3.9.3 - છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ
સુરત આમલીરાન
આસો વદ ૧૩-૧૮-૨૫
નવેંબર ૨ જી -૧૮૬૯
દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ
મુ. ભાવનગર
સ્નેહી શ્રીભાઈ
આપનો તા. ૨૭ અક્ટોબરનો તા. ૨૯ મીએ પોંહોંચ્યો છે.
આપનો સ્નેહ એ આપથી મળવાનો આશ્રય એ બેથી મારા હૃદયમાં જે ભાવ ઉઠયા છે તે પ્રસંગ ઉપર દરસાવવાની આશા રાખું છઉં તો પણ આ પત્રમાં મારાથી લખ્યા વગર ચાલતું નથી કે હું આપનો ઘણો આભારી થયો છઉં.
છાપખાના સંબંધી ઉલટથી થતી ગોઠવણ વિષે જાણી મને કામ કરવાની ઉલટ આવી છે.
ટાણાના દિવસો અને ઘણું કામ હોવાથી મારી તરફથી થવાની પુરતી ગોઠવણમાં થોડીક ઢીલ થશે તો પણ બીજું મુહૂર્ત સાવધાને થોડું એક મેટર મોકલ્યું છે તે પ્હોંચેથી મ્યાનેજરે કંપોઝ કરાવવાનો પ્રારંભ કરવો.
હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી.
- આપનો દર્શનોત્સુક નર્મદાશંકર.
0 comments
Leave comment