3.9.2 - ગોપાળજી વિ. સુરજીને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, આમલીરાન
તા. ૨૮ જાનેવારી ૧૮૬૯

   રાજેશ્રી ભાઈ ગોપાળજી વિ. સુરજી દેસાઈ
   તમારો તા. ૮ મીનો પત્ર, છગનલાલભાઈને તમને ૧૮૬૮ માં લખેલો તે સાથે તે મેં મુંબઈથી આવી વાંચ્યો છે.

   છગનલાલભાઈએ તમને લખેલું તે વિષે મેં કંઈ જ વાંધો લીધો નથી ને લેતો પણ નથી ને એ મેં તમને વારે વારે કહ્યું છે હતું ને હજી પણ કહું છઉં-એ કાગળો અને ગણપતરામનો સાક્ષીપત્ર મોકલવાનો શ્રમ મિથ્યા લેવાયો છે.

   તકરાર એટલી જ હતી તે હજી છે કે, તમે મને એક્કો કાગળમાં એવું નથી લખ્યું કે ‘છગનલાલભાઈ ઓણ નહીં તો પોર પણ મદદ કરશે.’ મારે ત્યાં કાગળોની બરોબર ફૈલ નહીં તેનો લાભ લઈ અને છ0 ભાઈએ તમને લખેલું માટે તમે મને પણ લખેલું એવી જે તમારી ભ્રાંતિ તેનો લાભ લઈ તમે તમારૂં બોલવું ખરૂં કરવા મથો છો પણ જુઓ–

   તમારો લખેલો જે કાગળ મેં તમને રૂબરૂ વંચાવ્યો હતો તે પોર કરશે એવું નથીજ એ તમે જાણો છો-એ કાગળનો જવાબ જે મેં લખ્યો હતો તે પણ તમને વંચાવ્યો હતો.

   ૧. છગનભાઈએ તમને લખેલું કે આવતી સાલ બને તેવો સંભવ છે એ-ઉપરથી દૂરની વાતથી અમે મારા લાંબા કાગળના બેદરકારીના લખાણથી (તમારે એ ઉદ્યોગ છોડવો એવું પણ લખ્યું હતું), ‘પોર મદદ કરશે’ એવું તમે ન જ લખો એવો પણ સંભવ નક્કી જેવો કલ્પી શકાય છે ને તમે નથી લખ્યું એવું મને પક્કું સંભરે છે. ૨. છ0 ભાઈએ તમને લખેલું તે ઉપરથી તમે મને લખ્યું હશે એવો પણ સંભવ કલ્પી શકાય, પણ ૧ લા સંભવ આગળ ૨જો સંભવ ઝાંખો પડે છે-તમને ભ્રાંતિ રૂપ કાં ન પડયું હોય? ૩. છ0 ભાઈના કાગળ મોકલવાનો પરિશ્રમ લીધો તેના કરતાં તમે જે કાગળમાં મને તે લખ્યું હતું તે કાગળની નકલ મોકલી હત તો તે આપણી તકરારમાં દાખલ થાત. ૪. રાખવા જેવા કાગળની જ માત્ર હું ફૈલ રાખું છઉં ને બાકીના ફાડી નાંખું છઉં. કોશ સંબંધી સર્વ કાગળ પત્ર હું પ્રસ્તાવનામાં લખવાને માટે ખંતથી સાચવી રાખું છઉં-એ સાચવેલા કાગળમાં તમારો તે નહીં એ ઉપરથી પણ જણાય છે કે તમે મને તે લખ્યું નથી.

   ‘આપના એક કાગળથી’ એમ લખો છો પણ મેં કોશ સંબંધી પ્રથમ કાગળ છ0 ભાઈને લખ્યો જ નથી, કેમકે છ0ભાઈ મને કોશ બાબત સહાયતા આપવાના છે એવું મારા સ્વપ્નમાં પણ નહીં હતું.

   વળી તમે લખો છો કે ‘ખુશી બતાવેલી તે મતલબના કાગળો ઉપરથી આપને લખેલું પણ તે કાગળો આપને ત્યાં જડતા નથી તેથી તેની નકલ આ લગત મોકલી છે.’ એ વાક્ય મને તો ઘણું જ ગુંચવણવાળું લાગે છે-જો હું એમ સમજું કે છ0 ભાઈના કાગળો ઉપરથી તમે મને લખેલું ને એ તમારા મારાપર આવેલા કાગળો જડતા નથી તેથી તેની એટલે તમારા મને મોકલેલા કાગળની નકલ આ લગત મોકલી છે તો હું અજબ પામું છું કે આ લગત તો છ0 ભાઈના તમારા ઉપર આવેલા કાગળોની નકલ તમે મને બીડી છે તે શું ભુલથી બીડાઈ છે? શું હું એવું સમજું કે છ0 ભાઈએ તમને મોકલેલા તેની નકલ તમે પૂર્વે મોકલી હતી ને તે શું મને ન જડી માટે તે આ લગત મોકલાવી છે!*… વાત! એ નકલો હું પેહેલ વહેલીજ જોઉં છું.

