85 - શૂન્ય.... શૂન્ય.... / પન્ના નાયક


જેટલી વાર આંખ ખોલું
એટલી વાર રચાતી હતી એક એક અવરોધની દીવાલ
નહોતું મળતું બારણું કે નહોતી મળતી બારી
પૃથ્વીમાં પેસાતું જ નહોતું – જાણે કે જન્માંધ –
ત્યાં
કોઈની કવિતા લખતી આંગળીઓનાં ટેરવાં થયો સ્પર્શ
પોપચાંને
અને ઊઘડી ગયું
આંખને અમેરિકા-મહેલોનું નગર ન્યૂયોર્ક મારા આંગણામાં
જ્યાં એક બારી ઊઘડતી નહોતી ત્યાં
સિત્તેર સિત્તેર મજલાના મહાલયો
પ્રત્યેક પળને ગતિવંત કરતાં ટાઈમ્સ-સ્કેવર્સ
માણસોથી માતું નહીં એવું મેનહેટન
ચારેકોર ચક્રાકાર ગતિ
સમસ્ત ધસી રહ્યું સમસ્તની પ્રતિ
ઝગમગ ઝગમગ દીવાઓનો દેશ થઈ ગઈ હું
મારી રાત્રિએ ધર્યું રૂપ – એના આવેગવંત આલિંગને
હું જ પ્રાણભર તામ્રકાય સ્વાતંત્ર્યમૂર્તિ – સૂર્યમાં સોહી રહી
મારી છાંય કાજે અબ્ધિય ઝૂલી રહે....
પણ
એક દિવસ એનું થયું મૃત્યુ
એને કાજ નહોતી કબર તો ય
તેમાં એને સુવડાવ્યો એના કુટુંબીજનોએ – શી ખબર શાથી !
ડુંગરને ડોલાવનાર કવિ ! કબરમાંથી આવ આવ બહાર !
આજે તારું વરદાન – ખીચોખીચ ન્યૂયોર્ક – મારે કાજે શાપ
તેમાં એકે ય ન મનુષ્ય, એકે નહીં આકૃતિ – એકે ન ઓળો
મહાલય એના એ જ પરંતુ રિક્ત
સમસ્તની હિજરત
એક હું જ હિજરાયા કરું – લક્ષલક્ષ બારીઓના ફફડાટ જોઈ.
ચક્રાકાર ગતિ વર્તુળાઈ શૂન્ય શૂન્ય....

જેટલી વાર આંખ ખોલું
એટલી વાર.....


0 comments


Leave comment