3.9.4 - છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને - ૪ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત આમલીરાન, તા. ૧ ડિસેમ્બર
સ્નેહી શ્રી ભાઈ છગનલાલ,

   આપનો તા. ૫ મી નવેમ્બરનો પહોંચ્યો છે-ઘેલાભાઈ મુંબઈ જતાં પેલાં મળ્યા હતા ને પાછા આવ્યા પછી તમારી તરફ જવાને દિવસે પણ મળ્યા છે ને મેં છાપવા સંબંધી જે કંઈ જરૂરનું કહી દેખાડવાનું હતું તે કહી દેખાડયું છે –એઓએ ૧0 દિવસ પછી મારા આદમીને મોકલવાનું કહ્યું છે.

   હાલમાં કથાકોશ નામનું પુસ્તક છપાવું છું તે અડધું છપાયું છે તે પૂરંુ થયેથી ને આપને ત્યાં કોશનું કામ ધમધોકાર ચાલતું થયેથી હું ભાવનગર આવી આપને મળીશ.

   વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ.
- સ્નેહાંકિત નર્મદાશંકર.


0 comments


Leave comment