1 - ભૂમિકા / આરામશોભારાસ (જિનહર્ષકૃત) / સંપાદક : જયંત કોઠારી, કીર્તિદા શાહ


  • કવિ જિનહર્ષ
      પ્રસ્તુત ‘આરામશોભારાસ’ના કર્તા જિનહર્ષ ખરતરગચ્છના સુપ્રસિદ્ધ જૈન સાધુ હતા. જિનકુશલસૂરિની પરંપરામાં સોમજીશિષ્ય વાચક શાંતિહર્ષના તેઓ શિષ્ય હતા. તેમની કેટલીક કૃતિઓમાં ‘જસરાજ’ કે ‘જસા’ એવી નામ-છાપ મળે છે તેથી એ એમનું પૂર્વાવસ્થાનું નામ હોય એવું અનુમાન થયું છે. એમનાં જન્મ-મૃત્યુનાં વર્ષ ચોક્કસપણે મળતાં નથી, પણ ઈ.૧૬૪૮થી ઈ. ૧૭૦૭ સુધીનાં રચનાવર્ષો દેખાડતી એમની કૃતિઓ મળે છે, એટલે એમનો જીવનકાળ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ અને ઈ. ૧૮મી સદી આરંભનાં વર્ષોનો તો નિશ્ચિતપણે લેખી શકાય. તેઓ. ઈ. ૧૭૨૩ સુધી હયાત હોવાની અને ઈ. ૧૭૦૭થી ૧૭૨૩ સુધીમાં વ્યાધિમાં સપડાઈ તપાગચ્છીય મુનિરાજ વૃદ્ધિવિજયની પરિચર્યાપામ્યાની હકીકત પણ નોંધાયેલી છે. તેમનું દીક્ષાવર્ષ પણ નિશ્ચિતપણે મળતું નથી, પરંતુ ઈ. ૧૬૩૯-૧૬૪૩ના ગાળામાં એમણે જિનરાજસૂરિ પાસે દીક્ષા લીધી હોવાનું જણાય છે. તેમનું જન્મસ્થળ મળતું નથી, પણ તેઓ રાજસ્થાનના હશે એવું અનુમાન થઈ શકે તેમ છે. ઈ. ૧૬૭૯ સુધી તેઓ રાજસ્થાનમાં અને પછીથી આયુષ્યના અંત સુધી પાટણમાં રહ્યા હોવાનું જણાય છે. પ્રસ્તુત ‘આરામશોભારાસ' પણ પાટણમાં રચાયેલી કૃતિ છે.

   જિનહર્ષ જૈન સંપ્રદાયના પ્રતિભાશાળી, ઉદારદૃષ્ટિ વિદ્વાન સાધુ હતા. તપાગચ્છના જૈન સાધુ સત્યવિજયના નિર્વાણને અનુલક્ષીને તેમણેરાસ રચ્યો છે તે એમની ઉદારદૃષ્ટિ સૂચવે છે. શતાધિક કૃતિઓમાં વિસ્તરતા એમના વિપુલ સર્જનમાં ગુજરાતી ઉપરાંત રાજસ્થાની-હિંદી કૃતિઓનો તેમજ સંખ્યાબંધ રાસા ઉપરાંત વીશી, છત્રીસી, સઝાય, સ્તવન આદિ અનેક કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. કથાસાહિત્યમાં એમનું પ્રદાન જૈનેતર સાહિત્યમાં શામળના પ્રદાનનું સ્મરણ કરાવે એવું છે. પરંપરાપ્રાપ્ત સર્વ કથાવિષયોને એમણે આવરી લીધા છે અને કથાકથન, વર્ણન, સંવાદ, અલંકારનિયોજન વગેરેની નોંધપાત્ર શક્તિ એમણે બતાવી છે. રૂઢિપ્રયોગમૂલક વાક્ કૌશલ, લયઢાલનું વૈવિધ્ય અને સંગીતની અભિજ્ઞતા એમની વધારે ધ્યાન ખેંચતી લાક્ષણિકતાઓ છે. આ રીતે ધર્મબોધથી પ્રેરાયેલી જિનહર્ષની કૃતિઓ સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવે છે.

