3.1.3 - નંદશંકર તુલજાશંકર મહેતાને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૨૧ અક્ટોબર સને ૧૮૬૮
ભાઈ નંદશંકર

   પ્રથમ ક્રોધ ને પછી શાંતિ એમ તમારા કાગળનાં બે રૂપ જણાય છે, ને એ મારાં પોતાનાં બાંધેલા મતને પુષ્ટી આપે છે. લોકના કહેલાં તથા તમારા કહેવા પ્રમાણે મારાં માની લીધેલાં મત ખોટાં છે, તે પ્રસંગો ઉપરથી સમજાશે ને તમારા લખવા પ્રમાણે આશા રાખું છું કે તે ખોટાં ઠરે.

   ખરૂં જાણજો કે નિબંધ નાપાસ થયેથી લોકના કહેવાને મેં કાન આપ્યો નથી જ, પણ મને તમારે વિષે શક ઉત્પન્ન થયેથી એ શક દૂર કરવાને તથા નિબંધના દોષ જાણવાને મેં મત માગ્યાં હતાં. ‘ધર્મ બજાવ્યો છે, દોસ્તિ અથવા વેરની સત્તા ચાલવા દીધી નથી.’ એમ જ છે તો તે હું ખરૂં માનું છઉં ને મત વિષે તો જાણ્યા વના ક્યમ બોલાય – ‘Advanced school boy’ ને શોભા આપે તેવો છે – હતો, પણ scholar ની પાસથી જેવા નિબંધની આશા રખાય તેવો નોતો એમ કહો છો તે તેવો પણ હોય; પરંતુ મારા ધારવા પ્રમાણે એવું ખરૂં કે વિદ્વાન પરીક્ષકોએ માત્ર પોતાના કલ્પેલા સ્ટાંડર્ડ પ્રમાણે નિબંધ ન આવ્યો માટે જ રદ કરવો ને નીચલી વાત ધ્યાનમાં ન જ લેવી, એમ ન હોવું જોઈયે: –

