12 - ગીતમાં ગીતત્વ અને કાવ્યત્વ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ
ગીતતત્વ સાથે ‘કાવ્ય’નો સંબંધ સ્પષ્ટ કરતાં ચંદ્રકાન્ત શેઠ કાવ્યગત શબ્દના ઉચ્ચારણની, એની નાદગતિની અનંતવિધ શક્યતાઓ બતાવી છે. તેમણે કહેલું કે કાવ્યમાં શબ્દ-ઉચ્ચારની ત્રણ ભૂમિકાઓ જોઈ શકાય :
– શબ્દની છંદોલયરહિત ઉચ્ચારણની ભૂમિકા.– શબ્દની છંદોલયુક્ત ઉચ્ચારણની ભૂમિકા– શબ્દની સંગીત સાથેની (સૂર, તાલ, રાગીયતા સાથેની)ઉચ્ચારણની ભૂમિકા.• કોઈપણ શબ્દરચનાને ગાવાનો પ્રશ્ન આવે ત્યાંથી આપણાગીતપ્રદેશની અલગ ચર્ચા પ્રસ્તુત બને છે.• કેટલીક રચનાઓમાં પઠન યા ઉચ્ચારણ કેવળ પર્યાપ્ત નાલાગે તેવી રચનાઓ ગાવી પડે છે, જેમાં સંગીતનો અનુપ્રવેશ અપેક્ષિત હોય છે. સંગીતનું આગમન કવિના શબ્દને પ્રગટ કરવા માટેનો અવકાશ પૂરો પાડે છે.
• સંગીત શબ્દની ગતિને, એના વ્યાપને, એના ઊંડાણને, એનાં વજન અને વ્યક્તિત્વને, સુંદરમના શબ્દોમાં ‘રાગીયતા’ને નાદ-સંવાદમાધુર્યનું એક અપૂર્વ પરિમાણ આપે છે.• સંગીતની હવામાં શબ્દ નવી સ્કૂર્તિ, નવી તાજગી, નવો મિજાજ, રુઆબ ધારણ કરે છે.• સંગીત શબ્દને ઊલ્લંઘતું નથી, પણ એની આણને બળવાન કરે છે. સંગીત શબ્દની સાથે, શબ્દની આગળ તો ક્યારેક શબ્દની અંદર પ્રવેશ કરીને સૌન્દર્યપ્રભાવક ગતિચ્છાયાઓને વિસ્તારે છે, વિકસાવે છે. આમાં શબ્દસૂરનો અપૂર્વ યોગ થતો હોય છે.
કાવ્યરચનામાં સંગીત – અર્થસૃષ્ટિની સંકુલ જાળ સુધી લંબાય છે, એને પુષ્ટ કરે છે. અર્થની રસાત્મક ગતિવિધિમાં સંગીત ઉપકારક બને છે. આદર્શ કાવ્યગીતમાં જે રીતે લયતત્વની કામગીરી હોય છે, એ રીતે ગીતતત્વનીય કામગીરી હોય છે. એ બંને એકમેકમાં સંકુલરૂપે હોય છે.
એલિયટ જેને ‘મ્યુઝિક ઑફ વર્ડ્ઝ’કહે છે – ઉમાશંકર ‘ગુંજ’ કહે છે એવું કંઈક દરેક કવિતામાં હોય જ છે. આ ‘ગુંજ’કવિતાની ગેયતાનો પ્રાણ છે.
ગીતકાર શબ્દ પાસેથી ‘ગુંજ’નો ક્યાસ કાઢતો હોય છે. કાવ્યે કાવ્યે આ ગુંજ જુદી હોવાની, તેથી સાચો ગીતગાયક ગમે તે રચના પાછળ દોટ મૂકીને દોડી જતો નથી. એ શબ્દની ગુંજનક્ષમતા તપાસ્યા પછી જ સૂરનો પુટ રચે છે.
જે ગાઈ શકાય તે ગીત. છંદોબદ્ધ રચનાઓ પણ ગાવા માટેની ક્ષમતા ધરાવે છે. કોઈ રચના છંદોબદ્ધ હોવા છતાં ગીત પણ હોઈ શકે, આધાર એમાં ગીતતત્વ અંતહિત છે કે નહિ એના ઉપર છે.
