1 - આરામશોભારાસ - ગ્રંથપાઠ (જિનહર્ષકૃત) / સંપાદક : જયંત કોઠારી, કીર્તિદા શાહ


જિનહર્ષકૃત
આરામશોભારાસ

દૂહા
શ્રી સારદ વરદાયિની, સુમતિ તણી દાતાર,
મૂરખનઇ પંડિત કરઇ, એ મોટઉ ઉપગાર. ૧
જેહ ભણી સુપ્રસન હુવઇ, તેહનઇ કરઇ નિહાલ,
હીયા થકી અજ્ઞાનના, કાઢી નાખઇ સાલ. ૨

મોટી મહિમા માયની, જાસ અખૂટ ભંડાર,
સુરનર વિદ્યાધર વિબુધ, પામી ન સક્કઇ પાર. ૩
ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઇ. કોઈ પાર,
તિમ સરસતિ-ભંડારનઉ, નાવઇ પાર અપાર. ૪

માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,
સુણતાં સહુકોનઇ ગમઇ, રીઝઇ૧ બાલગોપાલ. ૫
ધર્મમૂલ સમ્યક્ત્વ છઇ, યતન કરઉ નરનારિ,
શ્રી જિનપૂજા -આદરઉ, જિમ પામઉ ભવપાર. ૬

દેવાદિક પર્ષદ વિખઇ, ભાખઇ શ્રી જિનરાય,
નરસંપદ સુરસંપદા, લહઇ જિનભક્તિ-પસાય. ૭
મુગતિ તણા પિણિ સુખ મિલઇ, ઈહાં સુણિજ્યો દૃષ્ટાંત,
સતી આરામશોભા તણઉ, વારુ છઇ વૃતાંત. ૮

(૧. ‘રીખઈ’ લખાયેલું તેનો ‘ખ’ કાઢી નાખેલો છે.)

ઢાલ ૧ : બિંદલીની

ખેત્ર ભરત ઇણિ નામઇં, કુસદેસ અનોપમ તામઇ હો, સમકિત ચિત્ત ધરઉ,
સમકિત નિરમલ પાલઉ, જિનપૂજા પાપ પખાલઉ હો. સ. ૧
ગ્રામ સ્થાનાશ્રય સોહઇ, નરનારીના મન મોહઇ હો, સ.
અગ્નિશર્મા વિપ્ર તિણિ ગામઇ, વિપ્ર શાસ્ત્ર ભણ્યઉ હિતકામઇ હો. સ. ૨

યજુર્વેદી વેદ જાણઇ, શાસ્ત્રારથ સયલ વખાણઇ હો, સ.
જ્વલનશિખા ધણીયાણી, જેહનઇ મુખિ મીઠી વાણી હો, સ.૩
વિદ્યુતપ્રભા તસુ બેટી, વિદ્યુત સુપ્રભા ગુણપેટી હો, સ.
સિસિવયણી સારંગનયણી, સુરરમણી ગયવરગમણી હો. સ.૪

સુરકન્યા રૂપ હરાવઇ, બીજી તે સમવડિ નાવઇ હો, સ.
સોભાગિણિ દક્ષ વિનીતા, અષ્ટ વચ્છર તાસ વિનીતા હો. સ. ૫
તિણિ અવસર તેહની માતા, રોગાકુલ જમપુર જાતા હો, સ.
નાન્હી બાલક મતિ થોડી, ઘરભારઇ લેઈ જોડી હો. સ. ૬

ગો દૂહઇ ઊઠિ પ્રભાતઇં, લિંપન કરઇ જાતઇં હો, સ.
પછઇ ગોચારણ જાયઇ, ગ્રામ બાહિરિ વિણિ ઇછાયઇ હો. સ. ૭
મધ્યાહ્નઇ વલી લેઈ આવઇ, વલી બીજી વાર દુહાવઇ હો, સ.
રંધન કરી જનક જીમાવઇ,પોતઇ પછઇ ભોજન પાવઇ હો. સ. ૮

મધ્યાનઇ વલી લે જાવઇ, થાકીરીણી ઘરિ આવઇ હો, સ.
કરઇ કામ પ્રાદોષિક સગલા, વિપ્રકન્યા૧ તે અબલા હો. સ. ૯
વિપ્રકન્યા કામ કરંતી, થાકી મને ખેદ ધરંતી હો, સ.
ધોરી બહુ ભારઇં જોડ્યઉ નિવહી ન સકઇ બલ છોડ્યઉ હો. સ.૧૦

ઘરનઇ વ્યાપાર ભાગી, નિજ જનકનઇ કહિવા લાગી હો, સ.
‘ઘરભાર પિતા નવિ ચાલઇ, નિસિદિન વેદન મુઝ સાલઇ હો. સ.૧૧
હું નાન્હી બાલ કુમારી, ઘરભાર તણી અધિકારી હો, સ.
મુઝથી એ કામ ન સીઝઇ’, બાપ આગલિ ઇણિ પરિ ખીજઇ હો. સ.૧૨

‘બીજી આણઉ મુઝમાતા, જિમ થાયઇ મુઝનઇ સાતા હો.’ સ.
‘પુત્રી રુડઉં તઇં ભાખ્યઉ,'. ઇમ કહી તેહનઉ મન રાખ્યઉ હો. સ.૧૩
પરણી તિણિ બીજી નારી, અલસા સુખલંપટ સારી હો, સ.
જિનહરખ ઢાલ થઇ પૂરી, પહિલી મન ચિંતાતૂરી હો. સ.૧૪

(૧. ખિત્રાકન્યા)

દૂહા
વિદ્યુતપ્રભા માથઇં સહુ, દેઈ ઘરનઉ ભાર,
કરઇ વિલેપન સ્નાન તન, સજઇ સોલ શૃંગાર. ૧
આસણથી ઊઠઇ નહી, ઢુલઇ જઉ ઘૄતનઉ કુંભ,
ઘરચિંતા ન કરઇ કિસી, જોવઉ નારિ અચંભ. ૨

કહ્યઉ ન કરઇ ભરતારનઉ, સામ્હા બોલઇ બોલ,
બ્રાહ્મણ મનમઇ ચૌંતવઇ, આણી નારિ નિટોલ. ૩
પગ ચઢાવી પગ ઉપરઇં, બઇસઇ ઇણિ પરિ તાસ,
દેખી કન્યા ચૌંતવઇ, “જિમ સઉ તિમ પંચાસ.” ૪

દિવસ ન ભોજન તેહવઉ, નિસિ નિદ્રા નહી તાસ,
થઈ ભિક્ષાચર સારિખી, બ્રાહ્મણસુતા નિરાસ. ૫

ઢાલ ૨ : બાંગરીયાની.

‘સામ્હી હું દુખિણી થઈ રે, આણી મા સુખઆસ રે, ગુણ જોજ્યો.
ગાડર આણી ઊનનઇ રે, બાંધી ચરઇ કપાસ રે. ગુ. ૧
ચીંતવીયઉ થાયઇ નહી રે, લાખ કરઉ બુધિ કોઈ રે, ગુ.
અણહુંણી હુંણી નહી રે, હુંણી હોઇ સુ હોઇ રે. ગુ. ૨

માત્રેઈ કોની સગી રે, કેહઉ તેહનઉ હેજ રે, ગુ.
સ્નેહરહિત દીવા તણઉ રે, ન હુવઇ તેહનઉ તેજ રે. ગુ. ૩
પોતાને હાથે કરી રે, વીખેર્યા અંગાર રે, ગુ.
દોસ દીજઇ તઉ કેહનઇ રે, પગ બલીયઇ જિણિ વાર રે. ગુ.૪

મઇં પરણાવ્યઉ બાપનઇ રે, કહી કહી બહુ વાર રે, ગુ.
એહવી આવી જઉ લિખ્યઉ રે, દુઃખ મુઝ ભાગ મઝારિ રે. ગુ. ૫
તે અવસર આવઇ નહીં રે, કેહઉ કીજઇ સોચ રે’, ગુ.
ઇણિ પરિ કન્યા આપણઉ રે, કીધઉ મનસંકોચ રે. ગુ. ૬

બાર વરસની તે થઇ રે, ભોગવતી ઇમ ક્લેસ રે, ગુ.
એક દિવસ ગો ચારિવા રે, ગઈ વન બાલીવેસ રે. ગુ. ૭
ગાઉ ચરઇ છઇ તિહાં રહી રે, સૂતી ઘાસ મઝારિ રે, ગુ.
નિદ્રા આવી તેહનઇ રે, તિણિ અવસર તિણિ વાર રે. ગુ. ૮

રક્તનયણ કાલઉ ઘણું રે, મોટી કાય કરાલ રે, ગુ.
કન્યા પાસિ ઊતાવલઉ રે, આવ્યઉ અહિ તતકાલ રે. ગુ. ૯
નાગકુમાર અધિષ્ઠીયઉ રે, દેહ મનુષ્યની વાણિ રે, ગુ.
હલુઅઇ તાસ ઉઠાડિનઇ રે, કહઇ રાખેવા પ્રાણ રે. ગુ.૧૦

‘અતિભયથી હું બીહતઉ રે, સરણઇ આવ્યઉ તુઝ રે, ગુ.
પાપી પૂઠઇં ગારુડી રે, આવઇ ગ્રહિવા મુઝ રે, ગુ.૧૧
હે વચ્છે સુરસક્તિથી રે, મંત્રસક્તિ નહી પાર રે, ગુ.
ને ઊલ્લંઘી નવિ સકું રે, સાંભલિ તું સુવિચાર રે. ગુ. ૧૨

કરંડ માંહિ મુઝ ઘાલિસ્યઇ રે, તે પાપી તતકાલ રે, ગુ.
નિજ અંકઇ ધરિ મુઝ ભણી રે, ઢાંકિ વસ્ત્ર સ્યું બાલ રે.' ગુ. ૧૩
તિણિ કન્યા તિમહી જ કીઅઉ રે, નિજ મન કરી નિસંક રે, ગુ.
રાખ્યઉ તેહ ભુજંગનઇ રે, યતન કરી નિજ અંક રે. ગુ.૧૪

અહિ કેડઇ તે ગારુડી રે, આવ્યા તેહનઇ પાસિ રે, ગુ.
બીજી ઢાલ સુણઉ સહુ રે, હુઇ જિનહરખ ઉલાસ રે. ગુ.૧૫

સર્વગાથા ૪ર.
દૂહા

પૂછઇ તેહનઇ ગારુડી, ‘કન્યા કૃષ્ણ ભુજંગ,
તઇં જાતઉ દીઠઉ નહી, કાયા જાસ ઉત્તંગ’.૧
વિપ્રસુતા વલતું કહઇ, ‘મુખ ઢાંકી તિણિ વાર,
હું તઉ ઈહાં સૂતી હુતી, કિસી ન જાણું સાર’. ૨

માહોમાહે તે કહઇ, ‘પન્નગ દેખઇ એહ,
તઉ નાસઇ ભય તેહનઇ, કરઇ પુકાર અછેહ.’૩
સગલે હી જોયઉ ફિરી, આગલિ પાછલિ તાસ,
ક્યાંહી અહિ દીઠઉ નહી, વલીયા થઇ નિરાસ. ૪

કહઇ કન્યા હિવઇ નાગનઇ, ‘નીસરિ સંકા મેલ્હી,
ગયા સગલા હી ગારુડી, નિજ ઇચ્છાયઇં ખેલિ'. ૫

ઢાલ ૩ :

મઇં બુઢરાકું ખીર પકાઇ, ઝારિ ચલ્યઉ લપટઉ દઈ, માર્યઉ
મરણ ગયઉ બુઢરઉ, દઇ માર્યઉ મરણ ગયઉ, એહની.

દેવ પ્રગટ થઇ ઇણિ પરિ ભાખઇ, ‘ધન ધન તું બાલા ગુણવંતી,
સરણ આયઉ મુઝનઇ તઈં રાખ્યઉ, સરણ આયઉ મુઝનઇ તઇં રાખ્યઉં, સરણ આયઉ. આં.
તાહરઉ સત્ત્વ અધિક મઇં દીઠઉ, તુઝ દેખી કાયા ઉલસંતી. સર. ૧

તુઝ ઉપગારઇં હિવૈ હું તૂઠઉ, માગિ માગિ વર જે તુઝ ભાવઇ’ સ.
કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ, તઉ કરિ એક વચન દાઇ આવઇ. સ. ૨
ઘર્મબાધાયઇં ગાઇ ચરાઉં, ઘર્મબાધા ટાલઉ સુખ પાઉં', સ.
‘મુગધા એ માગઇ મુઝ પાસઇ, છાયા એહનઇ કરું ઉલાસઇ. સ. ૩

જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ, એ મોટી ઉપગારણિ બાલા', સ.
ઇમ ચીંતવી તિણિ ઊપરિ કીધઉ, મહારામ ફલફૂલ-રસાલા. સ. ૪
સઘન સુસીતલ જેહની છાયા, ખટ રિતુના જેહમઇ સુખ પાયા, સ.
જેહની ગંધ સુગંધ સુહાવઇ, સૂરજકર જેહમઇ નવિ આવઇ. સ. ૫

દેવ કહઇ‘સાંભલિ તું પુત્રી, બઇસિસિ જાઇસિ તું જિણિ ઠામઇ, સ.
તિહાં તિહાં એ આરામ સહીસ્યું, તાહરઇ સાથિ હુસ્યઇ સુખકામઇ. સ. ૬
દુખ આવ્યઇ સમરે તું પુત્રી, પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ,’ સ.
ઇમ કહી તેહ થયઉ અદૃસ્ય સુર, અમૃતફલ આસ્વાદઇ અહનિસિ. સ. ૭

તૃષ્નાક્ષુધા ન લાગઇ તેહનઇ, દુખ સ્યઉં સુરતરુ જેહનઇ,
ગોયુત નિસિ આવઇ ઘરિ કન્યા, ઉપરિ આરામ વિરાજઇ ધન્યા. સ. ૮
‘ભોજન કરિ બેટી’ કહઇ માતા, ‘ભૂખ નથી મુઝનઇછઇ સાતા', સ.
રજિની પછિમ પઉહરઇં જાગી, ગોચારણ ચિંતા સહુ ભાગી. સ. ૯

