3.7.3 - ધનસુખરામ ઓચ્છવરામને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૧૯ એપરેલ ૧૮૬૫
ભાઈ ધનસુખરામ-મુ. વડોદરું.

   તમને કાગળ બીડયા પછી જે માણસોને મેં તમારી ચોપડીઓની ખોળ કરવાને કહ્યું હતું તેમાંના એક જણે આવીને કહ્યું કે ‘જે પારસીએ તે ચોપડીએ મરેઠી ઉપરથી ગુજરાતીમાં કરી છપાવેલી તે તો તમારો ફલાણો સ્નેહી છે. તેણે તમને સલામ કહેવડાવી છે ને કહ્યું છે કે એ સાતમાંની હોડ વિદ્યાવાળીની એક જ પ્રત તેની પાસે છે ને બીજી તો નથી. એ બધી ૨૨ રૂપીએ વેચાતી હતી. તમને ઘણી જ જરૂર છે તો હું જેમ બનશે તેમ તમને પેદા કરી આપીશ.’ ભાઈ સાહેબ! હવે જોતા જાઓ. જેણે છપાવી છે તેનીજ પાસે નથી તો એકદમ કેમ મળી આવેઋ એ તો ખુણાઓમાંથી ખોળવાની છે-દુકાનોમાંથી ખરીદ કરવાની નથી. પણ ધીરજથી સહુ મળી આવે છે.

   એ જ શખસ થોડે દહાડે મને તે ચોપડીઓ પેદા કરી આપશે જ; એ સ્હેજ જાણવા સારૂ લખ્યું છે-વારુ તમારે નિમિત્તે મારું તો કામ થશે. કેમ કે મ્હારે ઘેર જેટલાં ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ છે તેટલો આખા ગુજરાતમાં કોઈ ઠેકાણે નથી. એ સાત ચોપડીઓની જાણ તમારાથી જ થઈ, તે હવે મારા સંગ્રહમાં રહેશે. મારા અસંખ્યાત ઓળખીતામાં મારે વિષે વગર કારણ ખોટો વિચાર આણનાર એક આપની જ અધીરાઈ હોય.
-નર્મદાશંકરના નમસ્કાર.


0 comments


Leave comment