3 - કથાસામગ્રીનો તુલનાત્મક અભ્યાસ / આરામશોભારાસ (જિનહર્ષકૃત) / સંપાદક : જયંત કોઠારી, કીર્તિદા શાહ


  • ઓરમાન સંતાનનો ભાગ્યોદય
      આરામશોભાની કથાનું એક મુખ્ય ઘટક અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યાનું છે. અપર મા વિશે એક સનાતનને સર્વવ્યાપી માન્યતા છે કે એ ઓરમાન સંતાનને હંમેશાં ત્રાસ આપનારી જ હોય. ઓરમાન બાળકનું સુખ એ સાંખી ન શકે, અને એને બદલે પોતાના બાળકને એ સુખ મળે એવી કોશિશ એ કરે. અપરમાના ત્રાસનું કથાઘટક, આથી, સર્વ દેશકાળમાં જોવા મળે એમાં નવાઈ નથી.

      અપરમાના વિદ્વેષથી ઘર છોડી વનમાં જઈ તપ કરનાર અને આકાશના તારા રૂપે સ્થાન મેળવનાર ધ્રુવની કથા જાણીતી છે. આ આપણે ત્યાંની અત્યંત પ્રાચીન કથા છે, પણ આરામશોભાકથાનું વધારે સ્પષ્ટપણે મળતાપણું સુગંધદશમીકથા સાથે છે.

      ઉદયચન્દ્રની અપભ્રંશ સુગંધદશમીકથા (
સુગંધદશમીકથા, સંપા. ડૉ. હીરાલાલ જૈન, ઈ. ૧૯૬૬, પ્રસ્તા. પૃ. ૧૧) ઈ.૧૧૫૦ની રચના હોઈ એ ‘મૂલશુદ્ધીકરણ’ની દેવેન્દ્રસૂરિની વૃત્તિ પછીની રચના ઠરે છે. સુગંધદશમીકથાના ઉત્તરભાગમાં તિલકમતીનું વૃત્તાંત આવે છે. તિલકમતીની અપરમા એના પ્રત્યે દ્વેષ રાખતી. તિલકમતીને એના જેવડી જ ઉંમરની એની પોતાની પુત્રી પરણાવવા જેવડી થઈ ત્યારે જે મુરતિયા આવતા તે તિલકમતીને જ પસંદ કરતા – અપરમા પોતાની પુત્રીને આગળ કરતી છતાં એક વખતે પિતાની ગેરહાજરીમાં, માને આવેલા મુરતિયા સાથે તિલકમતીનો વિવાહ નક્કી કરવો પડ્યો. પરંતુ એણે તિલકમતીને એમ સમજાવીને સ્મશાનમાં મોકલી દીધી કે કુળના રિવાજ મુજબ વર એને સ્મશાનમાં આવીને પરણશે. પછીથી તિલકમતી નાસી ગઈ છે એમ જણાવી એને સ્થાને પોતાની પુત્રીને પરણાવી દીધી.

      પરંતુ આ બાજુ રાજાએ પોતાના મહેલમાંથી સ્મશાનમાં બેઠેલી સુંદર સ્ત્રીને જોઈ અને પોતે એની પાસે પહોંચ્યો. એની હકીકત જાણી પોતાને ‘મહિષીપાલ’ તરીકે ઓળખાવી એની સાથે પરણ્યો. ઓરમાન માને તિલકમતીએ આ જણાવ્યું ત્યારે એ તો ‘ગોવાળિયો' જ સમજી અને તિલકમતીને એક જુદા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી, જ્યાં રાજા રાત્રિએ આવતો અને સવારે જતો રહેતો. રાજાએ તિલકમતીને આપેલાં રત્નજડિત આભૂષણો જોતાં અપરમા ગભરાઈ અને પતિ આવતાં એને વાત કરી. તિલકમતીની વાતની ખાતરી કરવા જે યોજના કરવામાં આવે છે તેમાં તિલકમતી પગ પરથી રાજાને ઓળખી કાઢે છે અને રાજા એને જાહેર રીતે પોતાની રાણી તરીકે સ્થાપે છે.

      જોઈ શકાશે કે અપરમાને પોતાની ઓરમાન પુત્રી પ્રત્યે દ્વેષ હોવો, એને બદલે પોતાની પુત્રીને લાભ આપવાનો પ્રયત્ન કરવો, અને આ બધું છતાં ઓરમાન પુત્રીનું રાજરાણી બનવું એટલાં કથાતત્ત્વો સુગંધદશમીકથામાં આરામશોભાની કથા સાથે સમાન છે, જોકે સમગ્ર ઘટનાસામગ્રીમાં સારો એવો ફરક છે.

