3.2.1.1.2 - કૃષિ / આરંભિક તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   પ્રકૃતિથી ભિન્ન એવા કૃષિભાવનું નિરૂપણ રાવજી તેના નિજી લોહીના લયથી કરે છે. કૃષિ તેની પર્યાવસના છે અને તેથી જ તેનાં કૃષિવિષયક સંવેદનો એક નવી જ ભાતશૈલી ઊભી કરે છે.

   અલસ મંથર સીમની બપોરી વેળાનું કૃષિ-ચિત્ર કવિ મનોહારિતાપૂર્વક નિરૂપે છે :
વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે...
જાગે સૂર્ય એકલો.
('અંગત', ‘કવિતા – રમ્ય શાંતિ’)
   તો બપોરી વેળાના શાંતિ-ચિત્રનું રમ્ય આલેખન પણ તેમની કલમે સાંપડે છે.
‘બપોરી વેળની શાંતિ બેસતી આ અહીં તહીં
ગુંજતી ગુંજતી પેલાં નેનમાં ગૈ કપોતનાં’
('અંગત', ‘કવિતા – ઘરમાં બેઠાં બેઠાં’)
   ગામમાંથી સીમમાં ગયેલા પશુધનના અન્વયે ખાલી ખાલી લાગતા ગામનું સંવેદનચિત્ર કવિ કંઈક આમ આકારે છે :
‘ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ.'
('અંગત', ‘કવિતા – પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ’)
   તો તે જ કાવ્યમાં ગામડા ગામના પનઘટે ગૃહકાર્યની ઉતાવળ અનુભવતી ખેડુ-નારીનું ચિત્ર આબાદ રીતે પ્રતીક સંયોજના દ્વારા કંડારે છે.
ઉતાવળી ગરગડી થઈ કો'ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે.
(‘અંગત’, ‘કવિતા – પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ’)
   આમ, કૃષિ અસબાબને કવિએ વિલક્ષણ ભાવસંવેદના દ્વારા અભિવ્યક્ત કર્યો છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment