3.11.1 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, તા. ૧૮ જુન સને ૧૮૬૮

   પ્રિય ભાઈ ગણપતરામ,
   જ્યારે હું મુંબઈ હતો ત્યારે તમારું પત્ર આવેલું તેથી ઉત્તરને વિલંબ થાય છે.

   તમે શ્રમ લઈ લેવાડી શબ્દ મોકલ્યા ને બીજા શબ્દને માટે પત્રમાં તથા ચોપડીના કવર ઉપર જે સૂચના લખી છે – તેને માટે હું તમારો મોટો ઉપકાર માનું છું. બીજા મિત્રોથી મને ઘણાક શબ્દો મળ્યા છે પણ તે ખરા તો ક્યારે કહેવાય કે જ્યારે તમ સરખા વતનીઓના મોકલેલા શબ્દો જોડે મળે તારે. માટે જેવો શ્રમ લીધો છે તેવો નવરાસે લ્યાં કરશો, એવી આશા રાખું છઉં.

   ‘સૌરાષ્ટ્રદર્પણ’માં નર્મકોશ વિષે છે તે મેં વાંચ્યું છે. જ્યાં સુધી પ્રસ્તાવના સહિત ગ્રન્થ પુરો થયો નથી ત્યાં સુધીમાં લોક ગમે તેમ લખવામાં પોતાનું શહાણપણ સમજો પણ એના ઉત્તર લખવાને મને હાલ અવકાશ નથી.

   તમારી મોકલેલી ચોપડીના એનવેલપની અંદર મારા ઉપરના કાગળની સાથે એક બીજો કાગળ ગોઘાનો હતો જે આની સાથે પાછો મોકલ્યો છે.
- તમારો શુભેચ્છુ નર્મદાશંકર લાલશંકર


0 comments


Leave comment