2 - પરિચય / આરામશોભારાસ (જિનહર્ષકૃત) / સંપાદક : જયંત કોઠારી, કીર્તિદા શાહ


      જિનહર્ષ જૈન સંપ્રદાયના પ્રતિભાશાળી, ઉદારદૃષ્ટિ વિદ્વાન સાધુ હતા. તપાગચ્છના જૈન સાધુ સત્યવિજયના નિર્વાણને અનુલક્ષીને તેમણે રાસ રચ્યો છે તે એમની ઉદાર દૃષ્ટિ સૂચવે છે. શતાધિક કૃતિઓમાં વિસ્તરતા એમના વિપુલ સર્જનમાં ગુજરાતી ઉપરાંત રાજસ્થાની-હિંદી કૃતિઓનો તેમજ સંખ્યાબંધ રાસાઓ ઉપરાંત વીશીઓ, છત્રીસીઓ, સઝાયો, સ્તવનો આદિ અનેક કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. કથાસાહિત્યમાં એમનું પ્રદાન જૈનેતર સાહિત્યમાં શામળના પ્રદાનનું સ્મરણ કરાવે એવું છે. પરંપરાપ્રાપ્ત સર્વ કથાવિષયોને એમણે આવરી લીધા છે અને કથાકથન, વર્ણન, સંવાદ, અલંકારનિયોજન વગેરેની નોંધપાત્ર શક્તિ એમણે બતાવી છે. રૂઢિપ્રયોગમૂલક વાક્ કૌશલ, લયઢાળનું વૈવિધ્ય અને સંગીતની અભિજ્ઞતા એમની વધારે ધ્યાન ખેંચતી લાક્ષણિકતાઓ છે. આ રીતે ધર્મબોધથી પ્રેરાયેલી જિનહર્ષની કૃતિઓ સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવે છે.


0 comments


Leave comment