83 - પાષાણ જ જીવે છે / પન્ના નાયક


પથ્થર જીવે છે
પોતાના જ પથ્થરપણાથી ભર્યો ભર્યો.
એ પોતે જ શૂન્ય છે
તો પછી એમાં શૂન્યતા ક્યાં શોધવી ?
વસ્તુ અને વિશેષણનો
કોઈ કરતાં કોઈ ભેદ નથી.

એ અજાણ્યો છે સ્પર્શની ભાષાથી
હવાના હિલોળા
ઘાસની લીલી લીલી શય્યા
આકાશમાંથી વરસતું સોનું
આષાઢના ભીના ભીના હાથ
એને ક્યાં છે કોઈની ખબર ?
એને ક્યાં છે કશાયની જરૂર ?

ફૂલ મ્હોરી ઊઠે
કે
ફાટ ફાટ થતી પાંદડીઓમાંથી
ફોરમ છલકી ઊઠે
તોપણ
એ ક્યાં આકુળવ્યાકુળ થાય છે ?
બગીચાની બહાર હોય
કે બગીચાની અંદર હોય
એને પાનખર અને વસંતનો ભેદ
કેમે કર્યો સમજાતો નથી.

પથ્થર જીવે છે
વેદના વિનાના આયુષ્યમાન આદમની જેમ
ઈવના ગર્ભાશયના ખાલીપણાની
કોઈ પણ ચિંતા સેવ્યા વિના......


0 comments


Leave comment