  • પૂર્વપરંપરા અને પ્રસ્તુત કૃતિ
  • પ્રાકૃત-સંસ્કૃત કથાનકો
      આરામશોભાની કથા સૌપ્રથમ પ્રદ્યુમ્નસૂરિવિરચિત ‘મૂલશુદ્ધિપ્રકરણ’ની દેવેન્દ્રસૂરિકૃત વૃત્તિ (ઈ. ૧૦૮૯-૯૦)માં મળે છે. ('મૂલશુદ્ધિપ્રકરણ’સંપા. અમૃતલાલ ભોજક, પ્રકા. પ્રાકૃત ગ્રંથ પરિષદ,અમદાવાદ, ઈ. ૧૯૭૨, પૃ. ૨૨-૩૪) મૂળ પ્રાકૃત ગ્રંથની વૃત્તિ સંસ્કૃતમાં છે, પણ એમાં મુકાયેલી દૃષ્ટાંતકથાઓ પ્રાકૃતમાં છે. પદ્ય અને ગદ્ય એમ ઉભય બંધમાં ચાલતી સમ્યક્ત્વના ભૂષણ સમી જિનભક્તિનો મહિમા પ્રગટ કરવા યોજાયેલી આ કથા પ્રસંગોપાત્ત શ્લેષાદિ અલંકારોથી સાધેલા વર્ણનરસ અને ક્વચિત્ ભાવ-વિચારની કરેલી મનોરમ અભિવ્યક્તિથી લક્ષ ખેંચે છે. આરામશોભા પોતાના પુત્રને રમાડવા ચોથી વાર આવે છે ત્યારે રાજાને હાથે એ ઝડપાય છે, એવું આમાં વર્ણન મળે છે એ નોંધપાત્ર છે. આ પછી હરિભદ્રની ‘સમ્યક્ત્વસપ્તતિ’ પરની સંઘતિલકની પ્રાકૃત વૃત્તિ (ઈ. ૧૩૬૫)માં પણ આરામશોભાની કથા જોવા મળે છે, જે ઉપર્યુક્ત કથાના અનુસરણરૂપ છે. (જુઓ ૧.માં નિર્દિષ્ટ ગ્રંથમાં ડૉ. ભાયાણી પ્રસ્તાવના, પૃ. ૮-૯)

   સંસ્કૃતમાં પણ આ કથા જિનહર્ષસૂરિ (ઈ. ૧૪૮૧), મલયસુંદરગણિ વગેરે દ્વારા રચાયેલી મળે છે. (
જુઓ ‘જિનરત્નકોશ’ વૉ. ૧, સંપા. હરિ દામોદર વેલન્કર, ઈ. ૧૯૪૪, પૃ.૩૩-૪૪)
  • ગુજરાતી કૃતિઓ
     ગુજરાતીમાં આ વિષયની સર્વપ્રથમ કૃતિ રાજકીર્તિવિરચિત ‘આરામશોભારાસ' (ઈ. ૧૪૭૯) છે. (શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરાની હસ્તપ્રતક્રમાંક ૧૭૭૮માંથી આની વાચના મેળવેલી છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા (‘ઇતિહાસની કેડી', ઈ. ૧૯૪૫, પૃ.૧૮૧-૮૩) સં. ૧૫૩૫ (ઈ. ૧૪૭૯)ની કીરતિ નામના જૈનકવિની ‘આરામશોભા ચોપાઈ’નો ઉલ્લેખ કરે છે તે આ રાજકીર્તિની રચના જ હોવાનું સમજાય છે. ‘જૈન મરુ-ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ ભાગ ૧ (સંપા. અગરચંદ નાહટા, સં. ૨૦૩૧, પૃ. ૧૨૭-૨૮ પર ડૉ. સાંડેસરા પાસેથી મળેલી. ઉપર્યુક્ત કૃતિના આરંભ-અંત આપેલા છે તે રાજકીર્તિની કૃતિના જ છે. માત્ર કવિના નામનિર્દેશવાળી પંક્તિ ‘કર જોડી રાજકીરતિ ભણિ'ને બદલે‘કર જોડી કીરતિ પ્રણમઇ’ એમ મળે છે.) કથાભાગ ઝડપથી કહી જતા અને આરામશોભાના પૂર્વભવના વૃત્તાંતને તો લગભગ નિર્દેશથી પતાવી દેતા ૧૭૮ કડીના આ રાસમાં આરામશોભાને મળેલા આરામનાં વૃક્ષોની અને રાણીને પરણીને આવ્યા પછી રાજાએ ગામને જમાડેલી ભોજનસામગ્રીની સવિસ્તર યાદીઓ આવે છે અને નાગદેવની પ્રશસ્તિનું ગીત પણ ગૂંથાય છે. આ કૃતિમાં આરામશોભાનું મૂળ નામ ગોમતી મળે છે (‘વિદ્યુત્પ્રભા’ જાણે વિશેષણ રૂપે એક વખત એની સાથે વપરાય છે)અને ચોથી વાર પુત્રને જોવા જતાં રાજા એને પકડે છે એવું નિરૂપણ મળે છે.