      સુગંધદશમીકથાને વધારે મળતું આવતું અને તેથી આરામશોભાકથાને કેટલેક અંશે મળતું વૃત્તાંત યુરોપમાં પ્રચલિત થયેલી સિન્ડ્રેલાની ફ્રેંચ લોકકથામાં અને અશ્પુટાઇલની જર્મન લોકકથામાં પણ જોવા મળે છે.

      સિન્ડ્રેલાની કથા આ પ્રમાણે છે. અપરમાને પનારે પડેલી સિન્ડ્રેલાને રાજકુમારે ગોઠવેલા નૃત્યોત્સવમાં એની ઓરમાન બહેનો સાથે જવાનું મળતું નથી ત્યારે દુઃખી થાય છે, પરંતુ એક દેવીની મદદથી એ પોતાના રૂપપરિવર્તન સાથે નૃત્યોત્સવમાં જઈ રાજકુમારને આકર્ષે છે. બીજે દિવસે દેવીએ આપેલી અર્ધરાત્રિની સમયમર્યાદા ચૂકી જવાથી એ ઉતાવળમાં ભાગે છે અને એની કાચની સ્લીપર રાજકુમારના હાથમાં આવે છે. આ કાચની સ્લીપરને કારણે રાજકુમાર સાથે પોતાની દીકરીઓનો સંબંધ ગોઠવવાના અપરમાના પ્રયત્નો નિષ્ફળ જાય છે અને સિન્ડ્રેલા રાજકુમારને પામે છે.
(સુગંધદશમીકથા, સંપા. ડૉ. હીરાલાલ જૈન, ઈ. ૧૯૬૬, પ્રસ્તા. પૃ. ૧૨-૧૩)

      અશ્પુટઇલની કથામાં પણ અપરમાનો ત્રાસ ભોગવતી અશ્પુટઇલ પોતાના મિત્ર પક્ષીની મદદથી રાજકુમારીને રૂપેનૃત્યોત્સવમાં જઈ શકે છે અને રાજકુમારના હાથે ઝડપાયેલી એની સુવર્મજડિત મોજડીને કારણે રાજકુમારને પામે છે.
(સુગંધદશમીકથા, સંપા. ડૉ. હીરાલાલ જૈન, ઈ. ૧૯૬૬, પ્રસ્તા. પૃ. ૧૩-૧૫)

      એ નોંધપાત્ર છે કે સિન્ડ્રેલાની કથા સૌપ્રથમ ચાર્લ્સ પરોલ્ટ (ઈ. ૧૬ર૮ - ઈ. ૧૭૦૩)ના કથાકોશ ‘કૅબિને ફી’માં અને અશ્પુટઇલની કથા જેકબ લુડવિક કાર્લ ગ્રિમ (ઈ. ૧૭૮૫ – ઈ. ૧૮૬૩)ના લોકકથા સંગ્રહ ‘દિ કિંડર ઉણડ હાઉસમાર્ખેન'માં મળે છે, જ્યારે આરામશોભા અને તિલકમતીની કથાઓ છેક ઈ. ૧૧મી-૧૨મી સદીની છે. ઓરમાન સંતાનના ભાગ્યોદયનું કથાઘટક, આથી,ભારતીય મૂળનું હોવાની સંભાવના વધુ રહે છે.

      અપરમાના ત્રાસનો ભોગ બનેલી છોકરીનું ભાગ્ય ખૂલી જાય એ કથાઘટકની વ્યાપકતા માટે, આ ઉપરાંત, થોમ્પ્સનના અનુક્રમાંક એલ ૫૫ (સ્ટેપ ડોટર હિરોઇન), મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૧૬ (હોલ્લે) (
લોકસાહિત્યવિજ્ઞાન, ડૉ. સત્યેન્દ્ર, ઇ. ૧૯૬૨, પૃ. ૨૨૯) વ્રજની લોકકથા ‘ફૂલનદેવી કોલનદેવી’૪ તથા ગુજરાતીલોકકથા ‘સોણબાઈ અને રૂપબાઈ’નો નિર્દેશ કરી શકાય.

      આરામશોભાની કથામાં અપરમા સાવકી દીકરીના મૃત્યુ માટે ષડયંત્ર ગોઠવે છે. આ જાતનું કથાઘટક મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૫૫ (સ્નો-વ્હાઇટ)માં નોંધાયેલું છે. (
લોકસાહિત્યવિજ્ઞાન, ડૉ. સત્યેન્દ્ર, ઇ. ૧૯૬૨, પૃ. ૨૨૯)
  • કૃતજ્ઞ પ્રાણી
      આરામશોભાકથાનું બીજું એક અગત્યનું કથાઘટક જેનો જીવ ઉગારવામાં આવ્યો છે તે પ્રાણી મદદગાર થાય છે તે છે.
      આરામશોભાકથામાં કૃતજ્ઞ સર્પ આવે છે. કૃતજ્ઞ સર્પનું વૃત્તાંત છેક મહાભારતના ‘નલોપાખ્યાન’માં આપણને મળે છે. દાવાનળમાંથી નાગરાજને બચાવનાર નળને નાગરાજ ડંખ દઇ કૂબડો બનાવે છે, અને અસલ રૂપ પ્રગટ કરનાર વસ્ત્રો પણ આપે છે. રાજ્યગુમાવી દીધેલ નળને માટે આ સ્થિતિ ઘણી લાભકારક નીવડે છે.

