3.7.1 - ધનસુખરામ ઓચ્છવરામને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


પરમ સ્નેહી ભાઈ ધનસુખરામ ઓચ્છવરામને -મુ. વડોદરું

   મુંબઈથી લા. નર્મદાશંકરના નમસ્કાર. તમારો પ્રેમપત્ર વાંચી ઘણો પ્રસંન થયો છું. તમે દયારામભાઈની છબી મોકલી તેને સારું તમારો મારા ઉપર મોટો ઉપકાર થયો છે. જે જે ચોપડીઓ તમે મંગાવી છે તે વિષે જાણવું કે તે ચોપડિયો ઘણાં વર્ષ ઉપર છપાઈ છે-હાલ મળતી નથી- જોવામાં પણ આવતી નથી. માટે જે નથી તે કંઈ મોકલાઈ શકાતી નથી તો પણ ખંતથી ખોળમાં રહી જેમ જેમ મળતી જશે તેમ તેમ મોકલાવતો જઈશ. અહીંના કાએચ વગેરે લોકો જેઓએ દયારામભાઈને સારી પેઠે જોયલા ને તેમની પાસ રહેલા તેઓ કહે છે કે એ છબી દયારામભાઈની નથી, એ તો રણછોડના જેવી લાગે છે-ચેહરામાં. મેં પણ એ છબીમાં જોતાં વારને રણછોડભાઈની છાયા જોઈ. તમારી રણછોડભાઈ વગેરેની ખાતરી છે કે એ જ છબી દયારામભાઈની છે. હશે ઉભય પક્ષને લીધે તમારી મોકલેલી છબી દયારામભાઈની જ છે એમ મારાથી કહેવાઈ શકાતું નથી. અહીંના મિત્રોએ રણછોડભાઈને જોયલા તેઓએ તો જોતા વારને કહ્યું કે આ તો રણછોડની તસવીર છે.

   હવે મારી ઇચ્છા એવી છે કે રતન સોનારણની પાસે જે છબી છે ને જેને તમે ખોટી ને ખરાબ કહો છો તે જ છબી, જેવી તમે જોઈ હોય તેવી જ મને તાકીદે મોકલી દો તો સારું.

   અહીંના લોકોનાં વર્ણન પ્રમાણે સવિતાનારાયણે સોનારણ પાસે જોયલી તસવીર મળતી આવે છે, માટે જેમ એક સુંદર છબી મોકલવાની આપે તસદી લીધી તેમ પેલી બીજી તસબીર જેવી તમે જોઈ હોય તેવી કૃપા કરી તાકીદે મોકલવી. તમે અત્રે પધારવાના છો એ સાંભળી હું ઘણો ખુશી થયો છું કે તમ સરખા સ્વન્યાતી ગુણિજન સાથે મૈત્રિ બંધાય. તમે અત્રે આવશો ત્યારે હું મારા પેલા મિત્રો પાસે તેડી જઈશ અને પછી તમારી મરજી હોય તો તેઓના વર્ણન પ્રમાણે બીજી તસવીર લેજો. મારો વિચાર એમ કે ત્રણ તસવીર ઉપરથી એક નવી તસવીર ઉપજાવવી કે જેને સહુ લોકો કબુલ કરે. તમને ચોપડી મોકલતાં વાર લાગવાથી તમે મારે વિષે કંઈ જુદો જ વિચાર લાવી સોનાવરણીવાળી તસવીર મોકલાવતાં વિચારમાં પડશો એમ હું ધારતો નથી. આટલો ઉપકાર કર્યો છે તેમાં પેલી તસવીર તાકીદે મોકલીને ઉમેરો કરશો એવી આશા છે.

   તમને વડોદરે સરનામું કરવું તે શી રીતે તે લખી મોકલજો ને મારું તમે આ રીતે કરજો. નર્મદાશંકર લાલશંકરને મુંબઈ મધ્યે કુંભાર ટુકડામાં લુહાણાની વાડીની પાસે નંબર ૯૧ વાળા ઘરમાં પહોંચે. કામકાજ લખવાં.
લા. તમારો દર્શનાભિલાષી.


0 comments


Leave comment