      આ પછી વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’(ઈ. ૧૫૨૭) આવે છે.(
‘સ્વાધ્યાય' પુસ્તક ૧૫, અંક રથી ૪માં મુદ્રિત, સંપા. નવીનચંદ્ર એન.શાહ એમાં ‘વરસ ત્ર્યાસિયે' (સં. ૧૫૮૩/ઈ. ૧૫૨૭)ને બદલે ‘વરસ આ સિયે’ એવો પાઠ લેવાયેલો હોઈ રચનાવર્ષ પકડાયું નથી.) ર૪૮ કડીની આ કૃતિમાં કથા માંડીને કહેવાય છે ને આરામશોભાનું સૌન્દર્યવર્ણન, લગ્નોત્સવનું વર્ણન જેવા થોડાક રસપ્રદ અંશો પણ આવે છે. પૂર્વભવવૃત્તાંત, અલબત્ત, પ્રમાણમાં ઝડપથી ચાલેછે.

     ત્રીજી ગુજરાતી કૃતિ પૂંજા ઋષિકૃત “આરામશોભાચરિત્ર' (ઈ. ૧૫૯૬) ( (પં. લાલચંદ ગાંધીની પ્રસ્તાવના સાથે) પ્રકા. શ્રી જૈન હઠીસિંહ સરસ્વતીસભા, અમદાવાદ, ઈ. ૧૯૨૮) ૩૩૪ કડી સુધી વિસ્તરતી આ કૃતિમાં આરામશોભાનો પૂર્વભવ જરા નિરાંતથી આલેખાય છે, કૃત્રિમ આરામશોભાને જોઇને રાજાને લાગતો આઘાત ને પતિ છોડીને જતાં કુલધરપુત્રીને થયેલું દુઃખ જરા ઘૂંટીને વર્ણવાય છે અને કેટલાંક સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો પણ ગૂંથાયછે.

     સમયપ્રમોદની ‘આરામશોભાચોપાઈ' પણ આ ગાળાની રચના હોવાનો સંભવ છે. (
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની હસ્તપ્રત ક્રમાંક ૭પપ૩ અને૪૨પરમાંથી આની વાચના મળેલી છે. આ પ્રતોમાં અનુક્રમે ‘સંવત પુહવી બાણ રિતુ રસ વચ્છરઇ' તથા ‘સંવત પુહવી બાણ સસી રસ વચ્છરઇ' એમ પાઠ મળે છે. પહેલા પાઠમાંથી સં. ૧૫૬૬ જ મળે; બીજા પાઠમાંથી સં. ૧૫૧૬ ઉપરાંત ૧૬૧૫ કે ૧૬૫૧ની પણ થોડી શક્યતા રહે છે. અકબર (ઈ. ૧૫૫૬ એટલે સં. ૧૬૧૨માં ગાદીએ, ૧૩ વર્ષની ઉંમરે)નો ઉલ્લેખ, યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (યુગપ્રધાનપદ સં. ૧૬૪૯માં)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્યકાળ (સં. ૧૬૨૯થી ૧૬૬૭)માં રચના થઈ હોવાને કારણે ‘જૈન ગૂર્જર કવિઓ' (ભા. ૩, પૃ. ૮૯૭-૯૮) એને સં. ૧૬પ(?)ની કૃતિ ગણે છે.) ૨૭૦ કડીની આ કૃતિ વિવિધ ગેય ઢાળબંધો ને એમાં પ્રયોજાયેલા વિશિષ્ટ વિસ્તૃત પ્રાસબંધો તથા ધ્રુવાઓને કારણે નોંધપાત્ર બને છે. કેટલાક ઢાળબંધ છ-સાત ચરણ સુધી વિસ્તરે છે, એટલે ખરેખર કડીસંખ્યા દેખાય છે તેથી વધારે મોટી છે. એ નોંધવું જોઇએ કે આ પૂર્વેની સઘળી કૃતિઓ મુખ્યત્વે દુહા-ચોપાઈબંધમાં હતી. ઢાળને આરંભે રાગનો અચૂક નિર્દેશ કૃતિની સંગીતપ્રધાનતાનું સૂચન કરે છે.