કાવ્યમાં ગીતતત્વ અંતહિત ત્યારે હોઈ શકે કે જ્યારે કવિએ કાવ્યસર્જન-વેળાએ જ શબ્દઅર્થની સાથે ગેયતાનો સભાનપણે ખ્યાલ કર્યો હોય. છાંદસ, અછાંદસ રચના કરવા પ્રેરતી રચનાઓ કરતાં ગીત લખવા પ્રેરતી અનુભૂતિનું સ્વરૂપ જ જુદા જ પ્રકારનું છે. દૂધમાંથી જ માવો બની શકે એમ અમુક પ્રકારના અનુભવમાંથી જ ગીતનો ઘાટ જન્મે એવું સાવ નથી હોતું. કવિ શબ્દાર્થ સાથે કામ પાડતાં જેમ લયતત્વને તેમ કેટલીકવાર ગીતતત્વનેય પ્રવેશ આપી બેસે છે. એમાં એની મંજૂરીનો નહિ, પણ એની ગીતતત્વને અનુકૂળ એવી સંવેદનભૂમિકાનો પ્રશ્ન છે. કાવ્યસર્જનની ક્ષણે કવિની ચિત્તભૂમિ પર ગીતતત્વનો તકાદો હોય તો કવિની શબ્દાર્થ-પસંદગી, રજૂઆત-રીતિ આ બધા પર તેનો દૂરગામી પ્રભાવ પડે છે. ‘ગીત’ થવા માટે કાવ્યરચનાની ભીતર જ ગાનોચિત નાદસંપત્તિ-ગતિસ્કૂર્તિ સાહજિકપણે ઊતરી આવે છે.
ગીતતત્વ છંદોલયનું કે અછાંદસનું વિરોધી નથી. ગીતતત્વ કેટલીક રીતે કાવ્યગત લયનું સમર્થક પરિપોષક હોય છે. અછાંદસ ગીત પાછળનું ગણિત છેક નિરાધાર એટલા માટે નથી. કોઈ કાવ્યને સુંદર ગાવું એટલે એમાં રહેલી ગુંજન-ક્ષમતાનો સાક્ષાત્કાર કરવો.
જ્યારે એને અભિજાતગીત ગણવું એટલે એનું કાવ્યત્વ સ્વીકારવું. ‘કંઠ અને કાન આ બેની અંતરિયાળ કાવ્ય અને સંગીત પ્રગટપણે વિલસે છે.’ – ચંદ્રકાન્ત શેઠના આ વિધાનથી આ મુદ્દો સમજી શકાય એમ છે. બંનેયનો નાદતત્વ, ધ્વનિતત્વ સાથેનો સંબંધ સિદ્ધ છે.
કવિ વાણીનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થ કરવા તત્પર હોય છે. એની સાથે એ શબ્દની જેમ અર્થ ઉપર પણ નજર રાખે છે. કાવ્યગત શબ્દ તત્વનો શક્ય તેટલો વધુ સાક્ષાત્કાર તે કરે છે. કવિના કાનનું વાણીના શબ્દતત્વ સાથેનું અનુસંધાન પ્રગાઢ, સૌન્દર્યપરાયણ એટલાં શબ્દરચનાનાં વાગ્ગત ચારુ વિસ્મયો માણી શકાય. કાવ્યગત શબ્દના ઉચ્ચારણની એની નાદગતિની અનંતવિધ શક્યતાઓ છે.
– ગીતને સંબંધ છે લય સાથે, ગુંજન સાથે, સંગીત સાથે,રાગ સાથે, તાલ સાથે.–કાવ્યને નાતો છે કાવ્યત્વ સાથે, અર્થ સાથે, વ્યંજના સાથે, ભાવની સૂક્ષ્મતા સાથે, પઠન સાથે (પઠનમાં લય અપેક્ષિત છે)–‘ગીત એ કવિતા-સંગીતના સહિયારા સીમાડા પર ઊગેલો છોડ છે.’(સાહિત્ય ચિંતન – સુન્દરમ્)
‘ગીત’ના મૂળમાં સંગીત છે. ત્યારબાદ એમાં કળાત્મક અભિજ્ઞતા ઉમેરાતાં કાવ્યત્વ વણાય છે. કવિએ ભાવની સૂક્ષ્મતા આણવા, સંકુલતા સિદ્ધ કરવા શિષ્ટ બાની પ્રયોજીને પણ પ્રતીકઅલંકાર-કલ્પનો દ્વારા વૈયક્તિક ઊર્મિને કાવ્યમાં વાચા આપે છે, ત્યારે એનું ધ્યેય કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે. જો એમ કરવા જતાં પેલું ગીત વણસી જાય તો પણ ચાલે. એમાંથી ગેયતાનું તત્વ ગૌણ બને તોપણ સહ્ય ગણાય. લય ન જળવાય કે કોઈ ભારેખમ શબ્દની પસંદગી થઈ જાય તો પણ વાંધો નહિ. ટૂંકમાં ગીતના સ્વરૂપમાં રહીને બને એટલી ચુસ્તી જાળવી કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ સફળ ગીતકવિ કરતો હોય છે. આમ સુગેય ગીતરચનાની તુલનામાં સાહિત્યિક ગીત કાવ્યત્વ સિદ્ધ કરવાની દિશામાં ગતિ કરતું હોય છે.