      કથાસરિત્સાગરમાં પણ એક શબર પાસેથી સર્પને બચાવનાર દયાળુ ઉદયનને એ વાસુકિનો ભાઇ વસુનેમિ વીણા, તાંબૂલ, ન કરમાતી માળા વગેરે ભેટ આપે છે એવો કથાપ્રસંગ આવે છે.

      ‘નલોપાખ્યાન'ને બરાબર મળતો પ્રસંગ શામળે‘મદનમોહના’માં યોજ્યો છે. બળતા દવમાંથી નાગને મોહના બચાવે છે અને નાગ પ્રત્યુપકાર તરીકે એને પાંચ ચમત્કારી ગુણો ધરાવતો મણિ ભેટ આપે છે.

      પોતાના પર ઉપકાર કરનાર સ્ત્રીને માટે સર્પ આશ્રય આપનાર પિતૃજન સમાન બની રહે એવી આરામશોભામાં મળતી પ્રસંગરચના નાગપાંચમની ગુજરાતી લોકકથામાં જોવા મળે છે. એમાં સાસરિયામાં સંતાપ વેઠતી સગર્ભા સ્ત્રીને શ્રાદ્ધના દિવસોમાં ઘરે ખીર ખાવા મળતી નથી, પણ એ હાંડલામાં વળગેલા ઉખરડા પોટલીમાં બાંધીને પાણિયારીએ જાય છે. ત્યાં એક સગર્ભા નાગણી એ ઉખરડા ખાઈ જાય છે અને પેલી સ્ત્રી પોતાના ઉખરડા ખાઈ જનારને ગાળભેળ દેવાને બદલે આશિષ આપે છે તેથી નાગણી, જેને પિયરમાં કોઈ નથી એવી એ સ્ત્રીની ધરમની મા બની જાય છે. પછી સમસ્ત નાગલોક એ સ્ત્રીનાં પિયરિયાં તરીકે સર્વ વ્યવહારો કરે છે અને એનું ઘર અભરે ભરે છે. (
કંકાવટી ભા. ૧, સંપા. ઝવેરચંદ મેઘાણી, પૃ. ૬૭-૭૮)

      આ લોકકથા ઘણી પ્રાચીન હોવાના સગડ મળે છે. રાજશેખરના “ચતુર્વિશતિપ્રબંધ' (ઈ. ૧૩૪૯)માંની ‘આર્યનંદિલપ્રબંધ'ની કથા આને મળતી જ છે. એમાં વૈરાટ્યા ખીરનો ઘડો લઈને છાનીમાની જળાશયે જાય છે અને નાગણી એ ખીર પી જાય છે. એમાં પણ પછીથી નાગલોક વૈરાટ્યાના સર્વ વ્યવહારો કરે છે. (વીગતે કથા માટે જુઓ ‘નાગપુત્રી', ભોગીલાલ સાંડેસરા, નવચેતન, નવે.-ડિસે. ૧૯૭૪, પૃ. ૫૮-૬૦)

      ‘વૈરોટ્યા’ અથવા ‘વૈરોટી' મહાવિદ્યા (મહાદેવી) ઈ. પહેલી સદી કરતાંયે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતી હોવાની પ્રતીતિ મળે છે. (
જુઓ ‘ઇકોનોગ્રાફી ઓવ્ ધ સિક્સટિન જૈન મહાવિદ્યાઝ’, ડૉ. યુ. પી.શાહ, જર્નલ ઑફ ધ ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિએન્ટલ આર્ટ, વૉ. ૧૫, પૃ. ૧૧૪-૧૧૭ (પંચદંડ, સંપા.ડૉ. સોમાભાઇ ધૂ. પારેખ, પૃ. ૨૮૬ પર ઉલ્લિખિત)) એટલે આ લોકકથાનાં મૂળ ઘણાં પ્રાચીન હોવાનું સમજાય છે.

