3.9.1 - ગોપાળજી વિ. સુરજીને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, આમલીરાન, તા. ૨ સપ્ટેમ્બર ૧૮૬૮.

   પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,
   આજ સવારે મેં કાગળ બિડાવ્યો ને દશ વાગે તમારો તા. ૨૭ આગષ્ટનો આવ્યો-એના ઉત્તરમાં નીચે પ્રમાણે –

   હુંડી રૂ. ૨૯૨/ની મોકલી છે તે પહોંચી છે ને રૂપીયા મળેથી ટીકીટ ચ્હોડી રસીદ મોકલીશ-ચોપડીઓ વેચવાની વિગત તથા તમારી પાસે રહેલી સીલક ચોપડીઓ વિષે લખ્યું તે જાણ્યું ને ચોપડી ૧0 મંગાવી છે તે તમારા લખ્યા પ્રમાણે ભાવનગર મોકલીશ.

   ‘ત્રણ પ્રકારની મદદમાંથી ગમે તે પ્રકારની મદદ કરે તો આપ એમની તે તે જાતની મદદને માટે નામના વાસ્તે શું કરવા ધારો છો?’ એ વાક્ય વાંચી મને હસવું આવ્યું છે. પણ તમે જે પુખ્ત વિચારથી લખ્યું છે તે મારા સમજવામાં છે પણ મારા સરખાએ કોશ સરખા પુસ્તકને માટે મદદના બદલામાં આમ કરીશ એમ આગ્રહથી કહેવું એ મને તો ગમતું નથી ને મદદ કરનાર વિષે તો વિચાર જ શો બાંધવો? તો પણ દુનિયાંદારી જોતાં ને તમે વચમાં છો માટે લખુ છઉં કે,-

   છપાયલા કોશ નિમિત્તના ખર્ચમાં એક ગૃહસ્થે રૂ. ૬૫0 ની, એકે ૨00/ ની ને બીજા માત્ર દશ બાર શ્રીમંત ગૃહસ્થોએ ઘરાક દાખલ ઘણી પ્રત લઈ નજદીક તેરસેંની રકમની મદદ કરી છે. અને જો હવે એઓ શેહેરની પડતીને લીધે છપાવવામાં કોશને આગળના જેટલી મદદ નહીં કરી શકે તોપણ થોડીક પણ કરશે જ, માટે એનાં નામ પ્રસ્તાવનામાં ઉપકાર સાથે લખવાનો છઉં. માટે બીજી રીતની મદદને માટે જેમ ઉપલાઓના તેમ નવા મદદગારનું નામ પણ પ્રસ્તાવનામાં દાખલ થશે. પણ એ મદદ લેવી હું ચહાતો નથી પણ તમે કહેશો તો લઈશ. ત્રીજી રીતની મદદ લેવી એ માનભરેલું છે પણ તેને માટે મારી પાસે પુરતાં પુસ્તક નથી. આગલા અંકોમાં ઘણી ઘટ જ છે. માત્ર સો જ નકલ આખા પુસ્તકની મારી પાસે રહે તેમ છે. હજાર આગળથી ને હજાર ચોપડી તૈયાર થયેથી બક્ષીસ જ આપે તો મારી ઇચ્છા એવી ખરી કે તેને કોશ અર્પણ કરવો.

   ઘણે વરસે ઘણે શ્રમે થયેલું પુસ્તક પરીક્ષા વનાનાના જનને અર્પણ કરવું એ મારી ને ગ્રંથની શોભા નહીં. માટે મારો વિચાર એ કોશ ગુજરાતી લોકોને જ અર્પણ કરવાનો હતો. તો પણ તેમ કરાવવાની ઈશ્વરની મરજી નહીં! વળી એક મારા ગુજરાતી શ્રીમંત સ્નેહીને ને તેને નહીં તો પછી એક મોટા વિદ્વાન પારસી મિત્ર જેણે મને ૨00 ઘરાક પોતાની જાત મેહેનતે કરી આપેલાં તેને અર્પણ કરવાનો હતો, તો પણ જલદીથી કોશ પ્રગટ થવાથી આપણા લોકને ઘણો લાભ છે (કે બીજા ઉભા થાય) એમ જાણી જે કોઈ આ વખતમાં રૂપીઆ બે હજારની મદદ કરે તેને અર્પણ ઘટતું કરવાનું સમયે વિચારવા ધારૂં છઉં. એથી કોશની મદદમાં બે હજારની જાજ રકમ આપનારનું નામ પણ ગુજરાતી ભાષાની સાથે કાયમ રહેશે.

