3.9.2 - છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત આમલીરાન, તા. ૨૪ અક્ટોબર ૧૮૬૯.
રાજશ્રી દેસાઈશ્રી છગનલાલ વિ. સંતોકરાય-મું ભાવનગર

   સ્નેહીશ્રી ભાઈ,
   આપના તા. ૨૧ મીના પત્રના ઉત્તરમાં ઉપકાર માનવા સંબંધી વિશેષ વિવેક કરવો મૂકી દઈ નીચે પ્રમાણે લખું છઉં.

   આપને ઉત્તર લખ્યા પછી અમદાવાદના યુનાઈટેડ કંપનીના છાપખાનાના મેનેજર મારી પાસે આવ્યા હતા. તેણે મારા કોશ સંબંધી એસ્ટિમેટ (૧000 નકલનો ખર્ચ, કંપોજ તથા સારા કાગળ ઉપર છપામણીનો રૂ. ૩૫00) તથા રૂ. ૧000 કપડાંના પુઠાંનો મળીને રૂ. ૪૫00 નો આપ્યો છે ને પાંચ મહિનામાં (હું જો અમદાવાદ રહું તો) છાપી આપવાનું કહ્યું છે. તેમ મુંબઈથી પણ હવે કાગળો આવે છે-એ સ્હેજ જણાવું છઉં.

   કોશ સરખા પુસ્તકને આશ્રય આપનારને માન છે તેમ જે છાપખાનામાં છપાય તેને પણ માન છે. ચાર પાંચ હજારનો વિષય મને ભારે પડે તેમ નથી ને કોશ છપાએથી તેટલો તર્ત આવી શકતે એવી મને ખાતરી પણ છે; તો પણ કેટલાંએક કારણ જે પ્રસ્તાવનામાં લખવામાં આવશે તેથી અને મોટાં પુસ્તકની સાથે કોઈ મોટાનું નામ જોડાય ને તે તેવા જ પ્રકારનો જોઈયે એવી મારી ઇચ્છા, તેથી હું કોઈ તેવાને શોધતો હતો.

   ૧. ઈશ્વરેચ્છાથી આપ સાનુકૂળ થાઓ છો ને નંગને કુંદનથી શોભાળો છો તો મારો આત્મા પ્રસન્ન થવો જ જોઈયે-વિશેષે આ રીતે કે નાગર ગ્રંથકર્તા, નાગરનો આશ્રય ને નાગરનું છાપખાનું.

   સુખે આ જ્ઞાનચંદ્રોદયમાં છાપો. પ્રુફ સંબંધી અડચણને માટે હું આમ વિચાર રાખું છઉં-જો છાપખાનામાં વિશેષે કોશનું જ કરામ ધમધોકારે ચાલે તેવું હોય તો હું મારું એક માણસ પ્રુફ તપાસવાને માટે ભાવનગર રાખું ને વચમાં વચમાં હું આવતો રહું; જો ધીમે ચાલે તેવું હોય તો પોસ્ટની મારફતે હું પ્રુફ તપાસી મોકલ્યાં કરૂં. ધીમે ચાલે તોપણ ઘણું તો એક વર્ષ એટલામાં છપાઈ રહેવો જોઈએ; જો છએક મહિનામાં છપાય તેહેવું હોય ને મારૂં અથવા મારા માણસનું ભાવનગર રહેવું થાય તો એક બીજો લાભ થાય કે-કોશમાં ન આવેલા એવા (કાઠિયાવાડના) બીજા શબ્દો પણ તેમાં ઉમેરાય.

   જ્ઞાનચંદ્રોદયનો એસ્ટિમેટ મારા ધારવા પ્રમાણે અમદાવાદનો જોતાં ઘણાં ઘણો રૂ. ૪000/નો થશે ને એટલા અવેજનો આશ્રય આપ મને આપશો, પણ એ સંબંધી હું જાણવાને ઇચ્છું છઉં કે પુસ્તકની પ્રતો ખરીદ કરી આપ અવેજ વાળી લેશો કે મારે જ વેચાણનાં નાણાંમાંથી તે વાળવો કે શી રીતે?

   દિવાળી કરીને મારે મુંબઈ જવું છે, માટે હવે દશબાર દિવસમાં તમારી તરફનો નક્કી ને ખુલાસાનો વિચાર મારા જાણવામાં આવે તેમ કરવાની આપ ખંત રાખશો; તેમ અગર આપને ત્યાં છાપવાનું ઠરે તો કી દહાડેથી આરંભ થશે તે પણ જણાવશો-એ જ વિનંતિ.

   મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર
   નર્મદાશંકર લાલશંકર

   સરનામું
   રાજમાન્ય રાજશ્રી દેસાઈ છગનલાલ વિ. સંતોકરાયને આ પત્ર ભાવનગર પહોંચે.


0 comments


Leave comment