3.1.1 - નંદશંકર તુલજાશંકર મહેતાને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ
તા. ૧૭ અકટોબર ૧૮૬૮
ભાઈ (?) નંદશંકર
જો કે કેટલાએક જણે તમારા ખારીલા સ્વભાવ વિષે મને દાખલા સાથે કહ્યું છે ને ડાંડિયામાં મોતીરામ વિષે લખેલા તમારા કાગળે તમારી કંઈ એક સુઘડતા બતાવી છે. તોપણ મેં જે તમારા સ્વભાવ વિષયમાં મારા ત્રણ વરસના અનુભવ ઉપરથી (અહીં રહેવા માડયું તેની પહેલાં હું તમારે વિષે કંઈજ જાણતો નહીં) જે મત બાંધ્યાં હતાં, તેમાં એક આ હતું કે તમે કેટલાએક કામ જોસ્સામાં કરો છો ને પછી પસ્તાઓ છો. પણ પછવાડેથી બે ત્રણ દાખલા તમારી વર્તણુકના મારી જાતના અનુભવમાં આવ્યા છે તે ઉપરથી તમારા થંડા લોહી ને હૈયામેલ વિષે મારા મનમાં નક્કી જેવું થવા આવ્યું છે. છેલ્લો દાખલો આ કે –
ઈનામના નિબંધ વિષે તમારૂં મત માગવાનું કારણ આ જ કે તે ઉપરથી કંઈ તમારૂં મન જાણી લઊં. જો નિષ્પક્ષપાત ક્રિટિક દાખલ નિબંધ રદ કર્યો હોય – રદ કર્યો હોય તો પણ હું જરાકે મનમાં સંકોચ ન આણતા ઉલટો તમને સાબાશી આપું એવો હું છઉં, એ વાત મારા અંત:કરણની પ્રકૃતિ જે મિત્રોને મારી સાથે ઘણો સહવાસ છે તે સહુ જાણે છેજ. અગર તેમ ન હોય તો જાણી શકું કે ક્રિટિક દાખલ તમારૂં જ્ઞાન ઓછું છે અથવા દ્વેષભાવથી જ ખોટું મત આપ્યું છે. તમારે માટે મેં ભાંજગડ કીધી-કમીટી ખોટી રીતે પણ નારાજ થઈ – મને મત ન મળ્યાં. (તમે જે તે ન અપાવવાને કાં ન પ્રયત્ન કર્યો હોય?) મને મોટો સંતોષ છે કે મેં મૈત્રીની પરીક્ષા કીધી છે. હું તમને નથી પુછતો કે તમે શું મત આપ્યું છેઋ તે હવે મારે જોઈતું જ નથી. પણ તમારાથી જે હું આટલા દહાડા ઠગાતો હતો તે હવે નહીં ઠગાઉં, એ તમને જણાવવાને આ લખું છઉં કે તમને ‘સીરિયસનેસ’ ગમતું નથી. ‘લાઈટનેસ’ જ ગમે છે ને મારાં લખાણથી ફુલાસો કે એને કેવો ચ્હિડવ્યો છે, પણ સુખે ફુલાજો. હૈયામેલ ને બહાર વિવેક એ રીતે રાજખટપટમાં છાજે. લોકમાં પણ બે રીત છે. જહાં બંને જણા જાણે છે કે હમે એકમેકના હરીફ છૈયે ને જ્હાં એક ભોળો છે ને બીજો મનમાં ગાંઠવાળી મુંગો માર મારે છે. બંને રીત મને પસંદ નથી.