દિન દિન ઇમ બ્રાહ્મણની પુત્રી, ગો ચારી આવઇ ગુણગંત્રી, સં.
આરામતલ સૂતી એક દીસઇ, સીતલ છાયા દેખી જગીસઇ. સ. ૧૦
દિગયાત્રા કરી નૃપ તિહાં આયઉ, પાડલીપુરપતિ તિહાં સુખ પાયઉ, સ.
આંબાતલ સિહાંસણ થાપી, બઇઠઉ રાજા મહાપ્રતાપી. સ. ૧૧

જિતસત્રુ નૃપ કેરઇ આદેસાઇં, ગજઅસ્વકરભાદિક સુવિસેસઇ, સ.
બાંધ્યા તરુસાખાયઇં લેઈ, છાયા બેઠા સૂતા કેઇ. સ. ૧૨
કટક તણઇ કોલાહલ જાગી, ‘એ કુણ રાય' વિચારણ લાગી, સ.
એ જિનહરખ ઢાલ થઇ ત્રીજી, સુણતાં વાત મ કરિજ્યો બીજી. સ. ૧૩

સર્વગાથા ૬૦
દૂહા

કુંજર આદિક દેખિનઇ, નાઠી ગાઇ તુરત્ત,
દીઠી જાતી વેગલી, ચિંતઇ કન્યા ચિત્ત. ૧
‘વાલું ધેનુ જઈ કરી', ઉચ્છક દ્રઉડી તામ,
અસ્વાદિક લેઈ સહુ, થયઉ કેડઇં આરામ. ૨

દેખી મન માહે થયઉ, નરનાયક સંભ્રાંત,
નિજ મંત્રીસરનઇ કહઇ, ‘એ સ્યઉ કહિ વૃત્તાંત.’ ૩
મંત્રી કહઇ‘નૃપ સાંભલઉ, અચરજવાલી વાત,
એ પ્રભાવ છઇ એહનઉ, નહી તઉ વન કિમ જાત.’૪

સચિવ કહઇ‘હે બાલિકા, વલિ પાછી મત જાઇ,
અમ્હે જઈનઇ વાલિસ્યું, તાહરી સગલી ગાઇ.’૫

ઢાલ : ૪

હોં લખલહણા બારટ રાજાજીનઈં રીઝવિનઇ ઘર આજ્યો,એહની.
રાગ કાલહરઉ.

પાછી આવી કન્યકા રે કાંઈ, ફિરિ આવ્યઉ આરામ રે,
ગાઈ વાલી લ્યાવ્યા સહુ રે કાંઈ, અસવારે જઈ તામ રે.
મનમોહણગારી રાજાજીનઇ લાગી અતિપ્યારી
મન હરી લીધઉ રે વિપ્રની સુતા. આં. ૧

રૂપ અધિક રલીયામણઉ રે કાંઈ, લાવન્ય અંગ અપાર રે,
અતિસય દેખી તેહનઉ રે કાંઈ, રાજા કરઇ વિચાર રે. મ. ૨

‘રાજકન્યા માહરઇ ઘરે રે કાંઈ, અંગ ધરઇ અલંકાર રે,
પિણિ તે નહી ઇણિઆ સારિખી રે કાંઈ, રૂપકલાગુણધાર રે. મ. ૩
ગોચારઇ વનમઇ રે કાંઈ, નહી ભોજનનઉ સ્વાદ રે,
પહિરણ વસ્ત્ર જિસાતિસા રે કાંઈ, ઉપજાવઇઆહલાદ રે.” મ. ૪

મધુકર મોહ્યઉ કેતકી રે કાંઈ, જિમ રેવા ગજરાજ રે,
તે કન્યાના રૂપ સ્યું રે કાંઈ, તિમ મોહ્યઉ નરરાજ રે. મ. ૫
તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
‘છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. મ. ૬

વર કરિ વરવર્ણિની રે કાંઈ, એ જિતશત્રુ ભૂપાલ રે’,
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે. મ. ૭
તે કહઇઇણિ ગામ વસઇ રે કાંઈ, બ્રાહ્મણ માહરઉ તાત રે,
અગ્નિસર્મા જાણઇ સહુ રે કાંઈ. હું જાણું નહી વાત રે. મ. ૮

છોરુ પરણાવઇ પિતા રે કાંઈ, સુંદર વરઘર જોઇ રે,
ભાગ્ય પ્રમાણઇ તે પછઇ રે કાંઈ, સુખીયા દુખીયા હોઇ રે’. મ. ૯
વયણ સુણાવ્યા એહવા રે કાંઈ, કન્યા કોકિલવાણિ રે,
રાજા રીઝ્ યઉ સાંભલી રે કાંઈ, એ તઉ ગુણની ખાણિ રે મ. ૧૦

વય નાંન્હી પિણિ ગુણ વડા રે કાંઈ, ગુણ લહઇ આદરમાન રે,
ગુણવંતાનઇ જિહાં તિહાં રે કાંઈ, થાયઇ સહુ આસાન રે. મ. ૧૧
નૃપઆજ્ઞા લેઈ કરી રે કાંઈ, સચિવ ગયઉ દ્વિજગેહ રે,
આવી બ્રહ્મસુતા ઘરે રે કાંઈ, ગોધન સાથ કરેહ રે. મ. ૧૨

ઉત્તમ નર દેખી કરી રે કાંઈ, બ્રાહ્મણ દીધ આસીસ રે,
આસણબઇસણ આપીઅઉ રે કાંઈ, બઇઠઉ ધરીય જગીસ રે. મ. ૧૩
‘દેવ સુણઉ’મું હું તઉ કહઇ રે કાંઈ, ‘વયણ એક મુઝ રે,
જિતસત્રુ નૃપનઇ તાહરી રે કાંઈ, દે કન્યા કહું તુઝ રે.’મ. ૧૪

(૧. મૂળમાં આ કડીમાં પંક્તિઓનો ક્રમ ઊલટો છે.)

કહઇ બ્રાહ્મણ ‘એ માહરા રે કાંઈ, નૃપાધીન છઇ પ્રાણ રે,
કન્યાનઉ કહિવઉ કિસ્યું રે કાંઈ, પ્રભુ આગલિ ધરૂં આંણી રે. મ. ૧૫
ભાગ્ય ફલ્યઉ પુત્રી તણઉ રે કાંઈ, માહરઉ જાગ્યઉ ભાગ રે.’
કહઇ જિનહરખ ચઉથી થઈ રે કાંઈ, ઢાલ સુણઉ ધરિ રાગ રે. મ. ૧૬

સર્વગાથા ૮૧
દૂહા

‘સાથઇંલૈ નિજ પુત્રિકા', દ્વિજનઇ કહઇ મંત્રીસ,
મુંહુંતા સાથઇં આવીયઉ, ભેડ્યઉ તિણિ અવનીસ. ૧
આશીર્વાદ દેઈ કરી, બઇઠઉ આસણ દત્ત,
સહુ વાત મુંહુંતઇ કહી, બ્રાહ્મણ જેહઉગત્ત. ૨

કાલવિલંબ ન સહી સકઇ, આતુર થયઉ નરનાહ,
પરિણી બ્રાહ્મણપુત્રિકા, કરી ગાંધર્વવીવાહ. ૩
ઊંચઉ ઇણિ ઊપરિ સદા, સોહઇ અધિક આરામ,
દીધઉ રાજા તેહનઉ, આરામસોભા નામ. ૪

‘માહરઉ એ સુસરઉ થયઉ, હું નૃપ એ મસકીન,
તઉ મનમઇ સ્યું જાણિસઇ, એ સ્યું સગપણ કીન.’૫
બાર ગામ રાજા દીયા, સુસરાનઇ તિણિ વાર,
રાય વિસર્જ્યઉ માન સ્યું, કરી એહવઉ ઉપગાર. ૬

ઢાલ ૫ મહિદી રંગ લાગઉ એહની.

કુંજરખંધ આરોપિનઇ રે, રાણી નઇ રાજાન,
પુન્ય નિહાલિજ્યો, પુન્યઇફ્લઇ મનની આસ, પુ.
રાયરાણીનઇ ઊપરઇં રે, સોહઇ રે આરામ પ્રધાન. પુ. ૧
નગર સમીપઇ આવીયા રે, વિદ્યુતપ્રભા સ્યું રાય, પુ.
પુર સમસ્ત સોભા દીયઉ રે, સુરપુર સોહ દિખાય. પુ. ૨

રાણી સું રાજા હિવઇ રે, કિધઉ નગરપ્રવેસ,પુ.
તિણિ ખિણિ મિલીયા જોઇવા રે, નરનારી સુવિસેસ. પુ. ૩
પૂર્વકૃત ધર્મપ્રભાવથી રે, એહવી રાણી રાય, પુ.
પામી ઈંદ્રાણી જિસી રે, ધર્મ કરઉ ચિત લાય. પુ. ૪

ધન્ય રાજા ધરણી તલઇ રે, એહવઉ પુન્ય વિસેખ, પુ
પામી નારી પદમિની રે, ધર્મતણા ફલ દેખિ. પુ. ૫
ભોગવિસ્યઇ સુખ એહ સ્યું રે, ધનધન એ રાજાન, પુ.
એહવી નારિ ત્રિલોકમાં રે, નહી કોઇ રૂપનિધાન. પુ. ૬

બીજી રાણી બાપડી રે, થાસ્યઇ હિવઇ નિરાસ, પુ.
માન સહુનઉ ખોસિસ્યઇ રે, સહુનઇ કરિસ્યઇ હાસિ. પુ. ૭
આકાસઇં વન દેખિનઇ રે, ઇણિ પરિ બોલઇ બાલ, પુ.
‘આમ્રનારંગફલ રૂઅડા રે, દાડિમ દ્વાખ રસાલ. પુ. ૮

કૌતક ઊપાવઇ રહ્યઉ રે, , આકાસઇં આરામ, પુ.
એહના ફ્લ જઉ પામીયઇ રે, તઉ વારૂ થાઇ કામ.’પુ. ૯
સાંભલતા ઇમ દંપતી રે, શ્રવણે વિવિધ સંલાપ, પુ.
પરમ પ્રીતિસ્યું આવીયા રે સપ્તભૂમિ ગૃહ આપ. પુ.૧૦

દેવપ્રભાવઇંથિર રહ્યઉ રે, ઘર ઊપરિ આરામ, પુ.
ધર્મ કીયઉ પરભવ ઇણઇ રે, જોવઉ ફલ અભિરામ. પુ. ૧૧
વિવિધ લીલા સુખ ભોગવઇ રે, આરામસોભાસ્યું રાય, પુ.
કાલ જાતઉં જાણઇ નહી રે, ભોગી રહ્યઉ લપટાઇ. પુ. ૧૨

હિવઇ અગ્નિસર્મબ્રાહ્મણ પ્રિયા રે, પુત્રી આવી તારા, પુ
અનુક્રમિ યોવન પામીયઉ રે, રૂપકલાગુણવાસ. પુ. ૧૩
તેહની માતા ચીંતવઇ રે, આરામશોભા મૃત હોઇ. પુ.
તેહના ગુણ સું મોહીયલ રે, પરણઇ સેહનઇ જોઇ. પુ. ૧૪

સોકિ માઇ મન ચૌંતવઇ રે, ‘તઉ કરું કોઇ ઉપાઇ, પુ.
મારૂં તે કન્યા ભણી રે’, પતિનઇ કહઇ બોલાઇ. પુ. ૧૫
‘સ્વામી કાંઈક સૂંખડી રે, આરામસોભાનઇ કાજિ, પુ.
મૂંકઉ’ઢાલ થઇ પાંચમી રે, સુણઉ જિનહરખ સમાજ. પુ. ૧૬

સર્વગાથા ૧૦૩
દૂહા

‘મુંકલાવ્યા બહુ દિન થયા, બાઈનઇ મોરા કંત,
મેલ્હી નહી ચાતારિણી, ઇમ કિમ લાજ રહંત. ૧
બેટી જઉ સુખિણી હુવઇ, તઉ હી કરઇ પીહરની આસ,
નિજ ઘર સારૂં મોકલઉ, જિમ પામઉ સાબાસ’ ૨

બ્રાહ્મણ કહઇ રે ‘બ્રાહ્મણી, વાત કહી તઇં વાહ,
કરઇ કપૂરે કઉગલા, તેહનઇ સી પરવાહ. ૩
આપણ તાંણી કીજીયઇ તેહનઇ નાવઇ દાઇ,
નિબલઉ સબલાનઇ કરઇ, આટારેહણ જાઇ. ૪

જેહવઉ તેહવઉ તેહનઇ, વસ્તુ મોકલીયઇ કાઈ,
આંખ્યાંતલ આવઇ નહી, સામ્હઉ હાસી થાઈ.’૫

ઢાલ ૬ :

નત્થગઇ નત્થ ગઇ જાણઈ રે બલાઈ, આવઈ લઉ કેસરીયઉ મારૂ
લ્યાવઇ લઉ ઘડાઈ, મ્હાંરા હો કેસરી લાલ નત્થ રે ઘડાઇ. એહની.