     આ પછી રાજસિંહકૃત ૨૭ ઢાળની ‘આરામશોભાચોપાઈ’ (ઈ. ૧૬૩૧) (
જુઓ ‘જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧ પૃ. ૫૪૬-૪૭, ભાગ ૩, પૃ. ૧૦૩પ) તથા દયાસારકૃત ‘આરામશોભાચોપાઈ' (ઈ. ૧૬૪૮) (રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથસૂચિ ભા. ૧, ઈ. ૧૯૬૦, પૃ. ૯, પૃ. ૧૧૪-૧૫પર આપેલા આ કૃતિના વિવરણમાં પુષ્પિકામાં ‘આરામનંદન પદ્માવતી ચોપાઈ’ એવું કૃતિનામ મળે છે, તેથી આમાં આરામશોભાનું જ વૃત્તાંત હશે કે કેમ એની શંકા રહે છે) નોંધાયેલી મળે છે, પરંતુ આ બંને કૃતિઓ જોવાનું શક્ય બન્યું નથી.
  • જિનહર્ષની કૃતિ
     સં. ૧૭૬૧ (ઈ. ૧૭૦૫) જેઠ સુદ ત્રીજના રોજ પૂરો થયેલો ૪૨૯ કડીઓમાં વિસ્તરેલો જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાપ્ત થતો આ વિષયનો છેલ્લો રાસ છે અને જોવા મળેલા રાસોમાં સૌથી લાંબો પણ છે. કવિએ એને ૨૧ ઢાળની રચના કહી છે, પરંતુ સરતચૂકથી ‘૧૮મી’નો ક્રમાંક બે વખત અપાઈ ગયો હોવાથી, ખરેખર એ ૨૨ ઢાળની રચના છે.

     આખો રાસ દુહા અને દેશી ઢાળોમાં રચાયેલો છે. દરેક ઢાળની પૂર્વે દુહાઓ આવે છે, જે બેથી આઠ સુધીની સંખ્યામાં છે, પણ મોટા ભાગે પાંચ દુહાઓનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ઢાળમાં કડી સંખ્યા ૧૩થી ૧૬ સુધીની છે, જોકે મોટા ભાગની ઢાળોમાં ૧૫ કડીસંખ્યા જોવા મળે છે. પરંપરામાં દુહા-ચોપાઈબદ્ધ રચનાઓ પછી સમયપ્રમોદ પાસેથી પહેલી વાર ઢાળબદ્ધ રચના મળે છે અને તે પછી જિનહર્ષની આ દુહા અને દેશી ઢાળોની કૃતિ આવે છે. જિનહર્ષે દરેક ઢાળને આરંભે પોતે વાપરેલી ઢાળનો એની પહેલી પંક્તિથી કે એની પ્રચલિત ઓળખથી નિર્દેશ કર્યો છે. એમાં એક પણ ઢાળ બે વાર નિર્દેશાઇ નથી, એ પરથી આ કૃતિના ઢાળવૈવિધ્યનો ખ્યાલ આવે છે. શબ્દપુનરાવર્તનનો ઉપયોગ કરતી ૧૭મી ઢાળ ખાસ ધ્યાન ખેંચે છે. ઢાળોના રાગોનો નિર્દેશ કરવામાં આવ્યો નથી પણ નવમી ઢાળની છેલ્લી પંક્તિમાં બિલાવલ રાગનો ઉલ્લેખ થયોછે તે બતાવે છે કે કવિને કૃતિરચનામાં વિવિધ રાગો અભિપ્રેત છે.