કુલીનતા ને મૈત્રી વિશે પૂરૂં સમજવું ને તે પ્રમાણે વર્તવું એ સજાત માણસનું કામ છે. નિંદા કરવી, પુઠના ઘા કરવા, બહારથી વિવેક ને મનમાં મેલ રાખવો એ બાયલાપણું છે. મેદાન પડી ઘા કરવો એ મર્દાઈ છે. એકમેકને જાણ કરી ઉંચપણે લડવું એમાં મોટાઈ છે. સુઘડ બૈરાં પણ બોલે છે કે ‘જુદ્ધેથી લડવું શુંજથી ન લડવું.’ હું એમ સમજું કે તમારૂં મન નિર્મળ છે ને તમે મારે હૈયામેલા હોઈ ભીતરમાં મારી નિંદા કરો ને મારી સાચી મૈત્રીને ભોળી ગણી કેટલાંએક હલકાં કામ કરી તેમાં ફુલાઓ. એ છતાં હું (થોડા સહવાસને લીધે) મૈત્રીમાં સાચો રહી તમારે વિષે સારો વિચાર રાખું, પણ જારે તમારી તરફથી અતીસેં થાય ત્યારે મને શક પડવો જ જોઈએ ને એ શકને ચાર પાસથી પુષ્ટી મળે ત્યારે અત: પરને માટે મારે સાવધ રહેવું જ જોઈએ. તમે ઓદ્ધેદાર છો, હું નથી. તમે વગવાળા હશો, હું નથી, તો પણ મારા શુદ્ધ અંત: કરણને ઉંચી નીતિનો અભિમાની છઉં. તેથી હવે મંડાવાની બાજીમાં તમને જીતવાની વાત તો કેમ કહેવાય, પણ મારે પોતાને માટે યશસ્વિ હારનો પણ સંતોષ પામવાની આશા રાખું છઉં.
અમે કેટલાએક મિત્રો ઘરમાં ને બહાર વેળાએ પરસ્પર વાદમાં અથવા મશ્કરીમાં ઘણા જ કડવાં વેણ વાપરીએ છૈયે, તો પણ હુને પાણીએ આગ લાગતી નથી. તમે હમારામાં વિરોધ થતો નથી. કારણ કે હમારામાં મળ નથી. અગર થોડી વાર મળ ફાવ્યો તો શું થયુંઋ અંતે તો મળ જ નિંદાશે. જેઓ પોતે કાળા છતાં ગોરા છૈયે એમ બતાવવાને સામાં ગોરાને કાળા કહેવાને મથે છે, તેઓ પોતે જ પોતાની કાળાસ નિરખાવવામાં લોકને તેડે છે એવું મેં ઘણું જોયું છે. મને નથી જણાતું કે ગુજરાતી દેશીયોમાં ઐક્ય વ્હેલું થાય. એ થવામાં પ્રથમ મોટાં મોટાં મંડળોમાં સાચી મૈત્રી થવી જરૂર છે, ને જારે તમારા સરખા મૈત્રિ સમજતા નથી ને તે વળી મારા સંબંધમાં, તારે હવે પરમાર્થને માટે સાચી મૈત્રીની કહાં આશા રાખવી?
તમારી તરફથી ને તમારી કંપની તરફથી જે હીણી ચાલ મારી તરફ ચલાવવામાં આવી છે ને તમારી તરફ જે ચાલે મેં ચલાવી છે, તે સંધું કદાચ કોઈ વખત એકઠા મળવાનો દહાડો આવવા જેવું હોસે તારે તો તે સઘળું માલમ પડી આવશે.
હવે વધારે લખવાની જરૂરી રહી નથી. મરતી મૈત્રીની સેવામાં તેને છેલ્લાં આપવાનાં ઓસડમાં મારી તરફથી કંઈ ઋણું ન રહેવું જોઈયે, માટે ઉપર પ્રમાણે લખ્યું છે. પછી તે જીવો કે મરો. મરવા તો પડી છે ને હું તો મોયલી જ સમજું છઉં. હૈયામેલ ને ભણેલાની ઠગાઈ કરતાં ખુલ્લું દિલ ને ન ભણેલાની અવિવેક જેવી લાગતી લાગણી વધારે સારી સમજું છઉં. તમારી જેવી ચાલ ચલાવનારા બીજા કેટલાક મારા સંબંધમાં હતા ને છે, પણ તેઓને આવો કાગળ લખ્યો નથી. તમારે વિષે જે કેટલુંક સારૂં મત મારા મનમાં અગાડીને ઠસેલું છે તેથી જ આ લખવાનું ટેકવાળું સમજું છઉં. જોઈએ હવે –
લી. જેવો તમે સમજો તેવો નર્મદાશંકર.
0 comments
Leave comment