ભટ્ટણી કહઈ‘રે ભટ્ટ સમઝિ ન કાઇ,
ઇમ કૃપણાઈ કરતાં સોભા કિમ થાઇ,
માહરા હો વાલ્હેસર નાહ વચન સુણઉ',
હિયા માહે પાલી મુખ દીવાલી દેખાઇ,
નારીના તઉ અવગુણ કિણઇં ન લખાઇ. મ્હા. ૧

આગ્રહ દેખીનઇ વિપ્ર ચિંતઇ ચિત્ત માંહિ,
‘સઉકિ પુત્રી સ્યું તઉ એહનઉ દ્વેષ દીસઇ નહિ, મ્હા.
હેત પાખઇં એતલઉ ન આગ્રહ કરાઈ,
પુત્રી કરી ત્રેવડઇ છઇ જિમ સગી માઇ.’મ્હા. ૨

બ્રાહ્મણ કહઇ‘રે તઉતું કાંઇક નીપાઇ,
સારી પ્યારી સૂંખડી જ્યું આપું તેહનઇ જાઈ. મ્હા.
તાહરઉ જસ વાધઇ જિમ માહરઉ વાધઇ વાન,
રાયપરિવાર રીઝઇ દેખી પકવાન.’મ્હા. ૩

મોદક બણાયા સિંહકેસરા પ્રધાન,
રૂડા રૂડા દ્રવ્ય મેલી મારવાનઉ ધ્યાન. મ્હા.
માહે વિખ ઘાતીયઉ ન જાણઇ જિમ કોઇ,
‘એહ ખાધાં પ્રાણ જાસ્યઇ' હરખિત હોઇ. મ્હા. ૪

કોરઉ એક આણી કુંભ માંહિ ઘાત્યા તેહ,
નાહનઇ પયંપઇ એમ આણી ઘણઉ નેહ, મ્હા.
‘માહરઉ વચન તુમે માનિજ્યો પ્રમાણ,
જાઈનઇ બાઈનઇ કાજઇ કહિજ્યો સુજાણ. મ્હા. ૫

પુત્રી, એતઉ લાડૂઆ મૂંક્યા છઇ તાહરી માઇ.
બીજાનઇ મ દેજે બાઈ પોતઇ તું હી જ ખાઇ, મ્હા.
જેહવા તેહવા લાડૂઆ એ નાવઇ કોનઇ દાઇ,
રાજકુલમાંહિ માહરી હાસી નવિ થાઇ. મ્હા. ૬
(
અહીં મૂળમાં ‘મ્હા. ૬' એમ ભૂલથી લખાયું છે.)

ગામડાના વાસી માંહઇ કેહઉ વિગન્યાન,
સહુકો ઇમ કહિસ્યઇ રહિસ્યઇ નહી માહરૌ માન', મ્હા.
કુટિલ પ્રણામ તેહનઉ જાણઇ નહી વિપ્ર,
ઘડઇ મુદ્રા દેઇ લેઈ ચાલ્યઉ તિહાં થકી ખિપ્ર. મ્હા. ૭

સૂયઇ તિહાં આપણઇ ઓસીસઇ ધરઇ કુંભ,
વાટ માહે ચલ્યઉ જાયઇ જોવતઉ અચંભ, મ્હા.
નગર સમીપ આવ્યઉ અનુક્રમિ તેહ,
પરિશ્રાંત થયઉ જાણી રવિ તાપ્યઉ દેહ. મ્હા. ૮

વડવૃક્ષ દેખી છાયા સીતલ નિહાલી,
તેહનઇ હેઠઇં આવી બઇઠઉ વિપ્ર સુકમાલ, મ્હા.
નયણાંમાંહે નીંદ આવી સૂતઉ દ્વિજરાજ,
નાગદેવ જાતઉ જાણ્યઉ પુત્રી કેરઇ કાજ. મ્હા. ૯

‘આરામસોભાનઇ કાજિ મારિવા ઉપાય,
વિષમિશ્રિત સિંહકેસરા લે જાઇ, મ્હા.
સઉકિ માતા પાપિણી એ સાપણી સમાન,
મૂંક્યઉ નાહ આપણઉ દેઈ ઘણઉ માન. મ્હા. ૧૦

મુઝ વિદ્યમાન છતાં મારઇ કુણ તાસ,
માહરઇ પુત્રી સમાન પૂરૂં તેહની આસ', મ્હા.
એહવું ચિત ચીંતવીનઇ સંબલ સહુ લેય,
સાનિધિકારી તે જાણઇ સગલઉ ભેય. મ્હા. ૧૧

તિણિ હી જ કુંભ માહે ઘાત્યા લેઇ અન્ય,
અમૃત સમાન સ્વાદ ખાસ્યઇ નર ધન્ય, મ્હા.
મોદક ત્રિલોક માહે એહવા ન હોઇ,
દેવ કીધા તેહ માહે અચરજ કોઇ. મ્હા. ૧૨

ઉંઘ લેઈ વિપ્ર જાગ્યઉ રાજદ્વારઇં જાઇ,
પોલીયાનઇ વાત કહી સહુ સમઝાઈ, મ્હા.
ઢાલ છઠી પૂરી થઈ સુણઉ નરનારિ,
પુન્ય રાખઇકહઇ જિનહરખ વિચારિ. મ્હા. ૧૩

સર્વગાથા ૧૨૧
દૂહા

પ્રતીહાર જાઈ કહ્યઉ, રાજાનઇ તિણિ વાર,
‘આવા દે બ્રાહ્મણ ભણી', આવ્યઉ નૃપ દરબાર. ૧
આવીનઇ રાજા ભણી, દીધી તિણી આસીસ,
બઇઠઉ આદર સ્યું તદા, આસણ દત્ત અવનીસ. ૨.

ઘટ રાજા આગલિ ધર્યઉ, પૂછ્યઉ કુશલકલ્યાણ,
‘સુપસાયઇ' (સ્યું પસાયઇં) મહારાયનઇ, કુશલ પુન્ય પરમાણ.’ ૩
નારીવચન સહૂ કહ્યા, આરામસોભાનઇ ગેહ,
રાયઇ ઘટ પઉહઉચાવીયઉ, ‘તુઝ મા મૂંક્યઉ એહ.' ૪

વસ્ત્ર અલંકારઇં કરી, કીધઉ બહુ સતકાર,
રાણીનઇ ઘરિ આવીયઉ, નૃપ ઊઠી તિણિ વાર. ૫

ઢાલ ૭ : કોઈ ભૂલઉ મન સમઝાવઇ રે એહની રાગ: સોરઠ

નૃપ દેખી ખુસી થઈ રાણી હો,
‘ભલઇં પધાર્યા બઇસઉ આસણ',
બોલઇ મીઠી વાણી હો. નૃ. ૧

બઇઠઉ રાય આગલિ રે બઇઠી, આરામસોભા કર જોડી હો,
‘તાત તુમ્હારઉ ભેટ લ્યાવ્યઉ છઇ, તે જોવઉનઇ છોડી હો.’૨
રાજાવચન સુણીનઇ રાણી, તતખિણ કુંભ ઊઘાડ્યઉ હો,
ગંધસુગંધ પ્રગટ થઈ ઘટથી, દેવસગતિ દેખાડ્યઉ હો. નૃ. ૩

અમૃતફલ સારીખા સખરા, મોટા મોદક દીઠા હો,
દેવ ભણી પિણિ મિલિવા દુર્લભ, મનનઇ ગમતા મીઠા હો. નૃ. ૪
રાજા દેખી વિસ્મય પામ્યઉ, રાણીનઇ ઇમ ભાખઇ હો,
‘એકેકઉ રાણીનઇમુંકઉ, જિમ તે મોદક ચાખઇ હો.’નૃ. ૫

એકેકઉ સગલી રાણીનઇ, મોદક ઘરિ પઉહઉચાયઉ હો,
સ્વાદુવંત તે ભક્ષણ કીધઉ, સહુનઇ હરખ ઉપાયઉ (ઉપાયઉ પાયઉ) હો. નૃ. ૬
‘જોવઉ એ વિજ્ઞાન અપૂરવ, આરામસોભાની માનઉ હો,
સ્વર્ગ તણા ફલ જિણે હરાવ્યા, ગુણ તે ન રહઇ છાનૌ હો. નૃ. ૭

સહુ અંતેઉરમાં જસ જેહનઉ, ભલઉ ભલઉ બોલાણઉ હો,
હરખી મનમઇં આરામસોભા, રાજ હેજ ભરાણઉ હો. નૃ. ૮
અગ્નિસર્મા રાજાનઇ ભાખઇ, વિનય કરી સિર નામી હો,
‘માહરઇં ઘરિ મુઝ પુત્રી મુંકઉ, મિલઇ માઇનઇ સ્વામી હો. નૃ. ૯

ઘણા દિવસ હૂઆ છઇમિલીયાં, માય ભણી ઊમાહઉ હો,
ચાતક જિમ ચાહઇ જલધરનઇ, તિમ ચાહઇ લ્યઇ લાહઉ હો.’નૃ.૧૦
રાય કહઇ‘સાંભલિ ભટ ભોલા, નૃપઘરિ-રીતિ ન જાણઇ હો,
નૃપની રાણી સૂર્ય ન દેખઇ, હુંસ કિસી મન આણઇ હો.’નૃ. ૧૧

બ્રાહ્મણ ચાલ્યઉ સીખ કરીનઇ, વાત કહી નારીનઇ હો,
‘સહુ રાણીનઇ મોદક મુંક્યા, જસ તુઝ થયઉ અપારી હો.’નૃ. ૧૨
પાપિણિ મન માહઇંઇમ ચિંતઇ, ‘માહરઉ કારજ ન થયઉ હો,
સપ્રભાવ વિષ નહી, એ ખોટઉ (પોટઉ), મોદક માંહે સમયઉ હો. નૃ. ૧૩

કરૂં પકવાન ફિરીનઇ બીજઉ, વિષ ઘાતું માહિં ઝાઝઉ હો,
તુરત પ્રાણ જાયઇ તે ખાતાં', જહર આણ્યઉ તિણિ તાજઉ હો. નૃ. ૧૪
ફીણા કીધા સખર સકોમલ, ખાંડ ગલેફ્યાં ચોખી હો,
સાત ઢાલ જિનહરખ નિહાલઉ, અપરમાય થઈ દોખી હો. નૃ. ૧૫

સર્વગાથા ૧૪૧
દૂહા

ખરઉ કામ કીધઉ તિણઇં, છાબ ભરી સુવિસાલ,
સ્વેત વસ્ત્ર મુદ્રિત કરી, પતિ મુંક્યઉ તતકાલ. ૧
વટતલ વલી સૂતઉ જઈ, દેવ હર્યઉ વિષ તાસ,
તિમ હી જ ભેટ્યઉ રાયનઇ, પામ્યઉ વલી સાબાસ. ર

નૃપકુલમઇશ્લાઘા થઈ, ચતુરાઈ વિજ્ઞાન,
ગ્રામ-તણી છઇ બ્રાહ્મણી, પિણિ વિદ્યાકલાનિધાન. ૩
વિપ્ર ઘરે આવ્યઉ ફિરી, નારીનઇ કહી વાત,
તાહરિ સોહ થઈ ઘણી, ઘણી થઈ વિખ્યાત. ૪

તેહ વચન સુણી પાપિણી, હીયડઇ દુખ ન સમાઇ,
મનમાં ચિંતા ઊપની, ‘અહલૌ જાઇ ઉપાઇ.’પ

ઢાલ ૮: માંનાં દરજણના ગીતની.

ગર્ભવતી તેહનઇ સુણી રે, વિપ્રવધૂ તિણિ કાજ,
વિષમિશ્રિત કાંઈક કર્યઉ, મૂંક્યઉ વલી તિહાં દ્વિજરાજ રે.
વિપ્રીની જોજ્યો, વાત રે સાવધાની હોજ્યો,
ધોજ્યો ધોજ્યો રે અંતરમલ સગલા ધોજ્યો. આં. ૧

સીખ દીધી વલી એહવી રે, ‘પુત્રી લ્યાજ્યો નાહ,
થાઇ પ્રસૂત આપણ ઘરે, તઉ વાધઇ મનઉછાહ રે. વિ. ૨
તુમ સાથઇં મુંકઇ નહી રે, તઉ થાજ્યો હુસીયાર,
બ્રહ્મતેજ દેખાલિજ્યો, કરિજ્યો બ્રાહ્મણ-આચાર રે.' વિ. ૩

ચાલ્યઉ બ્રાહ્મણ ઘર થકી રે, વલી હરીયઉ વિષ દેવ,
તિણિ હી જ પરિ સોભા થઇ, વિપ્ર કહઇ‘સાંભલિ નરદેવ રે. વિ. ૪
મુકલાવઉ પુત્રી ભણી રે, છઇ પ્રસૂતનઉ કામ,
માતા સૂવાવડિ કરઇ, લે જાજ્યો પછઇ નિજ ધામ રે. વિ. ૫

પહિલી સૂઆવડિ કરઇ રે, પુત્રી માનઇ ગેહ,
લોક તણી એ નીતિ છઇ, પાલી જોઈજઇ તેહ રે’. વિ. ૬
‘મુગ્ધ બ્રાહ્મણ સમઝઇ નહી રે, નરપતિની જે નારિ,
બાપઘરે પ્રસવઇ નહી, નવિ જાયઇ બાપનઇ બાર રે. વિ. ૭

તતખિણ પેટિ છુરી ધરી રે, બ્રાહ્મણ કહઇ‘સુણિ રાય,
બ્રહ્મહત્યા દેસ્યું તુનઇ, જેહથી દુરગતિમાં જાઇ રે.વિ. ૮
નૃપનઇ મંત્રી વીનવઇ રે, ‘ગૃથલ દીસઇ, મહારાય,
બ્રહ્મહત્યા એ આપિસ્યઇ, પાપઇ પ્રભુ પિંડ ભરાય રે. વિ. ૯

રાણી મુંકઉ તે ભણી રે’, માન્યઉ રાય વચન્ન,
સામગ્રી સહુ સજી કરી. મુકલાવી હરખ્યઉ મન્ન રે. વિ.૧૦
કૂપ ખણાવ્યઉ બ્રાહ્મણી રે, કેડઇ નિજ ઘર માહિ,
આવ્યઉ વિપ્ર વિભૂતિ સ્યું, પુત્રી સ્યું અધિક ઉછાહિ રે. વિ. ૧૧

કુટિલાશય માતા મિલી રે, પુત્રી હીયડઇ ભીડી,
‘હુતઉ વિયોગ બહુ દીહનઉ, આજ ભાગી સગલી પીડિ રે’ વિ. ૧૨
ઘરમાં શજ્યા પાથરી રે, આરામસોભાનઇ કાજિ,
ઢાલ થઇ એ આઠમી, સુણિજ્યો હિવઇ કહઇ જસરાજ રે. વિ. ૧૩

સર્વગાથા ૧૫૯
દૂહા

તે ભદ્રક જાણઇ નહી, માતા તણઉ વિરુદ્ધ,
મનમઇ જાણઇ એહવું, ધઉલઉ તેતલઉ દુદ્ધ. ૧
કપટ જાસ હીયડઇ નહી, મનમાં સરલ સભાવ,
કપટ ન જાણઇ પર તણઉં, ન લહઇ મનનઉ ભાવ. ૨

ઢાલઃ ઈંઢોણી ચોરી રે એહની.