   યુનિયન પ્રેસવાળાને નર્મકવિતાના મોટા પુસ્તકની છપાઈ હજુ પુરતી પહોંચી નથી ને છતાં હું કોશનું મોટું કામ જે તે જ પ્રેસમાં સારૂં ને સસ્તું થઈ શકે તેવું છે તે આપું એ મને ઠીક લાગતું નથી. બાકી તે તો તૈયાર છે, માટે મારા દિલમાં એવું છે કે હજાર રૂ. જો કોઈના આવે તો તને આપું કે તે પણ ઉતાવળું છાપી આપે; માટે કોઈ પણ રીતે એટલી રકમ હાલ જોઈયે છૈયે. જો કાઠિયાવાડમાં એવો કોઈ નહીં મળે તો મારો વિચાર મિ. કર્ટીસને મળવાનો છે ને એને આમ કહેવું છે કે મારી મોટી કવિતાની સો એક પ્રત સ્કુલ લાઈબ્રેરીને માટે રાખવી તથા થોડીક નકલ કોશની પુરા થયે લેવી કરવી ને તેના બદલામાં કોશ અર્પણ કરીશ-પણ જહાં, સુધી હિંદુ મળે ત્હાં સુધી અંગ્રેજને અર્પણ ન થાય તેવું ઇચ્છું છું-માટે લખવાનું કે તાકીદથી તમારી તરફથી હા નાનો જવાબ આવેથી તે ઉદ્યમ કરૂં ને અહીં ન ફાવું તો મુંબઈ જઈ ત્હાં તજવીજ કરૂં. હું તમારો જવાબ ફરી વળતાં સુધી અહીં રહીશ, કે મારે મુંબઈથી જલદી પાછું આવવું ન પડે.

   તમે કોશની કિંમત માંગો છો તે મારાથી હાલ કેમ કેહેવાય? મેં તો ૨ હજાર લખ્યા છે પણ અગર નવા શબ્દો મળ્યા તો પુરવણી કરી ગ્રંથ વધારવો પડે. પાછો પુઠાનો વિચાર-મને તો લાગે છે કે બે નહીં પણ અઢીનું કામ થશે-વળી પાછલા અંકોની ઘટ છે તેથી કિંમત હું નક્કી કરી શકતો નથી.

   થોડોક ગ્રંથ છપાયાથી અજમાયસ થઈ શકે માટે તમે જે સ્કુલ લાઈબ્રેરી માટે ધારો છો તે યત્ન પછી કરવાનો છે.
   શ્રીમંત લોકને બૂજ હોય નહીં. નામને માટે મદદ કરે. ને તે વળી ચાપાચીપથી એ સો ગજબ! પરાકાષ્ટાની મહેનતના બદલામાં હું કંઈ જ નથી ઇચ્છતો. માત્ર ગ્રંથ છપાવી પ્રગટ કરવાને ઈચ્છું છું. તે છતાં કોઈ ગુજરાતી ખરો ઉદાર નથી મળતો! પણ તેઓનો દોષ શો? હજી સમજ આવતી જાય છે, ને હું પણ જોઉંછ કે વારૂ કોઈ છે? કોઈ નહીં મળે તોપણ મારી અડચણો તો પ્રસ્તાવનામાં જાહેર થશે.

   તમે ગદ્યપદ્યના ‘સિલેક્શન’ વિષે સૂચના કરો છો તે બહુ સારી છે ને એમ જ થવું જોઈયે.મારો વિચાર છે જ. પણ હાલમાં પદ્યમાંથી કરવાનો નથી, કેમ કે હજુ છપાઈ નીકળી નથી ને નીકળી ગયેથી તેનું સિલેકશન કરીશ, ને ગદ્યને માટે તમે જેટલું સિલેકશન લખી મોકલશો ને છપાઈ જેટલું ઝટ ઉપડે તેટલી તજવીજ કરી આપશો તો તાબડતોબ તે ચોપડી છપાવી દઈશ. આ કાગળની મતલબ સમજી લઈ ફાડી નાખવો દુરસ્ત છે એમ હું સમજું છઉં.

   ખરેખર હું દલગીર છઉં. મારે તમારે એકાંત થઈ નથી, એટલે તમને મારા સ્વભાવાદિ વિષે ઘણું જાણ્યામાં નથી. હશે? દલગીર છઉં કે મારે માટે તમે આટલો શ્રમ લો છો. છેલ્લું લખવાનું કે જો મદદ કરનાર ઘણી ચાપાચીપ કરે તો બેહેતર છે કે તમારે એ ઉદ્યોગ છોડવો. હું શ્રીમંત નથી પણ સુઘડતા ને પ્રશસ્ત મન તે શું તે સારી પેઠે સમજું છઉં, માટે મને હલકો સંકોચ રૂચવાનો નહીં. ને તમારે એમ ન સમજવું કે વચમાં પડયો છઉં ને કામ ન થાય તો ખોટું, અગર કદાપિ હમણાં જોગ નહીં આવે તો પછી પણ આવશે. તમારો ઉપકાર મારા ઉપર થશે, પણ મારે માટે તમારા ઉપર કોઈ પાડ ચડાવે તે મારાથી નહીં બરદાસ થાય. માટે ટેકમાં રહી કામ ચલાવવું. બહુ લંબાણ થયું છે માટે હવે બસ.

લી. તમારો શુભેચ્છુ નર્મદાશંકર.


0 comments


Leave comment