   ગુજરાતી વિદ્યાર્થીઓનું કેટલું ગજું છે તે જાણવું જોઈયે. તમે તો લખો છો કે આડવાન્સડ સ્કૂલ બોયને શોભા આપે તેવો છે, પણ હું તો કહું છઉં કે ઇંગ્લંડની ગ્રામર સ્કૂલના ફર્સ્ટ ગ્લાસના છોકરાને પણ શોભા આપે તેવો પણ ન હોય, તેમ જાહેર ખબરમાં માગેલા વિષયને જેટલું જોઈયે તેટલું લખાણ, હાલના ગુજરાતી વિદ્યાર્થીમાંથી આશા રાખી શકાય તેટલું લખાણ થયેલું છે કે નહીં તે જોવું જોઈએ; ઈનામનો નિબંધ કેળવણી પર નથી માગ્યો, સ્ત્રી કેળવણી ઉપર નથી માગ્યો કે જેમાં ઘણીક વાત લખાય, પણ સ્ત્રી કેળવણીના લાભ વિષે માગ્યો છે, માટે એટલા જ પ્રકરણમાં શું અધુરૂં છે તેનો જ વિચાર કરવો જોઈયે. જેમ કેટલાક નિબન્ધીઓ માગેલા વિષયથી આડા ફાટી લખે છે તેવું શું મારે લખવું જોઈતું હતુંઋ ‘વળી અગર કોઈ બીજો લખે તો સ્ત્રીકેળવણીના લાભ વિષે પુનરૂક્તિ વગર કેટલું વધારે ને વધારે સારૂં લખી શકે તે પણ વિચારવું જોઈયે. વળી હાલમાં જેટલા નિબંધ લખાયા છે તે કેવા છે, તેને કેટલા ઈનામ મળ્યાં છે તે પણ જોવું જોઈયે. ચુંથાયલા વિષય ઉપર વરસ દહાડાની મુદત છતાં બસેંના ઈનામ માટે એક જ નિબંધ આવ્યો એનું કારણ શુંઋ મતલબ કે પોતે કલ્પેલા ઊંચા સ્ટાડર્ડ (આક્સફર્ડ કે કેમબ્રીજની યુનિવરસિટિનાઋ) પ્રમાણે એ નિબંધ તપાસવાનો નહતો, પણ ગુજરાતી વિદ્યાર્થિઓનું ગજું જોઈ તપાસવાનો હતો. નિબંધ કેમ લખવો એ વાત જ આપણા વિદ્યાર્થિઓમાં થોડા જ જાણે છે. હું મારી સમજ પ્રમાણે કહું છું કે એ જ નિબંધમાં લખનારે જે પેહેલી ચાર બાજુનું લખાણ કર્યું છે ને જેવી રીતે ગોઠવણ કરી છે ને જેવી ભાષામાં નિબંધ લખ્યો છે તેવું મેં હજી લખાયલા થોડા જ નિબંધમાં જોયું હશે! માગેલો વિષય ને તે ઉપર આડું ન ફાટતાં જેટલું લખવું જોઈયે તે ઉપર મેં ઘટતું ધ્યાન આપ્યું છે ને ઈનામને લાયક હતો એમ મારી સમજમાં હજી પણ છે. કમીટીએ બસેંનું જ ઈનામ આપવું ને પછી પરીક્ષકોએ ઊંચો સ્ટાંડર્ડ કલ્પિ તે પ્રમાણે નિબંધ વિષે મત બાંધવું, એવું અનુભવી પરીક્ષક તો ન કરે. દલગીર છઉં કે તમારો સ્ટાંડર્ડ મારા જાણ્યામાં નથી. તમારો મત મારા જાણ્યામાં નથી ને એથી મારા લખાણના દોષ મારા જાણ્યામાં આવતા નથી ને મારે પોતાને માટે ઘણો ખિન્ન છઊં કે મારા નિબંધમાં મેં શું અધુરું રાખ્યું છે કે જેથી તે ઈનામને પુરતો લાયક ન ઠર્યો, ને એથી કમીટીએ હવે એમ જ કેમ ન જાણ્યું હોય કે બે વરસ થયાં નિબંધ લખાવીએ છૈયે ને કોઈ લખતું નથી અથવા સારૂં લખતું નથી. માટે નિબંધ લખવાને કોઈ ગુજરાતી વિદ્વાન શકિતમાન નથી ને એથી તેણે હવે ભાષાંતરને માટે જાહેરખબર છપાવ્વી! શું એ વિચાર મારો નિબંધ નાપાસ થયે બંધાયોઋ એ મન બહુ લાગે છે! અલબત મારે પરીક્ષકોના સ્ટાંડર્ડ અને મારી ભુલ એ જાણવાં જ જોઈયે. ને અગર પરીક્ષકો તથા બિજા વિદ્વાનો એક મતના હોય તો મારે મારી ભુલ કબૂલ કરી ચાનક રાખી સુધારો કરવો જોઈયે. હું શકિતમાન છઊં અથવા નથી. પણ એકાદા આપેલા વિષય ઉપર હું પરીક્ષકો વિસ્મય પામે તેવો ઈલાબોરેટ એસે લખવાને હિંમત ભિડું તેવો છઊં. ઈનામના મૂલ પ્રમાણે મેં માગેલી વસ્તુ આ દેશના ભાવ પ્રમાણે આપી છે – જે વસ્તુ બિજા દેશના ભાવ પ્રમાણે મૂલ પ્રમાણે ન હોય માટે શું મારી વસ્તુ મૂલને લાયક નહીંઋ પણ હશે-મત જુદો પડે જ. મેં મત માગવાને ચિઠ્ઠી લખી તેની પોંહોચ પણ ૨૪-૨૫ દાહાડા ફરી ન વળી, તારે મેં મારી ખરી લાગણી બતાવીને એ કમીટીની નજરમાં અસત્ય લાગી. મારા વિચાર પ્રમાણે કમિટીએ ઉદાર મનથી તે ઉપર વિચાર કરવો હતો. કમીટી સાથે મારે તકરાર હતી તે નામ જાણી તપાસ્યો એ બાબતની હતી ને એ વિષે મેં છેલ્લો કાગળ દફતરે દાખલ રાખવાને કમીટીને મોકલ્યો છે તે તમારા વાંચવામાં આવ્યો હશે જ. હવે એ વિષે લખવું નિરર્થક છે એમ સમજી બંધ રાખું છું ને તમે પણ તેમ કરશો.