પૂરણ દિવસ થયા તિસઇ, સુત જાયઉ રે,
પામ્યઉ હરખ અપાર, રાણી સુત જાયઉ રે,
તેજ તપઇ રવિ સારિખઉ, સુત જાયઉ રે,
જાણે દેવકુમાર. રા. ૧

ધવલમંગલ ગાયઇ ગોરડી, સુ. અવસર કેરી જાણ, રા.
ભુંગલ ભેરિ નફેરીયાં, સુ. વાજઇ ઢોલનીસાણ. રા. ૨
બાંટઇ બ્રાહ્મણ સીરણી, સુ. ગુલની ભેલી આંણી, રા.
રાજાઘરિ સુત આવીયઉ, સુ, પ્રગટ્યઉ જાણિ નિહાણ. રા. ૩

માઇ હુલરાવઇ પુત્રનઇ, સુ, ‘જીવે કોડિ વરીસ, રા.
થાજે કુલ આધાર તું’, સુ. ઇણિ પરિ દ્યઇ આસીસ. રા. ૪
જિમજિમ દેખઇ પુત્રનઇ, સુ. તિમતિમ રિદય ઉલાસ, રા.
‘મુઝ સરિખી નારી નહી, સુ. સુખ લહ્યાં વિલાસ’રા. ૫

સરીરચિંતાયઇં એકદા, સુ. અપર માત સંઘાત, રા.
ચાલી દીઠઉ આગલઇં, સુ કૂપ પૂછઇ તે વાત. રા. ૬
‘પહિલી કૂપ હુતઉ નહી, સુ. કદી ખણાવ્યઉ એહ, રા.
કહઇ તામ મલકી (મુલકી) કરી, સુ મન ઉપર લઇ નેહ. રા. ૭

‘તુઝ આગમ જાણી કરી, સુ. પુત્રી મઇ ઘર મજ્ઝ, રા.
કૂપક એહ કરાવીયૌ, સુ. પાણી કેરઇ કજ્જ. રા. ૮
પાણી આણ્યઉ જોઈયઇ, સુ. દૂર થકી તુઝ કાજ, રા.
વિસખેપાદિકનઇ ભયઇ, સુ.નૃપનારી સિરતાજ’. રા. ૯

સરલ ચિત્ત જાણ્યઉ ખરઉ, સુ. માતાવચન તહત્તિ, રા.
જોવઇ, નીચી કૂપનઇ, સુ. નાંખી તાસ તુરત્ત. રા. ૧૦
ફૂઆમાં પડતી થકી, સુ. સમર્યઉ નાગકુમાર, રા.
તુરત આવી હાથે ગ્રહી, સુ.મૂંકી કૂપ મઝારિ. રા. ૧૧

સુર કોપ્યઉ તે ઊપરઇં, સુ. ‘મારૂં પાપિણિ એહ’, રા.
આરામસોભા કહઇ‘માહરી, સુ. મા મા કોપ કરેહ.’રા. ૧૨
સુર પાતાલભુવન કીયઉ, સુ. કૂપ માહિ તતકાલ, રા.
સુંદર સજ્યા પાથરી, સુ. તિહાં થાપી સુકમાલ. રા. ૧૩

વન પિણિ કેડઇ તેહનઇ, સુ. કીધઉ કૂપપ્રવેસ, રા.
તેહની સુર સેવા કરઇ, સુ. પૂર સયલ વિસેસ. રા. ૧૪
જેહનઇ પુન્ય પોતઇ હુવઇ, સુ. મારી ન સકઇ કોઇ, રા.
ઢાલ જિનહરખ નવમી થઈ, સુ. રાગ (રત્ર) બેલાઉલ હોઇ. રા. ૧૫

સર્વગાથા ૧૭૬
દૂહા

પલ્યંકઇ તનયા નિજા, કરી પ્રસવિકાવેષ,
થાપી તિહાં પ્રતિચારિકા, આવી તેહનઇ દેખિ. ૧
ભાખઇ‘તેહવઉ સ્વામિની, દીસઇ નહી સરીર,
રૂપ ન દીસઇ તેહવઉ, મુખ દીસઇ નહી નીર.’ ૨

તે વલતું તેહનઇ કહઇ, ‘જાણું નહી કાઇ વાત,
સ્વસ્થ નહી વપુ માહરઉ, ચિંત રહઇ દિનરાતિ.’ ૩
તે જઈ માય ભણી કહ્યઉ, કપટણિ માતા તામ,
આવી હીયઉપછાડતી, સુતા સૂતી જિણિ ઠામ. ૪

કરઇ વિલાપ આવી કરી, ‘હા હા સ્યું થયઉ દેવ,
પુત્રીની એ સી દસા, અકસ્માત થઈ હેવ.’ ૫

ઢાલ ૧૦ (મૂળમાં ભૂલથી ઢાળક્રમાંક ૯ અપાયો છે.)
: મારી સખી રે સહેલી એહની.

“આણંદ માંહિ હુતી તું પહિલી, હિવઇ દીસઇ જાણે
ગહિલી રે, પુત્રી થયઉ એ સ્યું.
રૂપ હુતી તું દેવકુમારી, તેહવી ન દીસઇ સારી રે. પુ. ૧

રતન ભણી વિધિ ખોડ લગાડી, પદમિણિ નારિ બિગાડી રે, પુ.
કઇ તઉ નજરિ કોઈકની લાગી, વાત વેદન કઇ જાગી રે. પુ. ૨
રોગ પ્રસૂતિ તણઉ કઇ જાણું, વિજ્ઞ વૈદ્ય કોઇ આણું રે, પુ.
હું મન માહિ મનોરથ કરતી, પુત્રી પઉહચાવિસિ ઘરતી રે. પુ. ૩

ઘર સારૂ દેઈ વઉલાવિસિ, નૃપકુલસોભા પાઇસિ રે, પુ.
પુત્ર લેઇનઇ નિજ ઘરિ જાસ્યઇ, નૃપનઇ વાલ્હી થાસ્યઇ રે. પુ. ૪
ફોક મનોરથ સહુ થયા માહરા, સૂલ થયા એ તાહરા રે’, પુ.
તેડી વૈદ્ય કહઇ પિંડ્યાંણી, ‘કરઉ ઉપચાર પ્રમાણી રે.’ પુ. ૫

જોઇ નાડિ તઉ રોગ ન કોઇ, દેહની ચેષ્ટા જોઈ રે, પુ.
એહનઇ ઓષધ કોઈ ન લાગઇ, તઉ કિમ વેદન ભાગઇ રે. પુ. ૬
પાડલીપુરથી રાય પઠાયા, રાણી લેવાનઇ આયા રે, પુ.
પુત્રી આભરણે સોભાઇ, મંત્રી સાથિ ચલાઇ રે. પુ. ૭

‘વેવાહિણિ આરામ ન દીસઇ,તે વિણિ મન કિમ હીંસઇ રે’, પુ.
‘કૂપ ગયઉ જલ પીવા કાજઇ, ત્રિસીયઉ તે ન વિરાજઇ રે. પુ. ૮
પાછલિ તુમનઇ આવી મિલિસ્યઇ, તુમ ચાલઉ નવિ ખલિસ્યઇ રે’, પુ.
ચાલ્યા તિહાંથી સહુ નિરખંતા,પિણિ મન માહિ સચિંતા રે. પુ. ૯

જેતલઇ નગર સમીપઇ આયા, ખબર નરેસર પાયા રે, પુ.
પુર સિણગાર્યઉ રૂડી ભાંતઇં, આરામસોભાની ખાંતઇં રે. પુ. ૧૦
રૂપ નિહાલ્યઉ અંગજ કેરઉ, રાણી રૂપ અનેરઉ રે, પુ.
હરખસોક ઊપનઉ મન માહઇં, રાજાનઇ તિણિ ઠાહઇં રે. પુ.૧૧

રાજા પૂછ્યઉ મધુરી વાણી, ‘તુઝનઇસ્યું થયઉ રાણી રે’, પુ.
ચેટી કહઇ‘દેવીનઇ અંગઇં, દોષ થયઉ કોઈ સંગઇં રે’.પુ.૧૨
ખેદ ઘણઉ નિજ ચિત્તઇ પામી, પૂછઇઇમ નરસ્વામી રે, પુ.
‘પ્રિયા આરામ કિહાં નવિ દીસઇ, રહતઉ નિકટ નિસિદીસઇં રે.’પુ. ૧૩

કૃત્રિમ આરામસોભા ધારઇ, રાય ભણી કહઇ ત્યારઇં રે, રા.
‘વન પાણી પીવાનઇ કાજઇ, કેડિ રહ્યઉ, બહુ સાજઇ રે. રા. ૧૪
સમર્યઉ આવી ઊભઉ રહિસ્યઇ, પૂરવ સોભા લહિસ્યઇ રે,’ રા.
ઢાલ થઈ જિનહરખ એ દસમી, કરમ તણી ગતિ વિસમી રે. રા. ૧૫

સર્વગાથા ૧૯૬
દૂહા

વાત મિલઇ નહી સર્વથા, કહઇ ન બઇસઇ મન્ન,
રાજામન સંકિત થયઉ, એ તેહિ જ કઇ અન્ય. ૧
એ રાણી મુખ જોવતાં, નયણે ન વધઇ નેહ,
આરામસોભાનઉ સુખ હુતઉ, રાય ન પામઇ તેહ. ૨

આંબિલીએ ભાજઇ નહી, આંબા તણી રુહાડિ,
ચવલે ઘેવર નીપજઇ, તઉ ગોહુંની સી ચાડિ. ૩
મન ન મિલઇ રાજા તણઉ, નિસિદિન રહઇ ઉદાસ,
‘આરામસોભા એ નહી, છઇ કોઈ કપટવિલાસ.’ ૪

એક દિવસ રાજા કહઇ, ‘આણિ પ્રિયા આરામ',
‘સ્વામી અવસર આણિસું', નૃપનઇ ભાખઇ આમ. ૫

ઢાલ ૧૧ : કરમપરીક્ષા કરણ કુમર ચલ્યઉ રે એહની.

રાય વિચારઇ રે તેહનઇ દેખિનઇ રે, ‘આરામસોભા નહી એહ,
નિશ્ચઇ કાઇક બીજી કામિની રે, દેખી ન વધઇ નેહ.’રાગ. ૧
હિવઇ આરામસોભા કહઇ દેવનઇ, ‘બાલકવિરહ અત્યંત,
મુઝનઇ પીડઇ છઇ રે બાપજી રે, તે મઇં ખમ્યઉ રે ન જંત. રા. ૨

બાલકનઇ દેખું નયણેયથી રે, તિમ કરિ જિમ સુખ હોઇ,’
દેવ કહઇ‘માહરી સક્તઇં જઇ રે, નિજ અંગજનઇ જોઈ. રા. ૩
પિણિ તું આવે બહિનિ ઊતાવલી રે, વિણિ ઊગમતઇ સૂર,
જઉ આવિસિ સૂરજ ઊગા પછી રે, તઉ નહી થાઉ હજૂર. રા. ૪

તેહનઉ એ પ્રત્યય તું જાણિજે રે, તુજ વેણીથી નાગ,
પડિસ્યઇ પુત્રી એક મૂઅઉ થકઉ રે, તે દિનથી તું ત્યાગ.’રા. ૫
વચન પ્રમાણ કીયઉ બ્રાહ્મણસુતા રે, સુરપ્રભાવથી તામ,
તુરત જઈ બઇઠી આવાસમઈ રે, સુત સૂતઉ જિણિ ધામ. રા. ૬

કોમલ હાથે બાલક સંગ્રહી રે, ક્રીડા તાસ કરાઈ,
મનની હુંસ સંપૂરણ સહુ કરી રે, સુવરાયઉ ધવરાઈ. રા. ૭
પ્યારિ દિસે બાલકનઇં માવડી રે, પાથરીયા ફલફૂલ,
આણી પોતાના આરામથી રે, ગઈ નિજ ઠામ અભૂલ. રા. ૮

પ્રાતસમઇ સુતધાત્રીથી સુણ્યઉ રે, નૃપ દીઠઉ નયણેહ,
કૃત્રિમ રાણીનઇ ઇમ પૂછીયઉ રે, ‘સ્યું દીસઇ પ્રિયા, એહ.’રા. ૯
નૃપનઇ ભાખઇ રે રાણી કારિમી રે, ‘સમર્યઉ મઇં આરામ,
એ ફલફૂલ આણ્યા મઇં વાલહા રે, આરામથી સુત-કામ.’રા. ૧૦

‘તઉ તું સાંપ્રતિ આણિ સુંલક્ષણી રે, નૃપનઇ કહઇ સુસનેહ,
‘રાત્રઇ પ્રીતમ હું આણી સકું રે, દીસઇ નાવઇ તેહ.’રા. ૧૧
આરામસોભાની સગલી ચેસટા રે, દીઠી નરપતિ તામ,
‘પ્રાણપ્રિયા એ નિશ્ચઇ માહરી રે, કુણ કરઇ તે વિણિ કામ.’ રા.૧૨

ટલ્યઉ સંદેહ નૃપતિના મન તણઉરે, થયઉ પ્રમોદ અપાર,
તતખિણિ ઊઠ્યઉ તેહના ગેહથી રે, ચરિત્ર ન જાણઇ નારિ. રા. ૧૩
પ્રાત આરામસોભાની બહિનિનઇ રે, ઇણિ પરિ ભાખઈ રાય,
‘આજ આરામ સહીસ્યું આણિવઉ રે, બીજી વાત ન કાઇ.’ રા.૧૪

એહવું સુણી વચન રાજા તણઉ રે, થઈ વદન વિચ્છાય,
થઈ જિનહરખ ઢાળ ઇગ્યારમી રે, સહુનઇ આવી દાય. રા. ૧૫

સર્વગાથા ૨૧૬
દૂહા

વારવાર આપઇ કિસ્યું, ઉત્તર નૃપનઇ તેહ,
રહી અબોલી મુંક જિમ, પાછઉ ક્યું ન કહેહ. ૧
રાણી નિસિ ચઉથઇ પ્રહર, પૂર્વ પરઇં સહુ કીધ,
જાવાનઇ થઇ જેતલઇ, રાજા ઝાલી લીધ. ૨