     વસ્તુ ને નિરૂપણ પરત્વે જિનહર્ષનો ‘આરામશોભારાસ' પરંપરાના સીધા અનુસરણરૂપ છે – કદાચ પૂંજા ઋષિની કૃતિનું અનુસરણ વધારે હોય. છતાં જિનહર્ષની કૃતિની એક વિશેષતા દેખાય છે – લોકોક્તિઓ અને લોકોક્તિરૂપ બની ગયેલ દૃષ્ટાંતાદિકનો પ્રસંગોપાત્ત અસરકારક વિનિયોગ. નવી મા નઠોર નીકળ્યાથી વિદ્યુત્પ્રભાને થયેલી નિરાશાનું (પૃ. ૪) અને પતિએ છોડી દીધેલી કુલધરપુત્રીના કલ્પાંતનું (પૃ. ૪૩-૪૫) વર્ણન જુઓ એટલે આ હકીકતની ખાતરી થશે. પૂંજા ઋષિએ કુલધરપુત્રીનું કલ્પાંત વીગતે વર્ણવવાની તક લીધી હતી પણ એમણે પૂર્વજન્મમાં પોતે કયાં પાપો કર્યા હશે તેનું સંવેદન કેન્દ્રમાં રાખ્યું હતું. જિનહર્ષ પોતાની રીતે કુલધરપુત્રીની નિરાધારતાની અને જીવનનું સુખ ઝૂંટવાઈ ગયાની લાગણીને પ્રગટ કરે છે. ‘પહિલી પહિલી ચાંચ ચચૂકડઈ હો રાજિ, ઊગટીયઉ સેવાલ' જેવા નૂતન દૃષ્ટાંતનો વિનિયોગ જિનહર્ષની ક્ષમતાનો દ્યોતક બને છે. જિનહર્ષે અપરમાનું કૃતક કલ્પાંત (પૃ. ૨૪-૨૫) પણ ઠીક ખીલવ્યું છે.

     ‘બેકામ’જેવા ફારસી ભાષાના શબ્દો અને રાજસ્થાની ભાષાના કેટલાક શબ્દોનો વિનિયોગ જિનહર્ષના ભાષાપ્રયોગની સર્વગ્રાહિતાનો નિર્દેશ કરે છે.
     એકંદરે આ કૃતિ પરંપરામાં ચાલતી છતાં નોંધપાત્ર કૃતિ બની રહે છે.

  • પ્રતવર્ણન અને સંપાદનપદ્ધતિ
  • પ્રતવર્ણન
     પ્રસ્તુત સંપાદન હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની હસ્તપ્રત ક્રમાંક નિરયા ૧.૪રને આધારે કરવામાં આવ્યું છે. ૧૮ પાનાંની આ પ્રતમાં પહેલા પાનાની આગલી બાજુ અને છેલ્લા પાનાની પાછલી બાજુ કોરી છે. પાનાનું માપ ૧૦.૩x૨૩ સે મિ. છે. બંને બાજુ દોઢ સે.મિ.નો હાંસિયો અને ઉપરનીચે એક સે. મિ. કોરી જગ્યા છે. પાછળની બાજુએજમણા હાંસિયામાં નીચે પૃષ્ઠાંક દર્શાવ્યા છે. પાનાની દરેક બાજુએ ૧૩ લીટી છે અને દરેક લીટીમાં ૪૮-૫૦ અક્ષરો છે. છેલ્લા પાનાનાં પર ૧૦ લીટી છે.