સંગીતની મદદ વગર પણ ગીતનું શબ્દનિર્માણ કાવ્યત્વને પ્રગટ કરતું હોય એ વધુ જરૂરી છે. ગીતમાં ગોપાયેલા કાવ્યત્વને ઉદાહરણોથી સમજીએ –
(૧) મારી આંખે કંકુના સૂરજ આથમ્યા– રાવજી પટેલ(૨) મેંશ જોઈ મેં રાતી– રાવજી પટેલ(કાવ્યત્વ = અંગત ભાવસ્પંદનને અહીં પ્રતીકાત્મક વાચા આપવામાં આવી છે. ‘કંકુના સૂરજ’, ‘રાતી મેંશ’ જેવા પ્રયોગોમાં ઉક્તિવૈચિત્ર્ય દ્વારા, ઇન્દ્રિયગ્રાહ્યતા કવિ સિદ્ધ કરે છે.)(૩) ડૂંડે બેઠા છે રૂડા દાણા, પટલાણીઓણ દીકરીનાં કરી દઈ આણાં– માધવ રામાનુજ(કાવ્યત્વ = ‘ડ’, ‘ઠ', ‘ક’, ‘છ’જેવા કઠોર વર્ણો હોવા છતાં એમાંના ભાવમાધુર્યને કારણે એ ક્યાંય કઠતા નથી. અહીં ભાષાનું માધ્યમ કાવ્યસિદ્ધિપ્રક્રિયામાં ઓગળી જવા પામ્યું છે. ‘પટલાણી’ સંબોધન કાવ્યના લયને પોષક છે. વ્યંજનાત્મક નિરૂપણ પદાવલિને કાવ્યત્વ અર્પે છે.)(૪) કેમ સખી ચીંધવો પવનને રેહું તો ખાલી શકુંતલાની આંગળી– અનિલ જોશી(કાવ્યત્વ = વીંટીના પ્રતીકનો ઉપયોગ ‘વીંટી’શબ્દ વાપર્યા વગર, જે રીતે કવિ કરે છે એને કારણે ઊભો થતો અર્થ અહીં કાવ્યરૂપ પામે છે.)(૫) ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખેતમને ફૂલ દીધાનું યાદ– રમેશ પારેખ(કાવ્યત્વ = ક્રિયાપદના અભાવવાળી પંક્તિમાં સજીવારોપણની સાક્ષીએ કવિએ અભિવ્યક્ત કરેલી પ્રણયભાવના)(૬) દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈવાગડમાં સાસરની શેરીયું સાંકડી રે સૈયર મોરી– રમેશ પારેખ(કવિકર્મ = શેરીયુંની સંકડાશને નાયિકાના મનની સંકડાશ સાથે કવિ સંયોજે છે.)
ઇન્દ્રિય-પ્રત્યક્ષ કલ્પનોથી ગૂંથેલી અભિવ્યક્તિ, ઇન્દ્રિય વ્યત્યયથી સધાતી સંવેદનની તીક્ષ્ણતા, પ્રમુખ ભાવને તાજગીપૂર્ણ જે સંદર્ભો-સંકેતો આપે છે એમાંથી અ-પૂર્વ અર્થ વ્યંજિત થાય છે. એમાં જ કાવ્યત્વના અંશો રહેલા છે. પરંપરાગત લય અને પરિચિત સામગ્રીનો ઇન્દ્રિયગ્રાહ્ય પરિવેશ ‘કંકુના સૂરજ’માં રાવજી રચે છે. તેનાથી એ ગીત ‘કાવ્ય’ બને છે. ભાવમિજાજનું ઔચિત્ય જાળવવા કવિ જે ભાષા પ્રયોજે છે એમાં જ કવિકર્મનો મહિમા રહેલો છે. ‘મિસ જૂલિયટીનું પ્રણય-ગીત’માં સિતાંશુ પરંપરાગત લય-સામગ્રીને હાસ્યકટાક્ષ મિષે પ્રગલ્ભતાપૂર્વક પ્રયોજે કે મણિલાલ દેસાઈ અંધકારને ઇન્દ્રિય -સંવેદ્ય બનાવી એની સુંવાળપ પ્રગટાવે –
અંધારું કોયલનું ટોળું નહિ બાલમા
અંધારું સોનાનો સુંવાળો સૂર
(રાનેરી પૃ. ૪૫)
એમાં ગીતતત્વ કરતાં કાવ્યત્વનો ઝાઝો મહિમા છે એમ કહી શકાય. ગીતના સ્વરૂપને અભિવ્યક્તિની નવી તરેહો નિપજાવી પાઠ્યતાની કક્ષાએ કવિ લઈ જાય એમાં પણ એના કાવ્યતત્વનો મહિમા કરવાનો ઉપક્રમ છે. એનાં ભાષાસ્તરો ખોલી ઊંડાણમાં આસ્વાદ કરવાની જે પ્રક્રિયા છે તે કાવ્યત્વની સીમામાં આપણને લઈ જાય છે. શબ્દ અને અર્થની સહાયથી કવિ પોતાનો વિષય સર્જનાત્મક કલ્પનાથી લયાત્મક રીતે અભિવ્યક્ત કરે છે અને તેને સંવાદિતા, ઔચિત્ય તથા સૌંદર્ય દ્વારા સંવેદનની એવી આદ્ર અને દ્રાવક અવસ્થાએ લઈ જાય છે જેને આપણે રસાનુભવ કહીએ છીએ – એમાં જ કાવ્યત્વ રહેલું છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment