3.9.4 - ગોપાળજી વિ. સુરજીને - ૪ / મારી હકીકત / કવિ નર્મદ


મિત્રને પત્ર
તા. ૧0 સપ્ટેંબર ૧૮૬૯

   પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,
   તમારા તા. ૧૬ આગષ્ટના પત્રમાંથી સ્નેહવાણીના રસપાનથી હું પરમ સંતોષ પામ્યો છઊં. એમાં તો કંઈ જ શક નથી કે બીજા જીલ્લાના કરતાં તમને વિશેષ કામ છે ને તે વળી યશસ્વી રીતે થોડાથી જ બને તેવું, ઊંચી સ્થિતિના લોક સાથે ઊંચી સ્થિતિના માણસથી જ મનમાનતો પ્રસંગ રાખી શકાય. હું બહુ પ્રસન્ન છઉં કે જ્યાં તમારે હોવું જોઈએ ત્યાં જ તમે છો. કાઠિયાવાડમાં થતા સુધારાને તેજવાળી ગતિમાં મુકવાનો પ્રથમ શ્રમ તમારો જ છે એમ હું માનું છઊં. ઈશ્વર શ્રમનો બદલો આપો.

   નવલરામને ને દિનશાને આપના લખ્યા પ્રમાણે કહ્યું છે. ન. ગ. અંક ૩ જાની નકલ હાલ મારી પાસે નથી. કૃષ્ણાકુમારીની ૧00) મોકલાવી છે તે પોહોંચેથી ઉત્તર લખવો.
- લી. તમારો નર્મદાશંકર.


0 comments


Leave comment