રાય કહઇ‘સાંભલિ પ્રિયા, તુઝ મુઝ નેહ અપાર,
એતલા દિન છાની રહી, હિવઇ મુંકું નહી લાર. ૩
સ્યું દુખ દ્યઇ છઇ મુઝ ભણી, હે સુંદરિ બેકામ,
રાજકાજ સ્યા કામના, તુઝ વિણિ સૂના ધામ.’ ૪

આરામસોભા ‘કંતજી, દુખ દ્યુંતુમનઇ કેમ,
તુમે હીયડાના હાર છઉ, તુમનઇ થાઅઉ ખેમ. ૫

ઢાલ ૧૨ : મોતીના ગીતની

કારણ છઈ કાંઇક ઈહાં સ્વામી. તિણિ આવી ન સકું હિતકામી,
સાહિબા જાવા દ્યઉનઇ સનેહી પ્રીતમ, જાવા દ્યઉ જી.
હિવણાં અવસર નહી રહિવાનઉ, વચન પીયાજી સાચઉ માનઉ.’ સા. ૧

રાય કહઇ‘કારણ કહિ રાણી, વિણિ કહીયાં ન ભખું અંનપાણી, સા.
મુઝ આગલિ રાખઇ સ્યું છાનઉ, છાનઉ રાખઇ તઉ સ્નેહ કિસ્યાનઉ.’ સા. ૨
‘કાલ્હિ કહિસિ હું સગલું તુમનઇ, હિવઇ તઉ સીખ સમાપઉ અમનઇ. સા.
મુઝ ઊપરિ જઉ હિત રાખઉછૌ, ઘણુંઘણું તઉસ્યું ભાખઉ છઉ.’સા. ૩

ઇમ સુણિ રાજા બોલઇ વાણી, ‘પ્રેમપરાયણ સાંભલિ રાણી, સા.
કરગત ચિંતામણિ કુણ મૂંકઇ, એ અવસર પામી કુણ ચૂકઇ. સા. ૪
હિવણાં કારણ કહિ મુઝ આગઇ, પ્રાણપીયારી જિમ હિત જાગઇ.’સા.
‘કારણ પૂછઉ છઉ પ્રભુ મુઝનઇ, સુણિ પછતાવઉ થાસ્યઇ તુઝનઇ. સા. ૫

મુઝનઇ પિણિ સ્વામી, દુખ થાસ્યઇ, માહરઉ વયણ રસાતલ જાસ્યઇ,’સા.
‘વયણ દીયઉ તઇં કેહનઇ રાણી, કહી ચાહીજઇ એહ કહાણી.’સા. ૬
બહુ પરિ રાણી નૃપ સમઝાયઉ, પિણિ હઠ ઝાલી રહ્યઉ સવાયઉ, સા.
હઉણહાર તે ટાલી ન ટલઇ, કોડિ ઉપાયઇં સબલઇ નિબલઇ. સા. ૭

મૂલ થકી દાખવીયઉ સગલઉ, અપરમાયનઉ વિલસિત અવલઉ, સા.
જેતલઇ રાણી કહિવા લાગી, રવિ ઊગઉ પરજા સહુ જાગી. સા. ૮
છૂટી સ્યામમનોહર વેણી, જેતલઇ બાંધઇ મિરગાનેંણી, સા.
તેતલઇ ખિણ ઇક માહઇં પડીયઉ, મૂઅઉ ભુજંગમ નયણે ચડીયઉ. સા. ૯

દેખી ‘હા હા તાત' કહંતી, ‘તુમ સરણઇ નિર્ભય હું રહતી, સા.
હું નિરભાગિણિ તઇં મુઝ છોડી, તઇં મુઝનઇ દુખનઇ રથ જોડી. સા.૧૦
હિવઇ કેહનઉ થાસ્યઇ મુઝ સરણઉ, કુણ થાસ્યઇ મુઝ દુખનઉ હરણઉ', સા.
ઊંચઇ સ્વર ઇણિ પરિ વિલપંતી, મૂર્છિત ભૂમિ પડી ગુણવંતી. સા.૧૧

છાંટી સીતલ ચંદણ વાયઇં, રાણી સંજ્ઞા ચેત લહાયઇં, સા.
નૃપ કહઇ, ‘ખેદ કરઇ સ્યા માટઇ, તાહરઉ ખેદ હીયઉ મુઝ કાટઇ’. સા.૧૨
નાગકુમાર વૃતાંત સુણાયઉ, રાજા દુખ મન માહે પાયઉ, સા.
‘મઇ પૂછ્યઉ ફોકટ હઠ તાણી, મુઝનઇ બહુ પરિ વાર્યઉ રાણી.’સા. ૧૩

હરખવિષાદ થયઉ રાણીનઇ, રહી તિહાં નિજ મન તાણીનઇ, સા.
દ્વિજકન્યોપરિ ક્રોધ સાંધીનઇ, કસપ્રહાર દ્યઇ નૃપ બાંધીનઇ. સા. ૧૪
તેતલઇ આરામસોભા આઈ, વીનવઇ ચરણે સીસ લગાઈ, સા.
બારમી ઢાલ થઈ સુખકારી, કહઇ જિનહરખ સુણઉ નરનારી. સા. ૧૫

સર્વગાથા ૨૩૬
દૂહા

સ્વામી ભગિની માહરી, કૃપા કરીનઇમૂંકિ,
નારીનઇ મારઇ નહી, ઘણી પડઇ જઉ ચૂક. ૧
મુઝ ઊપરિ કરુણા કરી, આપઉ નિર્ભય-દાન,
દોસ એહનઉ કો નહી, માય દીયઉ એ માન.’ ૨

રાય કહઇ‘એ નારિનઉ, જુગતઉ કર્ત્તન કાન,
મુંકી તુઝ વચનઇં કરી, તું મુઝ જીવ સમાન.’૩
નરનાયક નિજ નર ભણી, દીધઉ ઇમ આદેસ,
‘બાર ગામ લ્યઉ અપહરી, બ્રાહ્મણના સુવિસેસ. ૪

કાઢઉ માહરા દેસથી, પાપિણિ તેહની નારિ,
હોઠ કાન નઇ નાસિકા, છેદો વચન વિચારી.’ ૫

ઢાલ ૧૩: ઘરિ આવઉં જી આંબઉ મોરીયઉ એહની

હિવઇ જનનીજનક મૂંકાવીયા, રાણી રાજાનઇ પાસિ,
છેદ્યઉ ભેદ્યઉ ચંદનતરૂ, કરઇ સુરભ કુઠારનઉ આસ. હિ. ૧
રાજારાણી સુખ ભોગવઇ, બેના જાણે એક પ્રાણ,
સંવચ્છર જાઇ દિવસ સમઉ, દિન જાયઇ ઘડી પ્રમાણ. હિ. ૨

વીછડીયાં મેલઉ વાલહઉ, સુખ માહિ ગમઇ ઇમ કાલ,
કેતલાઇક દિન ઇમ વઉલીયા, નિજ પરજાનઉ પ્રતિપાલ. હિ. ૩
નૃપ પાસઇ બઇઠી અન્યદા, નૃપપત્ની અવસર એણઇં,
‘આપણ પહિલી દુખીયા થઈ,હિવઇણા સુખીયા થયા કેણઇં. હિ. ૪

થયઉ એ વિપાક કિણિ કર્મનઉ, પૂછીજઇ તે વિરતાંત,
અતિસય જ્ઞાની આવઈ કિમઈ, તઉ ભાંજીજઈ મનભ્રાંત.’હિ. ૫
નૃપ ભાખઇ‘જઉ એહવઉ હુવઇ, તઉ વારૂ થાયઇ, રાણી'
બે વાત કરઇ જેતલઇ મિલી, વનપાલ આવી કહઇ વાણી. હિ. ૬
(
મૂળમાં ‘પ’છે)

‘મહારાય સુણઉ મુઝ વીનતી, ચંદનવન નામ ઉદ્યાન,
ચઉનાણી મુનીવર આવીયા, છત્રીસ ગુણે સુપ્રધાન. હિ. ૭
(
મૂળમાં ‘૬' છે)
પંચસય મુનિવર સ્યું પરિવર્યા, નરખેચરપૂજિત પાય,
વીરચંદ્રસૂરીશ્વર ગુણભર્યા, દૂહવઇ નહી જે ખટકાય. હિ. ૮

પંચ મહાવ્રત જે સૂધા ધરઇ, પંચ કિરિયા દૂરઇં ટાલઇ,
પંચ સમિતિ ગુપતિ નિતિ સાચવઇ, મુખવાણી અમૃત ખાલઇ. (ખાલ) હિ. ૯
કાલઇ નિજ કિરિયા સાચવઇ, કાલઇ કરઇ જેહ સઝાય,
કાલઇ આહારની ખપ કરઇ, તપ કરિ સોષઇ નિજ કાય.’હિ. ૧૦

જિણિ દીધ વધાઈ એહવી, તેહનઇ દેઇ દાન અપાર,
રાજાયઇં વિસર્જ્યઉ માલીનઇ, મન માહે કરઇ વિચાર. હિ. ૧૧
‘ચીંતવીયઉ મુઝ મનનઉ થયઉ, હિવઇ જાગ્યઉ અધિક સનેહ,
મુંહુંના માંગ્યા પાસા ઢલ્યા, વલી દૂધઇં વૂઠા (ચૂઠા) મેહ.’હિ. ૧૨

રાણીનઇ નૃપ વાણી કહઇ, ‘થયા સફલ મનોરથ આજ,
જે ગુરુની વાટ નિહાલતા, તે આવ્યા શ્રી મુનિરાજ.’હિ. ૧૩
મઇંગલ સિણગાર્યા મલપતાં, જાણે એરાવણ અવતાર,
ગાજંતા મદઝરતા થકા, સેનાના જે સિણગાર. હિ. ૧૪

દેસદેસના અસ્વ સુહામણા, સોવન સાકત સુપ્રમાણ,
ચંચલ ગતિ ઝાલ્યા નવિ રહઇ, પૂઠિ મોતીજડિત પલાણ. હિ. ૧૫
રથ પાયક પાર ન પામીયઇ, નીસાણ નગારે તોર,
જિનહરખ ઢાલ થઈ તેરમી, સિર સેષ ખમઇ નહી જોર. હિ. ૧૬

સર્વગાથા ૨૫૭
દૂહા

રાજા ચાલ્યઉ વાંદિવા, બઇસી ગયવરસીસ,
માથઇ છત્ર ધરાવતઉ, ધરતઉ ચિત્ત જગીસ. ૧
ઊમરાવ ચાકરનફર, અંતેઉર પરિવાર,
નગરલોક પિણિ અતિઘણા, નાવઇ તેહનઉ પાર. ૨

આચારજ જિહાં ઊતર્યા. આવ્યા તિણિ વન માહિ,
નૃપ હાથીથી ઊતર્યઉ વધતઇ અંગ ઉછાહિ. ૩
છત્ર ચમર મૂંક્યા પરા, સચિત વસ્તુનઉ ત્યાગ,
ખડુ પાનહી મુંકીયા, ગુરુમુખ સ્યું ધર્યઉ રાગ. ૪

યથા સ્થાન બઇઠા સહુ, ગુરુને ચરણે લાગી,
મુનિ આરંભી દેસણા, સુણઇ તેહનઉ ભાગ. ૫

ઢાલ ૧૪ : સાધુજી ભલઇ પધાર્યા આજ એહની.

નરનાયક નર સાંભલઇ જી, શ્રી ગુરુનઉ ઉપદેસ,
મીઠઉ અમૃત સારિખઉ જી, તેહથી અધિક વિસેસ. ૧
જગતના ઉપગારી મુનિરાય, નિતિ નમતાં પાતક જાઇ, જ. આં.
‘ઇણિ સંસાર અસારમાં જી, સાર અછઇ જિનધર્મ,
ધર્મ કરઇ જે પ્રાણીયા જી, તેહના તૂટઇ કર્મ. જ. ૨

કર્મ જીવ સ્યું મિલિ રહ્યા જી, જિમ ઘૃત દૂધ પ્રમાણ,
વેરીનઇ કરઇ જૂજૂઆ જી, જિનવાણીના જાણ. જ. ૩
જિનવાણી પ્રાણી સુણઇ જી, આણી ભાવ અપાર,
જાણી ખાણી ગુણ તણી જી સુણઉ લહઉ જિમ પાર. જ. ૪

સુખ પામીજઇ ધર્મથી જી, લહીયઇ ઉત્તમ જાતિ,
વિદ્યાજ્ઞાન આરોગ્યતા જી, અદભૂત રૂપ વિખ્યાત. જ. પ
લખમી લહીયઇ ધરમથી જી, બલ સોભાગ્ય અનૂપ,
પ્રિયસંગમ જસ નિર્મલઉ જી, માનઇ મોટા ભૂપ. જ. ૬

સ્વર્ગ અનઇ અપવર્ગના જી, લહીયઇ સુખ્ય અનંત,
કરઉ જતન જિનધર્મના જી, ગ્યાની જે ગુણવંત. જ. ૭
ઉત્કૃષ્ટઉ મંગલ કહ્યઉ જી, ધર્મ એક જિનરાય,
સર્વ જીવનઉ પાલિવઉ જી, પ્રથમ લક્ષણ કહવાય. જ. ૮

પંચાશ્રવથી વિરમવઉ જી, ઇંદ્રિય પંચ નિરોધ,
મન વચન કાયાનઇ દમઇ જી, જ્ય કષાય વિરોધ. જ. ૯
સતર ભેદ સંયમ તણા જી, તપના બાર પ્રકાર,
અણસણ વલી ઊણોદરી જી, વૃત્તિસંખેપ મન ધારિ. જ. ૧૦

રસત્યાગ કરિવઉ તથા જી, સહિવા કાયકલેસ,
પાંચે ઈંદ્રી ગોપવઇ જી, એ તપ બાહ્ય વિસેસ. જ.૧૧
આલોઅણ ગુરુદત્તં કરઇજી, તે કહીયઇ પ્રાયછત્ત,
આચાર્યાદિકનઉ વિનઇ જી, વેયાવચ્ચ પવિત્ત. જ. ૧૨

પંચ પ્રકાર સઝાયના જી, ધર્મધ્યાન સુકલ ધ્યાન,
કાયોચ્છર્ગ નિશ્ચલ રહઇ જી, અંતરંગ તપવાન. જ. ૧૩
ત્રિણ લક્ષણ એ ધર્મના જી, આરાહઇ ચિત લાઇ,
ધર્મ વસઇ જેહનઇ હીયઇ જી, દેવ નમઇ તસુ પાય.’જ.૧૪

દીધી એહવી દેસણા જી, બૂઝ્યા ધર્મી જીવ,
ઢાલ થઈ એ ચઉદમી જી, કહઇ જિનહરખ સદીવ. જ. ૧૫

સર્વગાથા ૨૭૭
દુહા

ઇણિ અવસર પૂછઇ (
પૂઠઇ) હિવઇ, આરામસોભા નૃપનારિ,
ચરણ નમી શ્રી ગુરુ તણા, પ્રભુ વીનતિ અવધારિ. ૧
પૂરવ ભવમઇ સ્યા કીયાં, કર્મ, સંસય મુજ ચૂરિ,
સહુ સભા સુણતાં થકાં, ત્યક્તભૂરિ કહઇ સૂરિ. ૨

‘બાઇ સાંભલિ જીવનઇ, સુખદુઃખ આપઇ કર્મ,
કર્મ તણા ચાલા સહુ, મ કરઉ જાણી અધર્મ. ૩
તે માટઈ કહું તાહરી, કર્મ તણી હું વાત,
સાવધાન થઇ સાંભલઉ, છોડી વિકથા તાત. ૪

ઢાલ ૧૫ : સૂવટીયા રે સૂવટા ભાઇ વાગડ વૂઠા મેહ રે.
પાણી વિણિ વાહઇ વાઉ સૂવટીયા રે એહની.