      કૃતજ્ઞ સર્પને લગતા પ્રાચ્ય અને પાશ્ચાત્ય લોકકથાસાહિત્યના ઉલ્લેખો ટૉની-પેન્ઝર,૧, ૧૦૧, પાદટીપમાં (
મદનમોહના, સંપા. ડૉ. હરિવલ્લભ ભાયાણી પૃ. ૪૯.), કૃતજ્ઞ પ્રાણીના સંદર્ભો મિસિસ બર્ન્સના સૂચિક્રમાંક ૪૭ પર (લોકસાહિત્યવિજ્ઞાન, ડૉ. સત્યેન્દ્ર પૃ. ૨૩૯) તેમજ મૃત્યુમાંથી બચાવનાર પ્રત્યે કૃતજ્ઞ પ્રાણીના સંદર્ભો થોમ્પ્સનના સૂચિક્રમાંક બી ૩૬૦ પર નોંધાયેલા છે તે જોતાં આ કથાઘટક પણ ઘણું વ્યાપક હોવાનું પ્રતીત થાય છે. ડૉ. સત્યેન્દ્ર પણ કૃતજ્ઞ સર્પની એક લોકકથા વર્ણવે છે.(લોકસાહિત્યવિજ્ઞાન, ડૉ. સત્યેન્દ્ર પૃ. ૨૩૯)
  • ખોરાકનું હાનિરહિત થવું
      આરામશોભાની કથામાં અપરમાએ બનાવીને મોકલેલી ઝેરની મીઠાઈઓ નાગદેવ અમૃતમય બનાવી દે છે એવું વૃત્તાંત છે. ડૉ. સાંડેસરા આરામશોભાની વાર્તા નામફેર, સહેજ ફેરફાર સાથે ગુજરાતમાં જૈનજૈનેતર સ્ત્રીઓ, બાળાઓમાં પ્રસિદ્ધ હોવાનું જણાવે છે તેમાં ઓરમાનમા રાખના રોટલાનું ભાતું બનાવીને દીકરીને ગાયો ચારવા મોકલે છે અને ગાયોનું દૂધ દીકરીએ રાફડામાં રેડેલું એટલે નાગદેવ રોટલા અમૃતમય બનાવે છે એમ આવે છે. (ઇતિહાસની કેડી. ડૉ. ભોગીલાલ સાંડેસરા, પૃ. ૧૮૨)

      ખોરાકનું દેવકૃપાથી પરિવર્તન અન્યત્ર પણ જોવા મળતું કથાઘટક છે. થોમ્પ્સનના સૂચિક્રમાંક ડી ૧૮૪૦.૧.૨.૧ પર સંતનાઆશીર્વાદથી ઝેરયુક્ત ખાદ્ય કે પેય હાનિરહિત થઈ જવાનું કથાઘટક નોંધાયેલું છે.
  • સમયમર્યાદાના ભંગનું પરિણામ
      આરામશોભાની કથામાં નાગદેવ આરામશોભાને સૂર્યોદય થતાં પહેલાં પાછા આવી જવાનું અને એ સમયમર્યાદાનો ભંગ થતાં પોતે મૃત્યુ પામશે એમ કહે છે. સિન્ડ્રેલાની કથામાં આને મળતું વૃત્તાંત આપણને મળે છે. એમાં સિન્ડ્રેલાને પાછા ફરવા માટે દેવીએ અર્ધરાત્રિની સમયમર્યાદા મૂકેલી છે અને એ સમયમર્યાદા વટી જતાં સિન્ડ્રેલાનો સઘળો વૈભવ જતો રહે છે. સમયના બંધન અને એમાં વિલંબ થવાના કથાઘટકો થોમ્પ્સનના સૂચિક્રમાંક સી ૭૧૩.૧ (મેરમન્સ વાઇફ નૉટ ટુ સ્ટે ટિલ ચર્ચ બેનિડિક્શન), સી ૭૧૩.૩.૧ (બીસ્ટ હસબન્ડ સ્ટેઇગ ટૂલૉંગઍટ હોમ) અને સી ૭૬૧ (ડુઇંગ થિંગ ટૂલૉંગ) પર નોંધાયેલા છે. નિષિદ્ધ બાબતના ભંગનીશિક્ષા નિષેધ ફરમાવનાર જ ભોગવે એવું કથાઘટક થોમ્પ્સનના સૂચિક્રમાંક સી ૯૦૧.૪ પર નોંધાયેલું છે અને નિષિદ્ધ બાબતનો ભંગ થાય ત્યારે મદદગાર પશુ અદૃશ્ય થઈ જાય એવું કથાઘટક પણ એના સૂચિક્રમાંક સી ૯૩૫ પર નોંધાયેલું છે.

      આ રીતે આરામશોભાની વાર્તાની ઘણી પ્રસંગરચનાઓ જગતભરના વાર્તાસાહિત્યમાં પ્રચલિત અને લોકપ્રિય હોવાનું દેખાઈ આવે છે;અને કેટલીક પ્રસંગરચનાઓ તો ખાસ્સી પ્રાચીન હોવાનું સમજાય છે.
* * * * *


0 comments


Leave comment