   આપણું સહજ હાસ્યવિનોદનું ભાષણ હતું તે છતાં ‘નહીં તો આપના એક કાગળથી તરત એ કામ બનવું ઘણું મુશ્કેલ હતું.’ એ વાક્ય અને ‘ખરેખરી મહેનત અમારી જ છે.’ એ હૈયાની ખરી લાગણીથી નીકળેલું વાક્ય છેકીને ‘મેં આપને રૂબરૂ કહ્યા પ્રમાણે જ છે’ એ વાક્ય લખેલું છે. એ બે વાક્યોની સ્પષ્ટ જણાય છે કે તમારા મનમાં એવું આવ્યું છે કે તમે જે શ્રમ લીધો છે તેને માટે મેં તમારો પુરેપુરો ઉપકાર માની તમારી પુરેપુરી તારીફ કીધી નથી એટલે જસ લેવાની જે તમારી આતુરતા તેને મેં તમારી ઇચ્છા પ્રમાણેના શબ્દોથી ઝીલી નથી. હું દલગીર છઉં-પછવાડેથી તમે લખો છો કે ‘અમારે તમારી પાસેથી એ વિશે કંઈ માન કે ઈનામ લેવું નથી પણ અમે અમારી ફરજ અદા કરી છે.’ માટે સંતોષ જ છે એ તમારૂં બોલવું પાછલાં વાક્યોથી જોતાં માત્ર બહારના વિવેકનું છે એમ કેમ ન કહેવાય?

   ‘આપની સ્મૃતિ કરતાં મારી સ્મૃતિ કેટલી ઉતરતી છે એ વિષે જયાદે લખવા ચાહતો નથી’ એમ તમે લખો છો તો ભલે લખો -જે તકરારને આપણી તકરાર સાથે થોડો જ સંબંધ તે તકરાર વચમાં આણી તમે પોતાની સ્મૃતિને જ્યારે માન આપો એ તમારી વાદરીતિને અને નર્મદાશંકરની સ્મૃતિનાં કરતાં તમારી વિશેષ છે એવી (સહેજ બાબત ઉપરથી) જ્યાં ત્યાં આટલી બધી ચર્ચા કરો એ તમારી સ્વભાવ રીતિને જસ છે એમ મારે મિત્ર છો માટે કહેવું પડે છે.

   મેં તમારા શ્રમનો ઉપકાર હર પ્રસંગે ભાષણ ને લખાણથી વાળ્યો છે ને એમાં તમને કંઈ ઓછું પડયું હોય તો દરગુજર કરવી ને મારી સ્મૃતિને માટે તો હજીએ કહું છું કે તે ભુલતી નથી ને તેમ કરતાં મારી સ્મૃતિ ભુલી છે એમ કહેવાથી આપ રાજી થવાને ઇચ્છતા હો તો પ્રેમ ત્યાં નેમ નહીં એ બુદ્ધિથી કહું છઉં કે હા મારી જ સ્મૃતિ ભુલાડી.
લી. નર્મદાશંકરના યથાયોગ્ય.

તા.ક. -સ્મૃતિની વાત ઉપરથી તમે વાંકું કેમ લઈ ગયા એના અંદેશામાં હતો એવામાં બે ત્રણ મિત્રોના સકારણ કહેવાથી મને જણાયું કે તમે વ્હેમી છો ને તેથી તમારા ધુંધવતા મનમાં ધુમાડાએ તમને આડા ઉડવાનું સુઝાડેલું. પરસ્પર બે મિત્રોને વિરોધ એવાં મિત્રજુગલ મારે ઘણાં છે ને વળી હું સહુનો મિત્ર છઉં એવો જે મારો મૈત્રિપ્રકાર તે તમે સહવાસ વના ક્યાંથી જાણો? તમારે… વિષે ખતરો આણવાનો આધાર શો છે? હું બહુ જ દલગીર છઉં કે તમે પોતે વ્હેમી થઈ મને કાચા કાનનો સમજો છો-પણ ઠગાઓ છો રાજેશ્રી! રે કેટલો વ્હેમ કે ઠામ ઠામ વાત ચરચો ને મને વિનાકારણે હલકો પાડો! તમે તો એમ પણ ચલાવશો કે મેં કવિના ઉપર ઉપકાર કર્યા છે ને કવિ મને આમ કરે છે પણ એની હું કંઈ સ્પૃહા રાખતો નથી-મારૂં અંત: કરણ શુદ્ધ છે. જેટલો તમારો ઉપકાર મારા પર છે તેટલો છે જ પણ શું તમે એમ ઇચ્છો છો કે મારી ખરી લાગણી બહાર ન કહાડતાં મ… સ્વચ્છંદ વિચારને આધીન જ રહેવું ને તમારા જસગુણની ડાંડીજ પીટયાં કરવી? જ્યાં સુધી તમે મને મિત્ર ગણો છો ને હું તમને ગણું છઉં ત્યાં સુધી હું મારી ખરી વાત (તમને કડવી લાગે તો પણ) જણાવ્યા વિના નહિ રહું-મૈત્રી નીતિ સમજવા ને મૈત્રિધૈર્ય વિવેકથી નિભાવવું એ દુર્લભ પુરૂષાર્થ છે.
- નર્મદાશંકર


0 comments


Leave comment