     પ્રત કવિના હસ્તાક્ષરમાં છે અને એમણે કૃતિ પૂરી કર્યાના દિવસે જ, સં. ૧૭૬૧ જેઠ સુદ ૩ના રોજ પાટણ મુકામે ઉતારેલી છે. એટલે કે કૃતિરચનાની આ પહેલી આદર્શ પ્રત છે.
     પ્રતની સ્થિતિ ઘણી સારી છે. લેખન ચોખ્ખું, સુઘડ, એકધારું છે. ક્યાંક-ક્યાંક કાળજીથી સુધારા ને ઉમેરા કરેલા છે.

     પ્રત શિરોરેખા સાથે નાગરી લિપિમાં લખાયેલી છે. પડિમાત્રા ક્વચિત્ વપરાયેલી છે. ખ’ માટેषવપરાયો છે અને ‘બ’ને સ્થાને व લખાયેલો મળે છે. ‘જ’ અને ‘ઝ' બંને માટે બે-બે લિપિચિહ્નો અને ‘ઓ’ માટે उમાંથી નિપજાવેલું લિપિચિહ્ન એ પણ નોંધપાત્ર ખાસિયતો છે.
  • સંપાદનપદ્ધતિ
૧षનો ‘ખ’ કર્યો છે, પણ જ્યાં તત્સમ પ્રયોગ લાગ્યો છે ત્યાં ષ'રહેવા દીધો છે. ‘વ’ને માટે ‘બ’અભિપ્રેત છે ત્યાં કરી લીધો છે.

૨. તત્કાલીન લેખનપદ્ધતિનું યથાતથ ચિત્ર જાળવી રાખવા લેખનનાવૈકલ્પિક પ્રયોગો સામાન્ય રીતે એમ ને એમ રાખ્યા છે, જેમકે અઈ-ઐ, અઉ-ઔ, કરાઇ -કરાઈ, રાખેવા-ગહિવા, આપીયઉ-આપીઅઉ, નાન્હી-નાન્હી, પાઉં-ધરૂં, જિતસત્રુ-જિતશત્રુ વગેરે. ત્રીજી અને સાતમી વિભક્તિમાં ઇ-ઇં બંને મળે છે તે રહેવા દીધા છે. પણ વર્તમાનકાળ પહેલો પુરુષ એકવચનમાં ક્વચિત્ અનુસ્વાર નથી તે મૂક્યો છે. અર્થનો સંભ્રમ ન થાય તે માટે આજ્ઞાર્થમાં એકધારો હ્સ્વ‘ઇ' (કરિ) અને સંબંધક ભૂતકૃદંત તથા ભૂતકાળમાં એકધારો દીર્ઘ ‘ઈ’ (કરી) મૂક્યો છે. અલબત્ત, પાછળ ‘ને’ આવે ત્યારે સંબંધક ભૂતકૃદંતમાં હ્સ્વ‘ઇ’ હોય તોપણ રહેવા દીધો છે – ‘દેખિનઇડ'ક્વચિત્ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનમાં દીર્ઘ ‘ઈ’ મળે છે તે પણ હ્સ્વ કર્યો છે – ‘આવી'નું ‘આવિ-આવઇ’ કર્યું છે.

૩. એક દંડને સ્થાને અલ્પવિરામ અને બે દંડને સ્થાને પૂર્ણવિરામ મૂક્યુંછે, અને વિરામચિહ્નોની એકરૂપતા નથી ત્યાં કરી લીધી છે. અવતરણચિહ્નો મૂળમાં નથી તે અહીં વાચનની સરળતા માટે ઉમેર્યાછે.

૪. ધ્રુવાઓના સંકેતો ક્યાંક એકસરખા નથી તે કરી લીધા છે.

૫. મૂળમાં ઢાળક્રમાંક છેલ્લે છે તે ‘ઢાલ’ શબ્દ પછી લઈ લીધો છે – ‘ઢાલ બિંદલીની. ૧’ને સ્થાને ‘ઢાળ ૧: બિંદલીની.' એમ કર્યું છે. કડીક્રમાંક ધ્રુવાસંકેતની પહેલાં છે તે પાછળ લીધો છે – ‘૧ સ.’ને બદલે ‘સ. ૧' કર્યું છે.

૬. લેખનદોષ જણાયા ત્યાં સુધારી મૂળ પાઠ પાદટીપમાં આપ્યા છે.


0 comments


Leave comment