3.9.1 - છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત આમલીરાન, તા. ૧૪ અકટોબર સને ૧૮૬૯.
સ્નેહકૃપાવર્ણ દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ, મુ. ભાવનગર.

   રાજશ્રી ભાઈ,
   ૧. આપનો તા. ૧0 અકટોબરનો સ્નેહદર્શક તા. ૧૩ મીએ વાંચી ૧0 વર્ષ ઉપર થયેલા સમાગમનું સ્મરણસુખ પામ્યો છઉં ને આપ ‘પત્રવ્યવહાર જારી રાખવાની ઉમેદ’ રાખો છો એ ઉપરથી આશા રાખું છઉં કે આપને હું કેટલાંએક કારણોથી જાણે એકમેકને છેક જ ઓળખતા ન હાઈયે તેવી સ્થિતિમાં આવી રહ્યા હતા તે પાછા પત્રરૂપી નેત્રદ્વારાએ પરસ્પર રસ આપતા થઈશું ઈ.

  ૨. ‘આપને આપણા દેશસુધારા ઉપર ઉલટ અને પ્રીતિ છે તે વાત હરેક પ્રસંગે સાંભળી અંત: કરણનો ઘણો જ આનંદ પ્રાપ્ત થયા છે.’ એ વાક્યનો આપના પત્રમાં આપે જણાવ્યાં એથી મને પણ થોડો સંતોષ નથી. કારણ કે આપ શ્રીમાન પણ દેશને અર્થે થતાં કર્મો તે સંસારમાં ઉત્તમ પરમાર્થ છે એમ અંત: કરણથી સમજો છો – ઇતિહાસો વાંચ્યાથી જણાય છે કે સુધારાનાં કર્મો મધ્યમ વર્ગના જનોથી થયાં છે ને પછી પ્રથમ વર્ગના જનોએ મોટી સહાય કરી છે કે જેથી પેલા વિશેષ ફાવ્યા છે.

   આપણામાં હજી અનુભવવિવેકે સુધારાના વિચાર ફેલાવનારા થોડા છે, ને કામો કરનારા તો વળી બહુ જ થોડા છે; અને કેટલાક શ્રીમંતો સ્વાર્થથી, મોટાઈથી ને શરમમાં પડયાથી સહાય કરનારા છે, પણ શુદ્ધ વિચારથી શુદ્ધ બુદ્ધિથી સહાય કરનારા બલકે નથી એમ કહું તો તે ખોટું નથી ને આપે જે દિલ દાઝથી મને પત્ર લખ્યો છે, તે જોતાં આપ શ્રીમાન વર્ગમાં સુધારાને શુદ્ધ બુદ્ધિથી સદાય કરનારાઓમાં પ્રથમ ને પ્રથમ માનને યોગ્ય થાઓ ખરા.

   ૩. રા. ગોપાળજી સુરભાઈ સાથે મારે કોશ સંબંધી પત્રવ્યવહાર ચાલેલો તે સમયે મારો વિચાર માત્ર ત થી હ લગીના શબ્દોને માટે ૩00 પ્રત છપાવવાનો હતો ને તેને વાસ્તે બે અઢિ હજારની છપાઈ થશે એટલી અટકળ બાંધી હતી. ગયા અપરેલ માસથી મારો વિચાર છપાયલો ભાગ રદ કરી નવેસરથી અ થી તે હ સુધી ફરીથી શુદ્ધ કરી નવા શબ્દો વધારી છપાવવાનો ને હજાર પ્રત કહાડવાનો થયો છે. ડાઈરેક્ટર પાસે પંદર હજારની મદદ (૫00 નકલ ૩0 ને ભાવે આપવાની શરતે) માંગી હતી. એક વર્ષમાં છાપી બહાર કહાડવાનો કુલ ખરચ (કાગળ, છપામણી, કપડાંના પુઠાં વગેરે) સુરત ઐરિશ મિશનના એસ્ટિમેટ ઉપરથી છ હજાર રૂ. થાય છે. દર પ્રતના રૂ. ૨0) ભાવ રાખતાં ૩00 પ્રતે રૂ. ૬000 પુરા થાય. બીજા છાપખાનાનો એસ્ટિમેટ ૫00-૭00 ઓછો પણ થાય ખરો.

   ૪. ‘મારી જાતથી જેટલી મદદ થઈ શકે તેટલી કરી આપે લીધેલા પ્રયાસનાં ફળ સહુ ચાખે એ હેતુથી’ આપ-મને ખરચનો આંકડો પુછો છો તો પછી કોશને બહાર પાડતાં શી વાર છેઋ

   ૫. એટલી રકમનો આશ્રય મળવાનું આપની તરફથી બનેથી એ આશ્રયના બદલામાં સર્વ ગુજરાતી તરફથી ને મારી તફરથી મારે જે ઉપકાર માનવાને થશે તેના પ્રકાર સંબંધી હું આપને જણાવીશ.
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર
નર્મદાશંકર લાલશંકર


0 comments


Leave comment