સુણિ બહિનીહે બહિની મોરી
ઇણિ હી જ ભરંત મઝારિ હે, ચંપાનયરી રિધિ ભરી,
મોરી બહિની હે સુણિ બહિની હે,
બહિની મોરી ધન કરી ધનદ સમાન હે,
કુલધર નામઇ સુભચરી. મો.સુ.બ. ૧

સુગુણ સરૂપ સુજાણ હે, સતકુલ આનંદદાઇની, મો.સુ.બ.
પુત્રી થઇ તસુ સાત હે, કૂખિ વધારી માઇની. મો.સુ.બ. ૨
પ્રથમ કુસલક્ષી નામ હે, પદ્માવતી કમલાવતી. મો.સુ.બ.
ચઉથી લખમી જાણિ હે, શ્રી યશોદેવી ગુણવતી. મો.સુ.બ. ૩

પ્રિયકારિણી એ સાત હે, પરિણાવી સાતે સુતા, મો.સુ.બ.
ઇભ્યઘરે ધનધાર હે, ભાગ્યઇં સુખ પામ્યાં છતા. મો.સુ.બ. ૪
કુલધરનઇ વલી ગેહ હે, પુત્રી આઈ આઠમી, મો.સુ.બ.
ભાગ્યવિવર્જિત તેહ હે, માતાપિતાનઇ નવિ ગમી. મો.સુ.બ. ૫

જનમી કન્યા જામહે. માતાપિતા દુખ પામીયઉ, મો.સુ.બ.
દીધઉ નહી તસુ નામ હે,આદર પિણિ કોઈ નવિ કીયઉ. મો.સુ.બ.૬
મોટી થઈ તે બાલ હે, ભરજોવન તિણિ પામીયઉ, મો.સુ.બ.
પરિણાવઇ નહી તાત હે, દૈવદંડ મોટઉ દીયઉ. મો.સુ.બ. ૭

બહુ પુત્રી ન સુહાઇ હે, થોડી તિમ વાલ્હી ઘણું, મો.સુ.બ.
કુલધરનઇ કહઇ લોક હે, ‘વીવાહ કરઇ ન ક્યું એ તણું.’મો.સુ.બ. ૮
કન્યા પરિણી સાત હે, ધનવંતાં સુખીયાં ઘરે, મો.સુ.બ.
ઈછા વિણિ તે સેઠિ હે, વરચિંતા મન આદરઇ. મો.સુ.બ. ૯

‘જઉ આવઇ નર કોઇ હે, કન્યા સરિખઉ વર બનઇ, મો.સુ.બ.
ભાગ્યહીણ ગુણહીણ હે, ગલઇ વિલગાડું તેહનઇ.’મો.સુ.બ. ૧૦
ઇક દિન સેઠિ નઇ હાટ, મારગશ્રમસંતાવીયઉ, મો.સુ.બ.
મઇલા ચીવર અંગ, પંથી કોઇક આવીયઉ. મો.સુ.બ.૧૧

સેઠિ પૂછઇ‘સ્યું નામ હે, જાતિ કિસી કહિ તાહરી, મો.સુ.બ.
વસઇ કિહાં કિણિ ગામ, કિમ આવ્યઉ દાખવિ ચરી.’ મો.સુ.બ. ૧૨
તેહ કહઇ‘સુણિ સેઠિ, કોસલા નગરી હું રહું, મો.સુ.બ.
નંદિ વણિકનઉ પૂત હે, સોમા મુઝ જણિણી કહું. મો.સુ.બ.૧૩

નંદન માહરઉ નામ હે, ધન ઘરનઉ નીઠ્યૌ સહુ, મો.સુ.બ.
ચોડ દેસ ગયઉ તામ હે, ધન ઊપાવેવા બહુ. મો.સુ.બ. ૧૪
દરિદ્ર ન મુંકઇ કેડિ, મન માનઇ જાવઉ તિહાં,’ મો.સુ.બ.
કહઇ જિનહરખ રસાલ હે, ઢાલ પનરમી થઈઇહાં. મો.સુ.બ. ૧૫

સર્વગાથા ૨૯૬
દૂહા

‘ધન તઉ મઈ પામ્યઉ નહી, મેલ્હુ પિણિ નહી માન,
નિજ જનપદ જાઊં નહી, નિર્ધન મૃતક સમાન. ૧
પરની સેવાથી કરું, આજીવિકા અસેસ,
જઉ ધન હુઇ તઉ ઘર ભલઉ, નહીતઉ ભલઉ વિદેસ. ૨

વસું તિહાં પરદેસમઇ, પેટભરાઇ થાઇ,
વખત વિના ધન નવિ મિલઇ, જઇ કરઇ કોડિ ઉપાઇ. ૩
વસંતદેવ વિવહારીયઉ, તિહાં કરઇ વિણજવિલાસ,
લેખ દેઈ તિણી મુંકીયઉ, શ્રીદત્ત સેઠિનઇ પાસિ. ૪

દેખાલઉ ઘર તેહનઉ, લેખ જાઇ હું તાસ’
કુલધર મનમઇ ચીંતવઇ. ‘પુત્રી એ વર ખાસ. ૫

ઢાલ ૧૬ : કપૂર હવઇ અતિ ઊજલઉ રે એહની.

અભિમાની એ વાણીયઉ રે, વૈદેસિક ધનહિણ,
મુઝ પુત્રી સ્યું પાલિસ્યઇ રે, પ્રીતિ સદા લયલીણ રે. ૧

વારૂં જોતાં મિલીયૌ એહ,
પરણાઊં એહનઇ હિવઇ રે, એહ ન દેસ્યઇ છેહ રે’. વા.આં.
ઇમ ચિંતવી તેહનઇ કહઇ રે, ‘માહરા મિત્રનઇ તાત,
લેખ દેઈતુઝ મોકલ્યઉ રે’, તેહનઇ કહઇઇમ વાત રે. વા. ૨
‘અવસ્ય આવે મુઝ મંદિરઇ રે’, નર દીધઉ એક સાથિ.
નંદન શ્રીદત્ત સેઠિનઇ રે, જઈ પત્ર દીધઉ હાથ રે. વા. ૩

કુલધરનઇ ઘરિ આવીયઉ રે, તાસ કરાવ્યઉ સ્નાન,
વસ્ત્ર ભલા પહિરાવીયા રે, જીમાવ્યઉ પકવાન રે. વા. ૪
‘પરિણિસિ તું મુઝ દીકરી રે, નંદન સુણિ ગુણવંત’,
‘ચૌડ દેસઇં મુઝ જાઇવઉ રે, લેઈ લેખ ઉદંત રે. વા. ૫

‘મુઝ પુત્રી પરિણી કરી રે, લેઈ જાજે પરદેસ,
મુંકિસિ બહુ જતને કરી રે, સંબલ સાથઇ દેસિ રે’. વા. ૬
વચન માન્યઉ નંદન તદા રે, નિજ કન્યા પરણાઇ,
શ્રીદત્તઇ પિણિ પૂછીયઉ રે, ‘નંદન રહિસિ ઇણિ ઠાઇ રે. વા. ૭

સુખઇં રહઇ તઉ રહી ઈહાં રે, નર મુંકિસિ કોઈ અન્ય',
નંદન કહઇ‘સેઠિ સાંભલઉ રે, હું જાઇસિ છઇ મન્ન રે’. વા. ૮
સુસરા પાસઇ આવીયઉ રે, ‘મુકલાવઉ મુઝ તાત,
ચૌડ દેસઇં હું જાઇસ્યું રે, માનઉ માહરી વાત રે’ વા. ૯

કુલધર સેઠિ કહઇ ઇસ્યું રે, ‘સુખ થાયઇ કરિ તેમ,
નિજ નારી લેઈ ચલઉ રે, ધરિજ્યો ઇણિ સ્યું પ્રેમ રે’. વા. ૧૦
લેખ લેઈ શ્રીદત્તનઉ રે, નિજ નારી સંઘાત,
કુલધર સંબલ આપીયઉ રે, ઊઠિ ચલ્યઉ પરભાત રે. વા. ૧૧

ઊજેણી આવ્યઉ ચલી રે, મનમઇ કરઇ વિચાર,
‘લઘુ પ્રયાણે ચાલવૌ રે, સાથઇં અબલા નારિ રે. વા. ૧૨
સંબલ તઉ તૂટઉ ઘણઉ રે, કિમ પઉહઉચાસ્યઇથેટ,
સૂતી મુકું એહનઇ રે, પૂરઉ ન પડઇ નેટ રે. વા. ૧૩

પગબંધણ નારી તણઉ રે, સીઘ્ર ગતઇં ન ચલાઇ (ચહાઇ),
મુઝ પરદેસઇ જાઇવઉ રે, સ્ત્રી મુંક્યાં સુખ થાઇ રે.’વા. ૧૪
એહવું ચીંતવી ચિત્તમઇ રે, નંદન કહઇ‘સુણિ નારિ’,
ઢાલ થઇ એ સોલમી રે, કહું જિનહરખ વિચાર રે. વા. ૧૫

સર્વગાથા ૩૧૬
દૂહા

‘સંબલ તઉ ખૂટઉ પ્રિયે, અજી જાઇવઉં દૂરિ,
હિવઇ ભિક્ષા કરિવી હુસ્યઇ, પેટ તણઉ નહી પૂર.’ ૧
‘તુઝ કેડઇ લાગી’ કહઇ, ‘ચાલિસિ હું તુઝ સાથિ,
મૂંકઇ નહી ભરતારનઈ, કુલસ્ત્રીનઇ પતિ આથિ.’ ૨

રાતિ પથિકશાલા વિષઇ, સૂતા બે નરનારિ,
સંબલ સહુ લેઈ ગયઉ, સ્ત્રી મૂંકી નિરધાર. ૩
પ્રાતસમઇ જાગી પ્રિયા, પતિ દેખઇ નહી પાસિ,
સંબલ પિણિ દેખઇ નહી, જાણ્યઉ પતિ ગયઉ નાસી. ૪

‘બાપ ઘરે જઉં જાઈયઇ, તઉ આદર ન દીયઇ કોઇ,
હિવઇ મુ સરણઉ કેહનઉ, બઇઠી સગલઉ ખોઈ. ૫

ઢાલ ૧૭: અરજ સુણીજઇ રૂડા રાજીયા હો જી,
ગરૂઆ બાહુ જિર્ણોદ એહની.

કંતા કંતા, છોડી ગયઉ એકલી હો રાજિ, નાવી મહિર લિગાર,
પરિણી પોતાની તરુણી કામિની હો રાજિ, તુઝનઇ તુઝનઇ ચૂક પડી ઇણિ વાર. કં. ૧

માહરઇ માહરઇ બાપઇ રે દીધી તુઝ ભણી હો રાજિ, રૂડઉ રૂડઉ વીંદ નિહાલી,
મઇં પિણિ મઇં પિણિ તુઝનઇ આદર્યઉ હો રાજિ, જાણી આંબાની ડાલિ. કં. ૨
આંબઉ આંબઉ ફીટી થયઉ આકડઉ હો રાજિ, સર સેવ્યઉ ચિરકાલ,
પહિલી પહિલી ચાંચ ચચૂકડઇ હો રાજિ, ઊગટીયઉ સેવાલ. કં. ૩

છોડઇ છોડઇ માતપિતા ભણી હો રાજિ, છોડઇ સહુ પરિવાર,
છેહઉ છેહઉદ્યઇ વાલ્હા ભણિ હો રાજિ, છોડઇ છોડઇ નહી પિણિ નારી. કં. ૪
ભારણિ ભારણિ લાગી નાહલા હો રાજિ, દોહિલઉ દેવઉ ધાન,
દોહિલી નારિ સંબાહતાં હો રાજિ, ગલીયા ગલીયા બલદ સમાન. કં. ૫

ફિટ રે ફિટ રે કંત કુલખ્યણા હો રાજિ ફિટિ ફિટિ તાહરી જાતિ,
નિગુણા નારિ છોડી ગયઉ હો રાજિ, વારૂ ન કીધી વાત. કં. ૬
એહવઉ એહવઉ કાયર જઉ હુતઉ હો રાજિ, તઉ પરિણી મુઝ કાંઈ,
સૂતી સૂતી છોડી છલ દેખિનઇ હો રાજિ, દોસ કિસઉ મુઝ માંહિ. કં. ૭