   તમારા કાગળે કેટલીક વાતે મારા મનનું સમાધાન કર્યું છે – એટલે તમારા ક્રોધ વચનની સામાં મારાથી હવે તેવું લખાતું નથી તો પણ કંઈક લખવું તો જોઈયે ખરૂં. ‘ખરૂં ખોટું ઓળખવાની તથા માણસના ગુણ દોષ પારખવાની શકિત વિષે મારો વિચારો ઉંચો હતો તે કંઈક હલકો થયો છે-’ હું દલગીર છઉં કે તમારો કંઈક જ હલકો થયો – ઘણો થયો હોત તો વળી હું તમારા વિચારમાં પાછો ઊંચો થવાનો યત્ન કરત.

   ‘મારા જેવો આ પ્રાંતમાં કોઈ લખનાર નથી એવું તમને અભિમાન છે એવું હું અંત: કરણથી કહી શકું છું.’ સ્વાભાવિક અભિમાન તો દર માણસને હોવું જો જોઈયે-ને તે મારામાં છે. હવે લોકમાં તે અભિમાન જોઈયે તેથી વિશેષ અર્થમાં વપરાય છે. વળી સકારણ અભિમાન ને મિથ્યાભિમાન એમ પણ બે પ્રકાર છેઋ સકારણ અભિમાન (લૌકીક અર્થમાં) મારામાં કેટલું છેઋ સહવાસ નહીં એટલે તમે કાંથી જાણો ને કહ્યા વના તમારા વિચાર બંધાય નહીં ને કહ્યાથી અભિમાની કહેવાઊં તો પણ કહું છઊં- (અભિમાની કહેવાવાને).-હું સમર્થ વિદ્વાનોનાં કર્મો જોઈ વિસ્મય પામું છઉં ને વેળાએ આંખમાં ઝળઝળીયાં આણુંછ કે મારી એવી શકિત કેમ નહીં! હું પણ ક્યારે મારી બુદ્ધિમાં વધારો કરૂં? એઓની આગળ તો હું કંઈ જ ગણતીમાં નથી! – એવા એવા વિચારે હું ઘણો જ નમ્ર છઊં પણ જારે કેટલાએક બળીએલો મારે વિષે થતી રૂડી વાતો સાંભળી મારી નિંદા કરે છે, જારે કેટલાક પોતાની કાચી સમજ છતાં મારી સાથે મિથ્યા વાદ કરે છે, જારે મારે સામાને ખરૂં ખોટું જુદું પાડી પાડી યથાર્થ સમજાવવાનું હોય છે અથવા જારે હું મારા શ્રમનો બદલો નથી મળતો એવા ખ્યાલથી દલગીર હોઊં છું અથવા વેળાએ રમુઝ કરતો હોઊં છું, તારે મારી લાગણી ઉશ્કેરાય છે ને હું મારે વિષે અહીં ન વિદ્યાર્થિઓના મુકાબલામાં વધારે બોલું છું જેને કેટલાક અભિમાન કહે છે-એ રીતનો હું છઊં, એમ જો તમે મત બાંધ્યું હોય તો તમે ભૂલ નથી કરી એમ હું પણ કહું છઊં.

