અનેક પ્રયાસોમાં
તાસક ભરીને દૂધેય મૂક્યું.
તું ન જ આવ્યો.
કહે છે તને ઉમદા વ્યક્તિઓમાં રસ હોય છે
મેં એય પ્રયાસ કરી જોયો.
હું ન ફાવી
કંટાળી
હાર કબૂલી.
દિવસો વીતતા જાય છે
તારી રાહમાં થાકેલું તેજ
મારી આંખ પર પાટો થઈને પડે છે.
તને કેમ મારું કોઈ આકર્ષણ નથી ?
તારે મન હું રૂપહીન તો નથી ને ?
તું કેમ નથી આવતો ?
હું કોઈ બીજી વ્યક્તિ બનું તો ?
તો કદાચ ...?
સાંભળ, સાંભળ,
અહીં કોઈ બીજું જ છે
હું નથી
કોઈ બીજું જ આ લખે છે.
હવે તો.....
0 comments
Leave comment