નર તઉ નર તઉ ઇમ ન કરઇ કદી હો રાજિ, જેહનઇ મુંહુંડઇ હુઇ લાજ,
નીલજ નીલજ તઉ લાજઇ નહી હો રાજિ, કરતા નિખરા કાજ. કં. ૮
અબલા અબલા હિવઇ હું તઉ સ્યું કરૂં હો રાજિ, કિમ રહિસ્યઇ મુઝ લાજ,
દુખિયા દુખિયા નઇ દોભાગીયાં હો રાજિ, મરણ ન દ્યઇ મહારાજ. કં.૯

નિગુણાં નિગુણાં નઉ નેહ ત્રિણાનઉ તાપણઉ હો રાજિ, દીજઇ સીસ ઊતારિ,
તઉ હી તઉ હી ન હુવઇ આપણઉ હો રાજિ, મઇ જાણ્યઉ ઇણિ વાર. કં.૧૦
પીહરમાં તઉ મૂલથી હો રાજિ, આદર ન હુતઉ કોઇ,
દીધી દીધી પરદેસીનઇ હુતી હો રાજિ, છેહ દેઈ ગયઉ સોઇ. કં. ૧૧

દુખિણી બાપ ઘરે હુતી હો રાજિ, કોઈ ન કરતઉ સાર,
વગડા વગડાના વૃક્ષ તણી પરઇ હો રાજિ, ઇમ હી વધી નિરધાર. કં. ૧૨
બાલા બાલાપણ કાં મુઈ નહી હો રાજિ, રહી દુઃખ દેખણ કાજિ,
હા હા હા હા સ્યું વિણસાડ્યઉ તાહરઉ હો રાજિ, દુખ દીધઉ મહારાજ.' કં. ૧૩

નયણે આંસૂધારા પડઇ હો રાજિ, જિમ પાણી પરનાલ,
હીયડઉ ફાટઇ દુખભર્યઉ હો રાજિ, રોવઇ રોવઇ અબલા બાલ. કં. ૧૪
‘આવ્યઉ આવ્યું કરમ માહરઇ ઉદઇ હો રાજિ, તેહના ફલ એ જાણિ',
પૂરી પૂરી જિનહરખઇં કરી હો રાજિ, સતરમી ઢાલ વખાણ. કં. ૧૫

સર્વગાથા ૩૩૬
દૂહા

ઇમ વિલાપ કીધા ઘણા, વલી સમઝાયઉ મન્ન,
‘સ્યા વિલાપ કીજઇ હિવઇ, રાખું સીલરતન્ન’. ૧
ઇમ ચીંતવી કીધઉ તિણઇં, ઊજેણી પરવેસ,
પિણિ કોઈ નવિ ઓલખઇ, આઈ પડી પરદેસ. ૨

પરદેસી પરદેસમાં, કિણિ સ્યું મેલઇ ધાત,
સેરી સેરી હીંડતાં, કોઈ ન પૂછઇ વાત. ૩
મનમાં કરઇ વિચારણા, ‘માહરઉઈહાં ન કોઇ,
કેહનઇ ઘરિ જાઈ રહું, કિહાં મુઝ આદર હોઇ. ૪

પુરુષ કચોલા કનકના, નારી રાંધ્યઉ ધાન,
સહુકો લાગૂ તેહના, ઊગરીયઇ કિણિ થાન. ૫

ઢાલ ૧૮ : મહાવિદેહ ખેત્ર સુહામણી એહની.

કોઈક ઘર સુભ દેખિનઇ, ઉત્તમ પુરુષ નિહાલી લાલ રે,
ચરણે લાગી તેહનૈ, હાથ જોડી તતકાલ લાલ રે. કો. ૧
કરઇ વીનતી તેહનઇ, ‘દીન અનાથ હું નારિ લાલ રે,
હું સરણઇ તુઝ તાતજી, આવી કરિ ઉપગાર લાલ રે. કો. ૨

ચંપા નગરીમાં વસઇ, કુલધર માહરો તાત લાલ રે,
ચૌડ દેસ હું સાંચરી, મુઝ પ્રીતમ સંઘાત લાલ રે. કો. ૩
ભ્રષ્ટ થઈ હું સાથથી, પ્રિઉનઉ થયઉ વિયોગ લાલ રે,
સરણઇ આવી તાહરઇ, તુમ્હે છઉ સરણાયોગ લાલ રે. કો. ૪

પુન્યવંત સિરજ્યા તુમે, પુન્ય કરેવા કાજિ લાલ રે,
ઉપગારી છઉ સેઠિજી, તુમનઇ છઇ મોરી લાજ લાલ રે.’કો. ૫
વિનયવચન રીઝ્ યૌ સુણી, માણિભદ્ર નામઇં સેઠિ લાલ રે,
‘પુત્રી રહિ તું મુઝ ઘરે, કરિ મુઝ ઘરિની વેઠ લાલ રે.’કો. ૬

જીભઇ મીઠઉ બોલીયઇ, મીઠઇ બોલ્યઇ ગુણ હોઇ લાલ રે,
પરમાં આદર પામીયઇ, રાજી હુઇ સહુ કોઈ લાલ રે. કો. ૭
માણિભદ્રનઇ ઘરિ રહી, કરઇ સહુ ઘરકામ લાલ રે,
ઘરના માણસમાં ઘણી, વાધી જેહની મામ લાલ રે. કો. ૮

સેઠઇં ચાકર મેલ્હીયા, સાથિ જોવાનઇ કાજિ લાલ રે,
સાથ કિહાં દીઠઉ નહી, સુણી પિણિ નહી આવાજ લાલ રે. કો. ૯
કુલધરનઇ નર મોકલ્યઉ, કુલધરપુત્રી સુદ્ધિ લાલ રે,
તિહાં જઈનઇ પૂછીયઉ, જેહની અધિકી બુદ્ધિ લાલ રે. કો. ૧૦

‘સેઠિ સુતા તુઝ કેતલી, પરિણી કુમારી ભાખિ લાલ રે,
વરિવા તુઝ પુત્રી ભણી, સેઠઇ મુંકી સહુ સાખિ લાલ રે’કો. ૧૧
કુલધર કહઇ‘ભાઇ સુણૌ, આઠ કન્યા મુઝ ગેહ લાલ રે,
સાત કન્યા પરિણી ઈહાં, સહુ ગુણવંતી તેહ લાલ રે. કો. ૧૨

ચૌડવાસી એક વાણીયઉ, આઠમી કન્યા તાસ લાલ રે,
પરિણાવી ભરતારનઇ, સાથિ ચલી ઉલાસ લાલ રે. કો. ૧૩
બીજી કન્યા છઇ નહી, સગપણ થાયઇ કેમ લાલ રે’,
આવી માણિભદ્રનઇ કહ્યઉ, કુલધર ભાખ્યઉ જેમ લાલ રે. કો. ૧૪

‘કુલધરકન્યા એ સહી, પતિનઉ થયઉ (ઠયઉ) વિછોહ લાલ રે’,
કહઇ જિનહરખ અઢારમી, ઢાલઇ સહુ ધરઇ મોહ લાલ રે. કો. ૧૫

સર્વગાથા ૩૫૬
દૂહા

ગૌરવ તાસ કરઇ ઘણઉ, ઉત્તમ નારી જાણી,
ભલા બાપની દીકરી, દૈવઇં દીધી આંણી. ૧
તિણિ નારી પિણિ રીઝવ્યા, ઘરના સગલા લોક,
વિનય કરી સહુ વસિ કીયા, નિજ મન ગમીયઉ સોક. ૨

માણિભદ્ર કરાવીયઉ, જિનપ્રાસાદ ઉત્તંગ,
કુલધર કેરી દીકરી, દેવગૃહ મનરંગ. ૩
ઉપલેપન મંડન પ્રમુખ, સહૂ કરઇ વ્યાપાર,
નિજ કૃતારથ માનતી, ધરતી હરખ અપાર. ૪

સાધુસાધવીયોગથી, જીવાજીવાદિક જાણી,
વિરતી તે મિથ્યાત્વથી, જૈનવચન સુપ્રમાણ. ૫

ઢાલ ૧૯ :
થાઇ માથઇ કસબી પાગ સોનારી છોગલઉ મારૂજી એહની.

સુધ શ્રાવકનઉ ધર્મ પામી થઈ તે શ્રાવિકા વારૂ જી,
જિનમતના જાણઇ ભેદ સહૂ તે ઠાવકા વારૂ જી,
જે ધન આપઇ સેઠિ જિનેશ્વર દેહરઇ,
ભાવઇ તાસ ડરાવઇ વાદિત્ત મન સરઇ. વા. ૧

ધન પામ્યઉ જઉ ભૂરિ કનકમણિમય તદા, વા.
છત્રત્રય જિનસીસ કરાવ્યા તિણી મુદા, વા.
શ્રી જિનવરની ભક્તિ પૂજા નિતિ સાચવઇ, વા.
સ્તવના જિનરાજ તણી કરિ નિજ મન રીઝવઇ. વા. ૨

કીધી તિણિ તપની રાસિ ઉલાસ ધરી ઘણઉ, વા.
ઊજમણઉ પિણિ બહુ ભાંતિ કીયઉ નિજ તપ તણઉ, વા.
સાહમીવાછલ્ય કીધઉ સક્તઇં સુંદરી, વા.
સ્વાધ્યાય વિદ્યા અભ્યાસ કરઇ બહુ ગુણભરી. વા. ૩

એક દિવસ ચિંતાતુર દીઠઉ સેઠિ ભણી તિણઇં, વા.
‘ચિંતાનઉ કારણ તાત કહઉ મુઝ' ઇમ ભણઇ, વા.
‘દિલગીર કદી નવિ દીઠા તુમનઇ તાત જી, વા.
છાની મનની જે હોઈ કહઉ મુઝ વાત જી.' વા. ૪

‘સુણિ' સેઠિ કહઇ રે ‘પુત્રી ચિંતા છઇ ઘણી, વા.
ચિંતા ભાંજઇ તે આગલિ કહીયઇ આપણી’ વા.
આગ્રહ કરી પૂછ્યઉ તામ કહઇ‘સુણિ દીકરી, વા.
નૃપ અર્પિત આરામ મુનઇં ઊલટ ધરી. વા. ૫

ફલકૂલે કરી પૂરિત સોભા અતિઘણી, વા.
સૂકઉ આજ નિહાલ્યઉ મઇં તે વન ભણી, વા.
કીધા ભૂરિ ઉપાય ફલ્યઉફૂલ્યઉ નહી, વા.
ઇણિ કારણિ હે પુત્રી મુઝ ચિંતા છઇ સહી’ વા. ૬

એહવું સાંભલિ સેઠિ ભણી કહઇ તે ઇસ્યું, વા.
‘એહ વાતનઉ ખેદ કરઉ મનમઇ કિસ્યું, વા.
સીલપ્રભાવઇં શ્રીજિનચૈત્ય નવઉ કરૂં, વા.
દીઠાં હોઈ આણંદ ફલેફૂલે ભરૂં. વા. ૭

જાં લગિ એ વન આલઉનીલઉ હુવઇ નહી, વા.
તાં લગિ ચ્યારિ આહાર ન કરિવા મઇ સહી', વા.
સેઠઈ વારી તઉ પિણિ કીધી આખડી, વા.
‘વિષય પ્રતિજ્ઞા પલિસ્યઇ કિમ કહિ એવડી.’ વા. ૮

મન એકાગ્ર કરી નિજ ચિત્ત માહે ધરી, વા.
સાસનદેવી ધ્યાન હીયામાં આદરી, વા.
શ્રી જિનમંદિરદ્વાર જઈ ઊભી રહી, વા.
કુલધરકન્યા ધન્યા મનમાં ગહગહી. વા. ૯

ત્રીજઇ દિવસઇં રાત્રિ આવી સાસનસુરી, વા.
‘કહિ વછે કિમ તઇં કષ્ટક્રિયા એ આદરી', વા.
‘સૂકઉ જિનઆરામ કહઉ કિણિ કારણઇં,’વા.
‘દુષ્ટ વિંતરનઉ કૃત્ય’સુરી ઇણિ પરિ ભણઇ. વા. ૧૦

‘નવપલ્લવ આરામ કરઉ તુમે દેવતા, વા.
ફલફૂલે કરી સહિત પંખીવ્રજ સેવતા,’વા.
‘તાહરા સીલપ્રભાવઇ પુત્રી થાઇસ્યઇ, વા.
વિંતર તણઉ પ્રકોપ સહુ ટલી જાઇસ્યઇ. વા. ૧૧

અઠમ તપ કીધઉ તઇં હિવઇ તે તું પારિજે, વા.
થાસ્યઇ કારજસિદ્ધિ હીયાંમઇંધારિજે', વા.
ઇમ કહિનઇ ગઈ દેવી થાનક આપણઇ, વા.
રાતિ ગઇ પરભાત થયઉ હરખઇં ઘણઇ. વા. ૧૨

ઊગઉ રવિ પરકાસ થયઉ જગમઇં સહુ, વા.
વાત કહી નિસિ સેઠિ ભણી હરખ્યઉ બહુ, વા.
નયણ થયા ઉતફુલ્લિત હીયડઉ ગહગહ્યઉ, વા.
ઢાલ થઈ જિનહરખ અઢારઇ ઇમ કહ્યઉ. વા. ૧૩
(
ખરેખર આ ૧૯મી ઢાળ છે. પછી એક ઢાળની ભૂલ છેક સુધી આવ્યા કરેછે, જે અહીં સુધારી લીધી છે. )

સર્વગાથા ૩૭૪
દૂહા

આરામ સેઠિ જોવા ગયઉ, ફૂલ્યઉ ફલીયઉ દીઠ,
ખુસી થયઉ મનમઇં (મને મનમઇં) ઘણું, નયણે અમીય પઇઠ. ૧
બાઈ આગલિ આવિનઈ, શ્રેષ્ટી ભાખઇ એમ,
‘તુઝ પ્રભાવઇ હે સુતા, વન ફલીયઉ થયઉ ખેમ. ૨

ઊઠિ હિવઇ કરિ પારણઉ, મુઝનઇ જિમ સુખ હોઈ,
તું મુઝ ઘરિ કુલદેવતા, માંનઇ તુઝ સહુ કોઇ.’૩
(
મૂળમાં આ અને પછીની કડીના ક્રમાંક ૪ અને ૫ છે.)

