3.7.4 - ધનસુખરામ ઓચ્છવરામને - ૪ / મારી હકીકત / કવિ નર્મદ


ભાઈ ધનસુખરામજી –
મુકામ-વડોદરું.

   મુંબઈથી લી.. નર્મદાશંકરના નમસ્કાર. તમારો વદ ૧૧ નો લખેલો આજ વૈશાખ સુદ ૩ જે આવ્યો તે વાંચ્યો છે. સેવક માગી લેછ ને હવે બીજા પંદર દહાડાની છબી મોકલવાની મહેલત આપશો કે વારૂ એટલામાં જો ચોપડીઓ મળી જાય તો મોકલાવી દઉં. તમે એમ ન જાણશો કે છબી મોકલવાની આનાકાની કરે છે-મારી પાસ રહી કે તમારી પાસ રહી તો શું? તમારું ઘર તે પણ હાટકેશ્વરનું જ છે. ને મારી ઇચ્છા દયારામનાં દર્શન કરવાની હતી તે તમે પૂર્ણ કીધી. તમારી અધીરાઈથી હું તમ ગુણીજન પાસ આવતો અટકી પડયો છઉં માટે જ મારે લાંબો કાગળ લખવો પડયો હતો, પણ નીતિ છે કે એક જો જોરથી બોલે તો બીજાએ પણ બોલવું કે જેથી બંને ધીમા પડી જાય ને તેમ થવાને વખત આવે છે. મને એટલી તો ચટપટી છે કે કહારે ચોપડીઓ મળે ને હું વડોદરે આવું-તમને નમસ્કાર કરું-ને તમારાં ચરણ આગળ ચોપડીઓ ને તસવીર ધરું.

   એ પંદર દહાડામાં જો કોઈ ઓળખીતું માણસ અહીંથી વડોદરે જતું જણાશે ને તે તમને ઠાવકી રીતે પોહોંચે તેવું હશે તો છબી તો હું તેની સાથે જ મોકલી દઈશ. ધનસુખરામભાઈ! છબી ધીરવા સરખો પણ હું નહીંઋ મારી ઇચ્છા ગઈ ગુજરી વિસરી વિસરાવી પરસ્પર પ્રેમ બાંધવાની છે. પછી તો આપની મરજી.
- લી. દર્શનાભિલાષી નર્મદાશંકરના નમસ્કાર.


0 comments


Leave comment