   મારા ગ્રંથ ઉપર જે સમજ વગર અથવા વિદ્વત્તા વગર ખોટી ટીકા કરે છે તેની હું દયા ખાઉં છું અથવા હાંસી કરૂં છઉં, પણ જે દ્વેશ ભાવથી કરે છે તેના ઉપર તો હું ચીડાઉં છઉં જ ને એ ચિડાવાને તમે અવગુણ કહો તો કહો. વળી શકને દૂર કરવાને અને વાજબી ઈન્સાફને માટે ગેરઈન્સાફથી ગભરાયેલો જે માણસ પોતાના મનમાં મળ ન રાખતાં ઉશ્કેરાયલી લાગણીમાં ખરી હકીકત કહે તેને તમે ઉદાર બુદ્ધિથી ક્ષમા, સજ્જનપણાથી વિવેક ને ન્યાયબુદ્ધિથી ન્યાય બતાવવાને બદલે આપવડાઈ ને પેતરાજી કરે છે એમ કહો તો કહો-હશે-હવે એ વાત ફરી ફરી કરવી નથી ચાહતો-પણ અગર કદાપી કમીટી સાથે થયલું મારૂં લખાણ પલ્બિકમાં મુકું તો તેથી તમે માઠું લગાડશો નહીં. કમીટી ને હું, ને તમે ને હું એ સંબંધ હું જુદો સમજું છઊં.

   તમે મારી નિંદા નથી કરતા, તમારા મનમાં મેલ નથી. ઈ. વાક્યોથી હું મારી તરફથી ઉપજેલો શક દૂર-સમૂળો દૂર કરૂં છઊં. તમને મારા કાગળથી માઠું લાગ્યું છે ને દલગીર થયા છો, પણ મેં મારો શક દૂર કરવાને જેવું મને લાગ્યું હતું તેવું લખ્યું છે તે જોઈ અને મૈત્રિ તોડવાને હું ઇચ્છતો નથી, એમ જે તેમાં છુપું છુપું બતાવ્યું હતું તે જોઈ તમે મારૂં નિખાલસ મન જોયું હશે.

   જમે તમે ઇચ્છો છો તેવી મારી ઇચ્છા પ્રથમથી હતી-રે સુરત આવ્યા પછી તમને સ્હોડમાં રાખી ઘણું કામ કરવાની મેં આશા રાખી હતી પણ તેમ ન થયું-હશે. હું કાનનો કાચો હતો તો તમને કાગળ લખત જ નહીં. હું કાનનો કાચો નથી ને તમારી કંપની વિષે જે શક હજી મને છે તેનો ખુલાસો વળી થઈ રહેશે. તમે પછવાડેથી કેટલીક વાત લખી છે તેની હાલ જરૂર નોતી, તેમ તમારી એટલાં નમ્ર થવાની જરૂર નોતી. ખુલ્લા-મનને અગર કદી બહારથી મેલ વળગ્યો હોય તો તે કહાડવાને નિર્મળ પાણી જ બસ છે-ચરબીવાળા સાબુની જરૂર નથી તો વળી મોઘા અંગ્રેજી સાબુનું શું કામ છે? ને એમ કરતાં સાબુની જ જરૂર હશે તો વિવેકને ભાવે અથવા દયાને ભાવે અથવા મૈત્રિને ભાવે અથવા મોટાઈમાં મેહેનત લઈ સાબુથી તે મેલ ધોઈ નાખશો, તારે હું શું ઉપકાર નહીં માનું ને મનમાં નહીં ફુલાઉં કે હવે ખરી મૈત્રિનો લ્હાવો લેવાના દહાડા પાસે આવ્યા છે!

   તમારા મનમાં મારે વિષે સ્વર્ગ જેટલો ઉંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેકટર છઉં, પછી ગમે તેવો. એ જ વિચાર તમને મારૂં અભિમાન રખાવવાને બસ છે એમ હું અભિમાનથી કહું છઊં ને તમે એ અભિમાન ઉપર હસશો જ-હસો હવે.

   આ કાગળ બંધ કરતાં મરતી મૈત્રિ પાછી ઉઠી તેની ખુશાલીમાં હું મારાં પાન સોપારી ખાઊં છઊં ને તમે તમારી તપખીર સુંઘજો.

લી. સજ્જનની સજ્જનાઈમાં મગ્ન રહેતો,
નર્મદાશંકરની સલામ.


0 comments


Leave comment