લોક ખુસી થઈનઇ કહઇ, ‘જોવઉ સીલપ્રભાવ,
સૂકઉ વન નીલઉ થયઉ, એહનઇ પુન્યપસાવ.' ૪

ઢાલ ૨૦ : વાલ્હેસર મુઝ વીનતી ગોડીચા એહની.

લોક બોલઇ જસ જેહનઉ, ગુણવંતી,‘ધન એહનઉ અવતાર રે ગુણવંતી નારિ,
સુંદર જીવિત એહનઉ, ગુ. દેવ કરઇ જસુ સાર રે, ગુણવંતી નારિ. લો. ૧
સીલસિરોમણિ સુંદરી, ગુ. મુખ દીઠાં દુખ જાઇ રે, ગુ.
એહનઇ ચરણજલઇં કરી, ગુ. કાયા નિરમલ થાઇ રે. ગુ લો. ૨

માણિભદ્ર પિણિ પુન્યાતમા, ગુ. જેહના ઘરમાં એહ રે, ગુ.
રયણચિંતામણિ સારિખી, ગુ. વસઇ નિરંતર જેહ રે.’ગુ. લો. ૩
શ્રવણે સુણતી આપણઉ, ગુ. લોકમુખઇં જસવાસ રે, ગુ.
બહુ આદરસ્યું તે ગઈ, ગુ. સેઠ તણઇ આવાસ રે. ગુ.લો. ૪

સાધુ ભણી પ્રતિલાભિનઇ, ગુ. પારણ કીધઉ તામ રે, ગુ.
સેઠિ વિચારઇ, એહથી, ગુ. માહરી વાધી મામ રે.” ગુ.લો. ૫
સુખઇં રહઇ ઘરમાં સદા, ગુ. સહુ કરઇ જીજીકાર રે, ગુ.
કોઈ ન ખંડઇ આગન્યા, ગુ. સહુ થયઉ નિજ પરિવાર રે, ગુ. લો. ૬

અન્ય દિવસ સૂતી નિસા, ગુ. જાગી અંતિમ રાતિ રે, ગુ.
પૂર્વવૃતાંત સંભારિનઇ, ગુ. ચિંતઇ મનમઇ વાત રે. ગુ. લો. ૭
(
મૂળમાં ‘રે’ નથી)

‘ધન ધન તે સંસારમાં, ગુ.વિષય તજ્યા વિખ જાણી રે’, ગુ.
સંયમમારગ આદર્યઉ, ગુ. તપ કિરિયા ગુણ ખાણિ રે. ગુ. લો. ૮
બત્રીસ કોડિ ધન પરિહર્યઉ, ગુ.છોડી બત્રીસ નારિ રે, ગુ.
તપ કરી ભવ સફલઉ કીયઉ, ગુ. ધન ધન્નઉ અણગાર રે. ગુ.લો. ૯

થાવચ્ચાસુત ઇણિ પરઇં, ગુ. દેખી મરણ સરૂપ રે, ગુ.
પંચ મહાવ્રત આદર્યા, ગુ. પડીયઉ નહી ભવકૂપ રે. ગુ.લો. ૧૦
અભિગ્રહ પાલ્યઉ આકરઉ, ગુ. ખટ માસ ન મિલ્યઉ આહાર રે, ગુ.
વ્રત પાલી મુગતઇં ગયઉ, ગુ. ધન ઢંઢણાકુમાર રે. ગુ.લો.૧૧

પ્રત્યક્ષ દેખી બૂઝીયા, ગુ. ચ્યારે પ્રત્યેક બુદ્ધ રે, ગુ.
સંયમ સ્યું મુગતઇં ગયા, ગુ. પામ્યા સુખ વિસુદ્ધ રે. ગુ.લો.૧૨
કોડિ નિવાણું ધન તજ્યઉ, ગુ. વસિ પડીયઉ નહી નારિ રે, ગુ.
ચરમ કેવલી મહામુનિ, ગુ. ધન ધન જંબૂકુમાર રે. ગુ. લો. ૧૩

ઇત્યાદિક મુનિવર ઘણા, ગુ. છોડી રાજ્ય ભંડાર રે, ગુ.
તપ સંયમ કિરિયા કરી, ગુ. પઉહતા મુગતિ મઝાર રે. ગુ. લો. ૧૪
જીવિત ધન ધન તેહના, ગુ, સફલ કીયઉ અવતાર રે,’ગુ.
ઢાલ થઇ ઉગણીસમી (ખરેખર ‘વીસમી’ જોઇએ),
ગુ. કહી જિનહરખ વિચારી રે. ગુ. લો. ૧૫
 
સર્વગાથા ૩૯૩
દૂહા

‘આગલિ તક એહવા થયા, મોટ સાધુ મહંત,
છતી રિદ્ધિ છોડી કરી, કીધઉ ભવનઉ અંત. ૧
સંયમ લેઇ થઈ સાધવી, મોટી મોટી નારિ,
શ્રેણિક કૃષ્ણ મહારાયની, પામી ભવનઉ પાર. ૨

કામભોગ સુખ છઈ નહી, પરઘર આસ નિવાસ,
તઉ હી ન છોડી હું સકું, મધુબિંદૂ આવિલાસ.' ૩

ઢાલ ૨૧ : બહુ નેહભરી એહની.

મનમઇં ચિંતઇ તે નારી, ‘સુખ પામ્યા નહી સંસારી રે.
ગુરૂ વાત કહઇ,
એતઉ પાપ વિટંબણ જાણઉ, કામભોગ સહુ દુખટાણઉ રે. ગુ. ૧
પિણિ એતલઇ હું પુન્યવંતી, પામ્યઉ જિનધર્મ ભમંતી રે, ગુ.
પાલી ન સકું હું દીક્ષા, ઘરિ ઘરિ માંગેવી ભીક્ષા રે. ગુ. ૨

ગૃહવાસ રહી ધર્મ કરિસ્યું, શ્રાવક વ્રત સૂધા ધરિસ્યું રે, ગુ.
દુક્કર તપ કાયા તપિસ્યું, વલી નવપદ ધ્યાનઇં જપિસ્યું રે. ગુ. ૩
ત્રસ જીવ જાણી ન વિરાધું, આતમ ઈંદ્રી નિજ સાધું રે, ગુ.
સંસારસમુદ્ર ઇમ તરિસ્યું, પુન્ય કરી પોતઉ ભરિસ્યું રે’ ગુ. ૪

માંડ્યઉ તપ કરિવા તીણઇં, છોડી તનમમતા જીણઇ રે, ગુ.
અધમાસ માસ દોઇમાસી, તપ કરતાં મન ન વિમાસિ રે. ગુ. ૫
અનુક્રમિ તનુકૃસતા કીધૌ, અંતકાલઇ અણસણ લીધઉ રે, ગુ.
તે નારી મરીય સમાધઇ, સૌધર્મઇં સુરપદ સાધઇ રે. ગુ. ૬

તિહાંથી ચવી થઈ પવિત્રી, વિદ્યુતપ્રભા વિપ્રપુત્રી રે,
માણિભદ્ર થયઉ સુર દૂઅઉ, પહિલી ચવિમાણ હુઅઉ રે. ગુ. ૭
મરીનૈ થયઉ નાગકુમારો, તુઝ કીધઉ જિણિ ઉપગારો રે, ગુ.
કુલધર-ઘરિ રહી અબૂઝી, અજ્ઞાન મિથ્યાત્વઇં મૂંઝી રે. ગુ. ૮

સુણિ તાસ વિપાક એ બાઈ, પૂર્વઇ દુખપીડા પાઈ રે, ગુ.
રહી માણિભદ્રનઇ ગેહઇં, જિનધર્મ સ્યું અધિક સનેહઇં રે. ગુ. ૯
પામ્યા તઇ તાસ પ્રભાવઇં, સુખ ઉત્તર ઉત્તર આવઇ રે, ગુ.
જે તઇં જિનગૃહ આરામો રે, કીધઉ નવપલ્લવ તામો રે.ગુ. ૧૦

આરામ મહાસુખદાઈ, ચાલઇ તુઝ કેડિ સદાઈ રે. ગુ.
જિનનઇ ત્રિણ છત્ર ચડાયા, તિણિ પુન્યઇં બઇસઇ છાયા રે. ગુ. ૧૧
પૂજાના જે અંગ દીધા, ગ્રહણા પામ્યા સુપ્રસીધા રે. ગુ.
જિનભક્તિ ઘણી તઇં કીધી, રાજ્યશ્રી ઇચ્છા સીધી રે. ગુ. ૧૨

રાજાનઇ વલ્લભ હૂઈ, ખિણિ માત્ર રહઇ નહી જૂઈ રે, ગુ.
અનુક્રમિ મોક્ષના ફલ મિલિસ્યઇ, જિનભક્તિ ઘણું તુઝ ફલિસ્યઇ રે.’ગુ. ૧૩
ગુરુની સાંભલિ ઇમ વાણી, તતખિણિ મૂર્છાણી રાણી રે, ગુ.
ચંદણજલ અંગ પખાલઇ, ચેતન પામી તતકાલઇં રે. ગુ. ૧૪

વીનતી કરઇ ચરણે લાગી, સૂરીસરનઇં મનરાગી રે, ગુ.
વીસમી (ખરેખર ‘એકવીસમી’ જોઇએ) એ ઢાલ પ્રકાસી, જિનહરખ સુણઉ સુખ થાસી રે. ગુ.૧૫

સર્વગાથા ૪૧૧
દૂહા

રાણી કર જોડી કહઇ, ‘જ્ઞાનઇ કરી મુનિરાય,
તુમે કહ્યઉ તે નિરખીયઉ, સ્વામી તુમ સુપસાય. ૧
સુણી તુમ્હારી દેસણા, ભાગી મનની ભ્રાંતિ,
જીવ ભમઇ સંસારમઇં, કિહાં ન પામઇ સાંતિ. ૨

સાંતિસુધારસ મુનિધરમ, જેહથી લહઇ નેરાંતિ,
સિદ્ધ તણા સુખ પામીયઇ, જિહાં ઝલહલતી કાંતિ. ૩

ઢાલ ૨૨ : મોરી બહિની કહિ કાઇ અચરજ વાત એહની.

સંસારથી હું ઊભંગી, હિવઇ લેઇસિ દીક્ષા સાર,
તુમ ચરણપંકજ-મધુકરી, પામિસિ ભવનઉ પાર. ૧
પ્રીતમ સાંભલઉ માહરા વાલ્હા પ્રાણ, તુમે સહુ વાતના જાણ,
તુમનઇ કહું છું વાણિ, મુઝ ઊપરિ હિત આણિ, અનુમતિ દ્યઉ સુપ્રમાણ.' પ્રી. ૨

રાણીવચન રાય સાંભલી, સંસાર જાણિ અસાર,
‘ઘર માંહિ હિવઇ હું નવિ રહું, લેઇસિ હું વ્રતભાર. પ્રી. ૩
જેતલઇ રાણીસુત ભણી, હું મલયસુંદર નામ,
તેહનઇ રાજ્ય દેઈ કરી, આવું વ્રતનઇ કામ' પ્રી. ૪

ગુરુરાજચરણે લાગિનઇ, ઘર આવી સુતનઇ રાજિ,
દેઈ મહોછવ સ્યું તદા, સાધન કરિવા કાજ. પ્રી. ૫

આરામસોભા રાગિની, સંયુક્ત ગુરુનઇ પાસિ,
વ્રત લીયઉ થયઉ હરખિત હીયઉ, પામ્યઉ અધિક ઉલ્લાસ. પ્રી. ૬
સિદ્ધાંત સર્વ મુખઇં ભણ્યા, સંવેગ ગુણ સંયુક્ત,
મુનિરાજ નિજ પદ થાપીયઉ, જાણી યોગ્યતા-ભક્ત. પ્રી. ૭

આરામસોભા સાધવી, ગીતાર્થ ગુણ સંપૂર્ણ,
પદ દીયઉ સુગુરુ પ્રવત્તિની, સદ્દગુણરંજિત તૂર્ણ. પ્રી. ૮
બહુ ભાવિકજન પ્રતિબોધીયા, બહુ દેસ કીધ વિહાર,
આચાર્ય અવસર જાણિનઇ, અણસણ કીધઉ ઉદાર. પ્રી. ૯

સુખમરણ પામી બે જણા, સુરલોક પામ્યઉ જાણિ,
તિહાંથી ચવીનઇ ઊપના, નરગતિ માંહિ વખાણિ. પ્રી. ૧૦
ઇમ દેવનરભવ કેઈ કરી, પહુચિસ્યઇ મુગતિ મઝારિ,
ઇમ ભક્તિ તીર્થંકર તણી, ફલ સાંભલિ ચિત ધારી. પ્રી. ૧૧

આરામસોભાની પરઇં, તુમે કરઉ જિનવરભક્તિ,
સુખ લહઉ રહઉ સંસારમાં, આગલિ પામઉ મુક્તિ. પ્રી. ૧૨
સતર એકસઠઇ સમઇ, સુદિ જેઠિની તિથિ ત્રીજ,
એ રાસ સંપૂરણ કીયઉ, થયઉ નિરમલ બોધિબીજ. પ્રી. ૧૩

શ્રી ગચ્છ ખરતર તાસ પતિ, શ્રી સુગુરુ જિનચંદ્રસૂરિ,
શ્રી શાંતિહર્ષ વાચક તણઉ, કહઇ જિનહરખ સનૂર. પ્રી. ૧૪
એ રાસની ગાથા ચ્યારિ સઇ, ઊપરઇં ઉગુણત્રીસ,
જિનહરખ પાટણમાં રચ્યઉ, ઢાલ થઇ એકવીસ.(ખરેખર ‘બાવીસ’ જોઇએ)પ્રી. ૧૫

સર્વગાથા ૪૨૯

સંવત ૧૭૬૦ વર્ષે જ્યેષ્ટ સુદિ ૩ દિને શ્રીપત્તન મધ્યે
લિખિતો જિનહર્ષેણ આરામસોભારાસઃ સંપૂર્ણ:
ઇતિશ્રી સમ્યકત્વ પૂજાવિષયે આરામસોભા મહાસતી રાસઃ

સમાપ્તઃ
ગ્રંથાગ્ર શ્લોકસંખ્યા ૫૭૭


0 comments


Leave comment