3.9.5 - ગોપાળજી વિ. સુરજીને - ૫ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, આમલીરાન,
તા. ૧૬ નવેમ્બર ૧૮૬૯

   પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,
   તમારો તારીખ ૩જીનો પત્ર આવ્યો તે વેળા હું સુરતમાં નહીં. તેમ પછી દીવાળીના દહાડા ને મિત્રોની ભેટ, તેમ વળી કેટલુંક ઘર સંબંધી જરૂરનું કામ, એ કારણોથી ઉત્તર મોડો લખાય છે. તમે પત્ર લખવો આરંભ્યો એથી હું ઉપકાર માનું છઉં અને ‘સાધનની કોતાઈ વિગેરે કારણસર ફુવડપણું જણાય તો તેને સારૂ દરગુજર થશે.’ એ રીતનો વિવેક બતાવ્યો તેને સારૂ મારે પણ વિવેકમાં દલગીરી બતાવ્વી જોઈએ.

   જો કે પૂર્વ ગુજરાતીયો કવિતા વાંચવાનો ને વિશેષ સાંભળવાનો શોખ રાખતા, તો પણ તેઓએ કાવ્યશાસ્ત્ર સંબંધી જરાએ જાણે નહોતી. જેઓ કવિમાં ખપવાની ને શાસ્ત્ર જાણવાની ઇચ્છા રાખતા તેઓ હિંદીમાં કવિતા કરતા ને સુંદર શ્રૃંગાર, રસિકપ્રિયા, કવિતાપ્રિય આદિ ગ્રંથો વાંચતા-અર્થાત્ હાલના જેટલી પણ લોકમાં કવિતા સંબંધી ચર્ચા નહોતી. જ્યારે આપણા કવિયો હિંદી કવિયોની પેઠે રાગ છોડી છંદ નિયમે તથા અર્થજ્ઞાને ફક્કડ રીતે વાંચતા થશે, તારે હું જાણું છઉં કે હિંદી કવિતાના શોખીલાઓ આપણી કવિતાને તુચ્છ ન ગણતા પોતાનાથી કંઈક જ ઓછી ગણશે-ને એમ થાય તેને માટે આપણે કવિતા બોલવાની છટા અભ્યાસથી આણવી જોઈયે ને હિંદી કવિયો સાથે અર્થરસાલંકાર સંબંધી ચર્ચા કરી આપણી કવિતામાં પણ રેહેલી ખુબી તેઓને દેખાડવી જોઈયે.

   કૃષ્ણાકુમારીનો પ્રસંગ મેં ટૉડ ઉપરથી યથાર્થ લખ્યો છે ને તમારો કાગળ આવ્યા પછી ફરીથી જોઈ નક્કી કર્યું છે. વિલસનની હિંદુસ્તાનની તવારીખમાં પણ તેમજ છે. જેની ભીમસિંગ સાથે સગાઈ થયેલી તેની સાથે માનસિંગથી પરણાય નહીં એમ તેઓ કે છે તે તેમ હોય, પણ મેં તો અંગ્રેજી ગ્રંથો પ્રમાણે જ લખેલું છે. મારવાડના વિજેસિંગને સાત દિકરા; તેમાં એક ભોમસિંગ ને એક શેરસિંગ હતા. ભોમસિંગનો ભીમસિંગ ને શિરસિંગે એક વેશ્યાથી થયેલા છોકરાને પોતાનો કરી રાખેલો તે માનસિંગ. સવૈસિંગે માનને એમ કહ્યું હતું કે કૃષ્ણાની સગાઈ ભીમસિંગ સાથે નહીં પણ મારવાડી ગાદી સાથે થઈ હતી ને તમે નહીં પરણો ને તે જો બીજાને પરણશે તો મારવાડની ગાદીને લાંછન લાગશે. અમીરખાને ઉદેપુરના ભીમસિંગને કહ્યું હતું કે કાં તો તે માનને પરણે અથવા રજવાડાની સુલેહને સારૂ મરે, એવાં વાક્યો સ્પષ્ટ છે.

   કોશનું નક્કી થયું છે – ભાવનગરમાં છપાશે ને કુલ ખર્ચ મારા એસ્ટિમેટ પ્રમાણે રૂ. ૪000 ને દેશાઈ છગનલાલની તરફથી થશે-એઓના મનમાં એ કામ ઉપાડી સેવાનું સહજ કેમ આવ્યું તે તમે સારી પેઠે જાણતા હશો – હું ધારું છઉં કે તમે પણ કંઈ વાત કહાડી હસે ને એમ હોય તો મારે તમારો પણ ઉપકાર માનવો ઘટિત છે.

   કથાકોશ હવે મહિના એકમાં છપાઈ રહેશે. જો બની શકે તો પાંચશે રૂપીઆ જાનેવારી આખર સુધીમાં મોકલવા કે છાપનારની રકમ હજારેકની થશે, તેને પેટે ભરવા.

   મેં સાંભળ્યું છે કે તમારો એક ગ્રંથ છપાઈ રહ્યો છે.
   તમારા પત્રથી મને કેટલીક વાતની નવી નવી જાણ થશે માટે અવકાશે લખતા રહેશો.
- લી. તમારો સ્નેહી, નર્મદાશંકર.


0 comments


Leave comment